Saturday, November 14, 2009

એયેયેયે બરીક નથીઈઈઇ... (Bicycle without Breaking Gear)

"હેય્ય્ય્ય્ય્ય્ય, ફુર્ર્ર્ર્ર્ર, પોહે, પોહે, હેય્ય્ય્ય્ય્ય, કાનીયા વાઈર એ ચાંદરીને " આ છે અમારા લખમન ભરવાડ ની રાઈડ.

ભરવાડ, રબારી, હિદડા, માલધારી ઈ બધાય નોખા.ભગવાન ક્રુષ્ણ ના આ કેહવાતા વંશજો ની કુલદેવી હિંગળાજ માતા, બહુ માને એમા. ભરવાડ માં ય પાછી બે જાત , નાનાભાઇ ભરવાડ અને મોટાભાઇ ભરવાડ, નાનાભાઈ વાળા ૧૦૦% ચાંદી ના સળિયા ને વાળી ને બનાવેલૂ કડુ એવુ આદમી હાથે પેરે અને બાયુ પેરે પગે. મોટાભાઈ ભરવાડ મા ચાંદીના કડા ના સળિયા મા અંદર સ્ટીલ નો તાર નાખેલો હોઇ અને જેમા એક છેડે ડટ્ટિ જેવુ હોઇ. એટ્લો જ ફરક. ભરવાડ પેલા તો પોતાની અને ગામની ગાયુ જ ચરાવતા. પણ હવે જમાનો બદલાયો છે. ને ભેંશુ રાખી ને ડેરિયુ મા દુધ ભરે (selling milk to Local Dairy) ને કાં તો ઘરે ઘરે દુધ વેંચે,ને એમા ય પૂરુ નો થાઇ તો રેંક્ડા ખેંચી ને મજૂરી કરે, એમાથી ઘર હલાવે. 


મે અગાઉ લઈખુ તુ એમ રાજકોટ ની ચા વખણાય એ આ ભરવાડ ની રેક્ડી ની ચા. દારુ પીધો ઉતરી જાઇ કે અફિણ લગાઇવુ હોઇ તોય ઝોલા આવે પણ અમારા કાના ની રેક્ડી ની કડક મીઠી અડધી પીધા પછી તો સુવાની ગોળિયુ લ્યો તોય નિંદર નો આવે. રાજકોટ મા ચા ની રેક્ડીયુ મા ભરવાડો ની જાને મોનોપોલી થઈ ગઈ છે.

આમતો ભરવાડ એટ્લે સાવ દેસી અબૂધ, કાઠીયાળી, કસાએલા બાવડાવાળી મજબૂત બાંધા ની પ્રમાણિક પ્રજા. હેઠે જાડા સુતરાઊ કાપડ ના ધોતિયા ને ડીલે હોઇ બટન વીનાની બંડી કે ખુલી કસ નુ કડિયુ, બધુય હંસલા જેવુ ધોળુ, ને માથે પેરે ઘાટી લાલ પનીયા ની વાળેલી પાઘડી.કાનમા ઉપર હોઇ નાની પોખાનીયુ ને ગળા મા બે તઈણ કાળી લાલ માળા ને પગમા ૫ કિલો નુ એક થાઇ એવા અણીદાર જોડા કમ મોજડીયુ.બધાય આધેડ ને વેઈત વેઈત મુછ હોઇ. કોટ ની બંડી ને ઉપલે છેડે હોઇ કાન ખોતરિયુ ને એકાદિ સેફટી પિન ને ખીચા મા હોઇ એકાદી તમ્બાકુ પીવાની હોકલી ને રૂમાલ. પછી હાથે બાંધી હોઇ મોટા ડાઈલ વાળિ એચએમટિ (HMT  brand wrist watch). બાયુય પણ એની કાઠાળી , કાળી કામળી માથે ઓઢી હોઇ, લાલ ભરત ભરેલુ કમ્ખુ છાતિયે ને કાળુ જાડુ કાપડુ ઘાઘરા ની જેમ પેરે. કાન મા તો ઉપર થી નીચે પોખાનિયુ ને વેઢલા ને વાળિયુ ને કેટલ્યુ ય હોઇ અને પગે પાછુ ચાંદીનુ કડુ તો ખરુ જ. અધુરામા પૂરુ આખે શરીરે છુંદણા ત્રોફાવેલા હોઇ કીલો ના ભાવે.ખાલી જગા નો મળે.

ભરવાડ ના ખોરાક પણ કેવા બપોરે જાડા ટિપેલા ઘઊ ના તઈણ ચાર રોટલા ને છાસ ને મર્ચુ હોઇ ને સાંજે તો જાર બાજરા ના રોટલા ને દુધ, બસ. શાક્ભાજી કે ફ્રુટ નુ નામ જ નહી. ભરવાડ ને કાળા અક્ષર ભેંસ બરાબર, અમારે ઝવેરભાઇ ને પુછો તો ક્યે " અરેય ભણવાનુ, નિશાળે મુકો તો રખડવા જ ભાગી જાઇ, અમારે ઘોડાના ભણે જ નહિ, બે તઈણ ચોપડી તો બવ થઈ ગ્યુ."

ભલે લંડન ને અમેરિકા મા છોકરિયુ ૧૫ ૧૬ વરસે માબાપ ને પુઈછા વીના લગન કરતી, આય તો કાયદેસર પેટે ચાંદલા થાઇ. પેટે ચાંદલા એટ્લે જનમ્યા પહેલા લગન ગોઠવવા. બે ભરવાડ ભેરુ હોઇ ને બેય ની ઘરવારી ને સાથે સારા દિવસો જાતા હોઇ અને બેય સામે સામા પેટે ચાંદલા કરે તો એમા જો એક ને ન્યા છોકરો ને બીજા ને ત્યા છોકરી આવે તો કાઇ લીધા દીધા વગર નો સંબંધ પાકો. સોળ સત્તર વરસ ની દીકરી થાઇ તેદી લગન લઈ ને આવવાનુ ને દીકરી ને  લઈ જાવાની. તમે પુછ્સો કે આમ કેમ,સાઈનટિસ્ટો ને ચક્કર આવી જાઇ એવી વાત છે પણ આ કોમ મા છોકરા ની લાઇનુ લાગે. છોકરી નો દુકાળ.અમારા ઝવેરભાઇ ને પાંચ દિકરા કાનો, લખમણ, ટિલયો, ચોથો અને પાંચો. એકેય છોડી નહી. આ ઝવેર ની વહુ ૩૦ વરહ પેલા ઉપેર વઈ ગઈ પણ એક્લે હાથે પાંચેય ને મોટા કરી ને કાના ને લખમણ ને તો પઈણાવિ પણ દિધા છે.આ ભરવાડ મા પેલા તો દીકરી વેંચાતી. "જો હિરા ૫૦ તોલા સોનુ ને ૨ કિલો ચાંદી થાઇ તેદી વાત કરવા આવજે, ન્યા સુધી કેતો ય નહી." આવો તો રુઆબ છોકરી નો બાપ કરે. હા ૫૦ તોલા સોનુ ને ૨ કિલો ચાંદી તો દેવી જ પડે તયે છોકરો પઈણવા ભેગો થાઇ. એટ્લે જાજી છોકરી નો બાપ તો ગાડિયુ મા ફરતો હોઇ. મોટે ભાગે તો સામે સામા લગન વધારે થાઇ, સામે સામા એટ્લે, હિરા ની છોકરી લવજી ની ઘરે ને લવજી ની છોકરી હિરા ની ઘરે. ભાઇ બેન ને જ સાળા-વહૂ બનાવે. તમે કહેસો કે આટ્લા રુપિયા ક્યાથી કાઢવા.લ્યો તયે નાત્ય કેનુ નામ? લગન ટાણુ થાઈ ત્યા સુધી દિકરો ને બાપ કાળી મજૂરી કરી કરી ને સોનુ જ લીધે રાખે ને પછી લગન ટાણે છોકરા નો બાપ, ઘટે તો સગા વ્હાલા પાસે થી ઊછીતા લ્યે. લગન મા બધા જમવા આવે એટ્લે હાથઘઈણુ કોક ૧૦૦ રુપિયા કોક ૫૦૦ કોક ૧૦૦૦ રુપિયા એવુ દયે( જેવો વેવાર), આવુ બધુ ભેગુ કરી ને પછી લગન કરે. પાછા જો કોઇક ગઈઢા મરી જાઇ એટ્લે આખી નાઇત ના બધા ઘર ૨ કિલો ખાંડ અને ૧૦૦ રુપિયા લઈ ને ખરખરો કરવા આવે. ડોહા નો દાડો કઈરા પછી પણ ૨ ગુણી ખાંડ ને ૨૦  ,૨૫,૦૦૦ રુપિયા વધે.


અમારે કાના ચા વાળા ના બાપા વેલા ઉપર વઈ ગ્યા છે એટ્લે બિચારો ૨૫ વરહ પોગી ગ્યો છે તોય ઘરવાળી વારો થયો નથ અને સોનુ ભેગુ કરવામા પઈડો છે, તમારે કોઇ ન્યાની ભુરી નુ માંગુ (engagement) નાખવુ હોઇ તો કેજો....

No comments:

Post a Comment

Kem laigu tamne...