Thursday, May 6, 2010

હે મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો...

તમને હયશે કે આ મારો ગોતીડો ક્યાં ખોવાઈ ગયો. તઈણ તઈણ મહિના થી એક લીટી નથી લઈખી. શું કરું રોટલા ના તો કાઢવા ને. આમાં લઈખે કાઈ પેટ નો ભરાય તોયે નવરો આજે થયો છું તો લાવ કીધું લખું ઝરિક. નવા મા તો હમણા તો પાટણ સુરેન્દ્રનગર બનાસકાંઠા બાજુ આંટા મારું છું. જમીનું ગોતવા. મારે વાત કરવી છે પાટણ ની. કઈ જાઈતનો પંથક છે ખબર નો પડે. એક બાજુ ભૂંડેહાલ ભૂખડ કચ્છ, ઉપર નપાણીયું બનાસકાંઠા, પચ્છમમાં માલામાલ કડવા પાટીદારો નું મહેસાણા અને દક્ષિણે સુરેન્દ્રનગર નો બાપુ ડાઈરો. રસ્તા જાણે કુંવારી બાયું ના વાહા જેવા સીધા સપાટ નવા નકોર. વીસ પચીસ વરસ પેલા ઘરે પાણી ની ડંકી ગારવા સાઈડો મૂકતા ત્યારે એમાંથી નળાકાર પાણા નીકરતા. એને તૂટેલી ડોલ નો સળીયો બે બાજુ લગાવી દોરી બાંધી ધમધમાટ ફેરવતા. એવા રોલ ફેરવવા ની મજા પડી જાઈ એવા લીસા રોડ. પરજા પાછી કેવી? માથે સડેલું પનીયું ને નીચે સડેલી ધોતી. દસ પંદર થીગડા વાળો બુશકોટ. અને બાયું ને નાનું ટુંકુ પોલકું ને ચણીયો. માથે નાની ચુંદડી નાખો એટલે બહુ થઇ ગયું. જબરા માણાહ. ઠાકોર, ચૌધરી પટેલ, દરબાર, મુસ્લિમ, હરિજન આવી બધી વસ્તી. બધાય આમતો ખેડું. પણ આપણા કાઠીયાવાડ ખેડું જેવી મેનતું કરે એવા નહી. ખાવા ના ખૂટે પણ સાંજ પડે બેક કોથરી પીધા વિના નો હાલે.  કોણ જાણે કેમ, મારી હારી જમીન જ જાણે કઈ ભાઈત ની છે. ૬ ફૂટ નીચે ખારો. એટલે જે કઈ વાવો એને ઓછું પિત કરવાનું અને થોડુંક અમથું ઉગે એટલે ઉપાડી લેવાનું. બહુ નીચે મૂળિયાં જાઈ  જ નહી. કાલા કપાસ ને જીરૂ ઉગે. આખા પંથક મા ક્યાય ૪ ફૂટ થી ઊંચું જાડવું નો જડે. બધેય જ્યાં જોવો ન્યા બાવળ બાવળ. સાઈકલ ની ટ્યુબ નહી રીંગ માંથી સોસરવો નીકળે એવા કાંટા. ઝાઝી ખમ્મા શંકરસિંહ વાઘેલા બાપુ ની. બાપુ એના ટૂંકા ખજુરિયા (કેશુભાઈ ની પાકી સરકાર માંથી અડધા ઉપરના ધારાસભ્યો ને ખજુરાહો ઉપાડી ગયા ને નવી સરકાર બનાવી તી) રાજ મા ચુંટણી જીતવા રાધનપુર આઇવા તા અને આખા પાટણ જીલ્લા ને લીલો છ્મ કરી દેવા ના અભરખે જ્યાં જ્યાં જગા દેખાણી ન્યા બાવળિયા વાવી દીધા. આ ઈનો પરતાપ.

આયા ના માણાહ બહુ ગરીબ. પણ કરેય શું? તડકા પડે ભૂકા કાઢી નાખે એવા. વેલે ચોટેલી ટેટીયું બફાઈ જાઈ એવી ગરમી. જેમ અમેરિકા મા નવી ગાડીયું ના એ.સી. ચેક કરવા કેમ ડેથ વેલી, નેવાડા મા લઇ જાઈ છે એમ આપણા દેશ મા આયા લાવવા જેવી છે. ગમે એવા એ.સી. ભાંભરડા નાખી જાઈ હો કે. અધૂરા મા પૂરું એમાં આવે ઉડણ. નરી આંખે સુરજ જોયો કોઈ દી? આયા જોવામા વાંધો નઈ. પાવડર જેવી ઝીણી રેતી એટલી ઉંચી ઉડે કે આખું આભ ઢાંકી દ્યે. રાઇતે ઘરમાં ઝીરો નો બલબ બરતો હોઈ એવું થઇ જાઈ ઘડીક વાર તો. આમાં માણાહ શું મરે?

ગામ ના નામે કેવા? લોલાડા, ચંદુર, કુંવર, જેસડા, સમી, હારીજ, ચાણસ્મા, કોરડા, પરસુંદ, ચડીયાણા, અને એવા કેટલાય ગામ. ગામ બધાય ટૂંકા. પાકિસ્તાન થી ભાગલા વખતે આવેલા ઘણા મુસલમાનો અને હિંદુઓ આયા સાંતલપુર પાસે વારી કરીને ગામ છે ન્યા રયે છે. પાટણ જીલ્લા મા મોટા ગામ કઈ તો પાટણ, સાંતલપુર, રાધનપુર, સમી અને હારિજ બહુ થઇ ગયું.. આવા ભૂખડ ગામ છે પણ જુનવાણી ઘણું છે આયા. મૂળ તો આ સિદ્ધરાજ જયસિંહ ની ગાદી ને એટલે જૈનો નું ગામ શંખેશ્વર પાર્શ્વનાથ નું જીનાલય મંદિર, સહસ્ત્રલિંગ તળાવ આવું કેટકેટલુંય જોવા જેવું ખરું. એક મદિર નું તો પાછું નામ છે હાઇકોર્ટ ઓફ કુણઘેર. મા મેલડી ના આ મંદિર ના સત્તર પાટિયા આવે પાટણ ને રસ્તે નીકળો અટલે..

ગમે ઈ હોઈ રોટલા ભેગા બાંધી ને નીકળવું પડે આ બાજુ, સારું ખાવાનું ક્યાય નો મળે આ આખા પંથક મા. હા દારૂ જોઈ એટલો મળે, માલ ની ગેરેંટી. રાજસ્થાન બોર્ડર થી બનાસકાંઠા અને ન્યા થી પાટણ થઇ આખા ગુજરાત મા માલ જાઈ.

લ્યો ત્યારે હવે આયા તો બારે બર્બરતી લૂ વાય છે ત્યારે  બે તઈન તાલાળા ની સાંખ ની કેસર કેરીનો રસ ને રોટલા ઝાપટી ને એ.સી. મા બેઠા છી એટલે ભારે નીંદરૂ ચડી છે તો લાવ ઘડી બે ઘડી ટાઢા પોર ની ખેંચી લવ.. તમતમારે ઘર-ઘોલકા કઈરા કરો.....

1 comment:

Kem laigu tamne...