Friday, July 23, 2010

ગઈઢી ઘોડી ને લાલ લગામ.

 રાજા રણમલ ની કેવી ભાયબંધી હશે ઓલા રાજુ સંધી હાઈરે, ગામ નું નામ જ આખું આપી દીધું રાજકોટ અને એય પાછી રાજધાની નું નામ.  આમતો અત્યારે પટેલ, લોહાણા, વાણીયા, ભૂદેવ, ભરવાડ, વાઘરી ની વસ્તી મા સંધી ગોતવા જાવા પડે એટલા રઈ ગયા હશે પણ ૪૦૦ વરસેય રાજકોટ રાજુ સંધી નું જ કેવાય. બોલો આટલા બધા વરસ થઇ ગયા. પણ માણસો ય ગાંડા થયા છે, ૪૦૦ વરહ ની ઉજવણી મા. બાપ મરે એની વાહે દડો કરવાના તૂટતા હોઈ એવા મ્યુનીસીપાલીટી વાળા તો પાછા એમાં કેવા ઘાંઘા થયા છે, જે બાર મહિને એકવાર ધોવાતી નથી એવી બધી સરકારી બિલ્ડીંગુ ને લીલી પીળી લાઈટુ થી ભરી મુઈકી. સરઘસ કાઈઢા. કૈક નવા વાના કઈરા.  ખેડું ના પૈસે તાગડ ધિન્ના કરતા માર્કેટીંગ યાર્ડ વાળા એ તો પાછી ૪૦૧ કિલો ની કેક હોતે ય કાપી નાઈખી, કોના બાપ ની દિવાળી. એક છટકેલે તો ટકા મા વાળ ની ભાત પાડી ને ૪૦૦ લખાઈવુ.

તમને થાહે કે આ શું વરગીગયો છે. બધા ને આડે હાથે લ્યે છે. એ કેવું પડે એમ છે. રાજકોટ ને જાણે વેંચવા મૂકી દીધું હોઈ એમ  કેમ છે વાડી બોલો ને દલા તરવાડી ની જેમ મન ફાવે એમ માણસો ની કાળી મજૂરી થી કામેલા ટેક્ષ્ ના પૈસા આ ભાજપી કોર્પોરેટરો બગાડે છે એ જોઈ ને થાઈ છે મુશરફ ખોટો નથી. સ્કાયવોક ના નામે પૈસા ની ભંભલી ભરવા ગયા પણ સારું કઈરું જનતા એ જ ફોડી નાઈખી. આવું તો કેટલુંય ચવાઈ જાતું હઈશે. આની મોર ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ની કરોડો ની સરકારી જમીન મા વાંહે  એક સડેલી મ્યુંનીસીપાલીટી ઓફીસ બંધાવી, આગળ ની કરોડો ની કીમતી જમીન  મફત રાજકોટ ના જાણીતા બિલ્ડર ને દઇ કુંડલી મા ગોળ ભાંગી લીધોતો જ્યાં આજે બીગ બઝાર ઉભું છે.


એટલે સાવ એવું ય નથી કે રાજકોટ મા બધા કાગડા જ છે. છે ને અમારે વિક્રમભાઈ પંડ્યા, મોર જેવા, એને એવો હરખ ચઈડો કે ઉભે પગે વેબસાઈટ બનાવી ને www.rajkot400years.org  ભૂકા કાઢી નાઈખા. કોણ કેદી કેમ આ ૪૦૦  વરહ ના ગઈઢા ગામ ના જનમદિન મા જોડાશે એની બધી માહિતી ઘરે ઘરે પૂછી પૂછી ને ભેગી કરી સાઈટ ઉપર મૂકી દીધી. દેસ પરદેસ થી સાડા તઈનસો માણાસો ના તો અભિનંદન આઇવા. આ સિવાય મેડીકલ કેમ્પ, રક્તદાન શીબીર,નાના ટાબરિયા રમે એવા મેળા, વોકાથોન, નિબંધ સ્પર્ધા, રાજકોટ ને ઓળખો સ્પર્ધા,  અને એવું તો કેટલુંયે થયું. રાબેતા મુજબ સરકારી ખર્ચે રેસકોર્સ મા ફટાકડા ફૂઈટા (એમાં કોઈને ક્યાં કઈ કેવું પડે એમ છે). એટલે અમારે રાજકોટ વાળા વાત ને મુકે નહી. જે હાથ મા લ્યે એની ગઈંધ કાઢી નાખે.

હમણા હમણા તો જેને આવે તેને મેથીપાક બહુ ખવરાવે છે. કોક કૈક ખોટું કરતો પકડાઈ જાઈ, જેમકે ખોટો પત્રકાર બની ને રોફ મારતો હોઈ, કોક છોકરી ની છેડતી કરતો હોઈ, પોલીસ ની રાહ જોવામાં હવે રાજકોટ વાળા બહુ માનતા જ નથી. એવો ધીબેડે એવો ધીબેડે બિચારા ને  ધોળે દિવસે તારા દેખાડે. બેક દી પેલા એકાદ મંદિર ના ભુવા ને હડફેટે લઇ લીધો.

આજકાલ આ જમીનું ની તેજી મા કેટલાય  જે ફાટેલ ખિસ્સે રખડતાતા એને હાથ મા માલ આવતા બિચારાઓ ક્યાંક મન મોળું કરી ને બેઠા હોઈ એવા કેટલાય ધોકે ધોકે ધીબાઈ ગયા. જુનું ક્યાંક મન મળેલું હોઈ પણ તેદી ફક્કડ ગિરધારી હોઈ, અને અત્યારે માલ હાથ મા માંડ આઈવો હોઈ ત્યારે ઓલી પાછી બીજે ક્યાંક ઠેબા ખાતી હોઈ તો જરાક મન મોકલું કરવા આવા બિચારા એના કોક દોસ્તાર ના ખાલી ફ્લેટ મા ઘરે તો પડોસી ની ટી.વી. ની સીરીઅલું થી કંટાળેલી બાયું બહારથી ફ્લેટ ના આંગળીયા બંધ કરી ગામ આખા ને ભેગું કરી પછી છોકરી અને છોકરા બેય ને ધોકાવે.  પોતાના ઘરવાળા હારે સેટિંગ બગડી ગયું હોઈ એનો ખાર બીજા ઉપર થોડો કઢાય છે. પણ આ તો રાજકોટ છે. આયા ગમે ઈ થાઈ.

બાકી અત્યારે તો વરસાદ ની હેલ પડે છે. લાગે છે ૩ ૪ ઈંચ તો બેક કલાક મા નાખી દેશે.
આઈવ મારા વાલા આઇવ..


તિખારો : મોત ને બાઝો તો તાવ આવે.  નો ખબર પડે તો પૂછજો.