Thursday, December 17, 2009

ક્રિકેટીયો વા અને હરખપદુડા ની જાન

કોક નો ધણી મરે ને હૂ રાંડી રાંડ થાવ એવુ રાજકોટ નુ વાતાવરણ હતુ છેલ્લા બે દી થ્યા. જેનુ પૈણવા ટાણે ઘોડૂ હાલ્તુ ય નથી એવી ઇન્ડિયા ની ટીમ ના ગઈઢાઓ (આ છોકરાઓ ની મોઇ ડાડીંયા જેવી રમત કેવાય) રાજકોટ ના ક્રિકેટ ગ્રાઉન્ડ મા ૧૨-૧૨ વરહ ના ટેણિયા જ્યા છક્કા ઉપર છક્કા મારે એવા ટિચુકડા ગ્રાઉન્ડ પર ૪૧૮ રન મારી દીધા તો ઠેઠ અમેરિકા બેઠેલા કેટ્લાય હરખપદુડા ખાટ્લા માથી હેઠા પડી ગ્યા હશે. કેવુ પડે ભાઇ શૂ સેહવાગ રઈમો? તેન્ડુલકર એટ્લે તેન્ડુલકર! તંબુરો તારી માસી નો! રઈમો તો સાન્ગાકારા ૪૩ બોલ મા ૯૦ ઠોકી દીધા.બચારા તારન્ગા ને રાજકોટ નો આઈસ ક્રીમ ખવરાવી કઢી જેવા શેડા કાઢતો કરી દીધો અને તોય ભાઇડા ની વિકેટ પાડવા મા આપના ગઈઢાઓ ને ફીણ આવી ગ્યા.આતો બિચારા શ્રીલંકા વાળા ના નસીબ મા પાંદડુ એટ્લે તેન્ડુલકર થી ઓલા નવાણિયા મેથ્યુઝ નો કેચ થઈ ગ્યો બાકી બહુ આઘુ હતુ જ નહી ને જો એકાદો ફટ્કો લાગી ગ્યો હોત તો જોયા જેવી હોત બધાય ની. આજ રાજકોટ વાળા રાતી લાલ જેવી કરી દેત.


આતો દોઢ અબજ ની વસ્તી માથી જ કમાવાનુ છે એ બીસીસીઆઈ અને આઈસીસી ને ખબર છે એટ્લે જ્યારે વાર તહેવારે એકાદો ૫૦ ૧૦૦ રુન મારે એટ્લે આ ૨૦ ૨૦ વરહ જુના ગઈઢા ઓ નુ વાહ વાહ કરવા માંડે અને એમા પાછા એની જાતને જોડા મારુ એવા પત્રકારો ય વરગી પડે.

અમારુ કાઠયાવાડ તો ખાનદાનો ની ભુમી છે, જોગીદાસ ખુમાન ની ભુમી છે જે દુશ્મન નાય ઓવારણા લ્યે અને બીજા હારુ ખપી જાઇ પછી ભલે ને રમત નુ મેદાન હોઇ કે રન મેદાન.આમેય આપણી ટીમ બીજે દેશ રમવા જાઇ ત્યારે હારે જ છે, એકાદો વધુ, અમારી રાજકોટ ની આબરુ તો રહી જાત. હવે જે થયુ એ નવી ઘોડી નવો દા. આ ગઈઢાઓ સમજે તો હારુ.


બાકી તો આય રાજકોટ મા હવે આધેડ અને બૂઢિયાઓ જ રઈ ગ્યા છે. જુવાનીયા તાજે તાજા પૈણી ને હનીમૂન મા ભાગી ગ્યા છે. એટ્લે આ લગનગાળો પુરો થતાજ શાક્ભાજી સાવ મફત ના ભાવે મળવા માઇંડુ છે. કુદરત નુ શુ કેવુ, ઓલો અલ ગોર રાઇડુ પાડી પાડી ને હાહ ધમન થઈ ગ્યો પણ કોઇ એનુ માનતુ નથી પણ હજુ પુરો શિયાળો બેઠો નથી ત્યા આયા ગીર મા એક્દમ પીળી હળદર જેવી કેસર કેરી પાકી ગઈ છે ને માર્કેટ મા પણ વેંચાવા આવી ગઈ છે. ૩૦૦ ની કિલો છે. પાંચ છોકરા ની મા ભાગી ને બીજા લગન કરે એ કાઈક હવે સમજાય પણ આ વગર ઉનાળે ને ભર શિયાળે પાકી કેરી? કળયુગ બરોબર બેઠો છે હવે...

હવે જે હોઇ ઈ અમે તો ગરમા ગરમ મફલર ને વાંદરા ટોપિયુ પેરી ને રાઇતે તાપણે બેહવા માઈંડા છિયે.. તમ તમારે ય બે બે ગોદડા ની સોઇડ કરીને ઘોટાઇ જાવ.

Tuesday, December 8, 2009

દયા પ્રભુ ની ધરમ ની જય...

સૌરાષ્ટ્ર ની ભુમિ સંત સુરા અને બહારવટિયા ની કેવાણી છે. એટ્લે જ આયા કેવાણુ છે કે .

જનની જણ તો જણજે કા દાતા કા સૂર,
નહિતો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર .

અને આજેય પણ કાઠિયાવાડ ના કોઇપણ ગામે જાવ તો ગામ ની બહાર પાળિયા હોઇ. ગામમા કોઇક શુરવીર થઈ ગ્યા ની ઈ ઓળખાણ હતી. આ શુરા એટ્લે ઘરવારી યે બટેટા કાપવા બેહાઈડા હોઇ ને આંગળી કપાઇ જાઇ ને દેવ થઈ ગ્યા હોઇ ઈ નહિ, આતો ગામ ની ગાયુ વાળવા કે ગામ ભાંગવા લૂટારા આઇવા હોઇ એની હારે લડતા લડતા ખપી ગ્યા હોઇ એની વાત છે.એના પાળિયાઓ ને સિન્દૂર ને ધુપેલિયા થાઇ.

મારે વાત કરવી હતી સંતો ની. કાઠિયાવાડ એ સંતો ની ભુમિ. આજે પણ ગામે ગામ કોઇ ને કોઇ સાધુ સંતો ના વિસામા હોઇ જ. સત્તાધાર આપા ગીગા ની જઈગા, વિરપુર જલારામબાપા ની જઈગા, પરબ વાવડી સંત દેવિદાસ અમર મા નુ તોરણીયા ધામ, પાળિયાદ બાપુ ની જઈગા, બગદાણા બજરંગદાસ બાપા, સ્વામિનારાયણ નુ ગઢડા, સારંગપુર, ભારતી આશ્રમ જુનાગઢ, કેટ કેટ્લી જઈગા. બધેય ઓટલો મળે અને ચોવિસ કલાક અન્નષેત્ર ચાલુ.

વાત મૂળ છે રાજકોટ ના ભક્તો ની, એના ભક્તિ ભાવ ની. ભારે શ્રધ્ધાળુ બાકી, કોઇનોય આભળછેટ નહિ.એવુ કેવાય કે બાવા બઈના હે તો રાજકોટ આવવા પડે.. બસો પાંચસો માથા મળી જ જાય. આ ગામ મા બધી જાત નો ફાલ મળે. સ્વાધ્યાય કે સ્વામિનારાયણ, કે,આર્ટ ઓફ લિવીંગ કે બ્રહમાકુમારી કે હરિ ઓમ તત્સત કે, પ્રણામિ, કે હવેલી વાળા વૈષ્નવ કે પછી ભલે ને મોરારી બાપુ ને રામદેવજી મહારાજ હોઇ રાજકોટ મા સંધાય ના શીષ્યો મળે. (unity in diversity) યુનીટી ઇન ડાઈવર્સીટી મા માનવા વાળા પાછા બધા એક શેરી મા રેતા હોઇ ને કોઇ ના પણ ગુરુ ગામમા આવે ત્યારે નોતરૂ હોઇ કે નો હોઇ ગુંદી ગાંઠિયા ખાવા ને બાપુ, બાપા કે સંત ના દર્શન ને આશિર્વચન સાંભળવા પોગી જ જાઇ. મારી કુળદેવી ખોડિયાર હોઇ કે તારી હોઇ આશાપુરા , ઉંઝા મા ઉમિયા મહોત્સવ હોઇ એટ્લે બધાય પાણકોરા ના બે જોડી કપડા લઈ થેલીયુ ભરી ને બસુ મા બેહી જાવાના. ગમે એટ્લા મેદાનો હોઇ એ ટુંકા પાડી દયે એટ્લુ માનાહ ભેગુ થાઈ. પાછુ એવુ નથી કે ધરમ કરમ ના કામે જ લોકો ભેગા થાઈ, સ્વામી સચ્ચિદાનંદ, કે સ્વામી ધર્મબન્ધુ કે ગુણવન્ત શાહ કે સારા પ્રવચનકાર ને ન્યાય તડાકો પડે. અને છેલ્લે ભીખુદાનભાઇ ગઢવી કે હેમન્ત ચોહાણ કે દિવાળીબેન ભીલ કે, કોઇપન ગઢવી નો લોક ડાયરો ગમે ન્યા હોઇ, કલાકાર ગમે ઇ હોઇ, બસ જાવુ એટ્લે જાવુ જ. હમજાય કે નહી રાજકોટ મા રેવુ હોઇ તો જાવુ તો પડે જ.વેવાર મા રેવુ હોઇ તો જાવુ પડે જ.



બાકી શિયાળો હવે માંડ બેહુ બેહુ થઈ રયો છે ત્યારે તાજે તાજા લીલા મજાના શાક ભાજી ને ફ્રુટ ની રેકડીયુ હડિયુ કાઢે છે. અને આ લગન ની સીઝન ની તો શુ વાત કરુ, આ ૨૦૧૨ ફિલમ આવી છે ત્યારથી બધાય કુંવારા ને હવે પૈણવા ચઈડો છે, ગમે એવી દેખાતી હોઇ છોડી, બસ બધાય ને માંડવે બેહી જ જાવુ છે, ક્યાક રહી નો જવાય ની બીકે.

તયે હાલો હવે આ ટાઈઢુ મા જિંઝરા ને શેઈડી ને અડદિયા ને તલ સાંકળી ને ચીક્કી ની મોજુ લૂટ્વા આવી જાવ રાજકોટ...

Saturday, November 21, 2009

હેઅએ..આઇવા તાજા ટમેટા રિંગણા ભિંડા તુવેર ઘીસોડા લઈ લ્યો.....

શિયાળા ની શરૂઆત : રાજકોટ ની શાક મારકેટ નુ આજ નુ ભાવ પત્રક.

જોઇ જોઇ ને જીવ બાળતા નહી મારા વ્હાલા..


.

આવી જાવ આ થેન્કસગીવીંગ્યા લોંગ વીકએન્ડ માં રાજકોટ , આયા છે મોજે દરિયા, નસીબ ના બળીયા, ભલે પછી બૂટ ને નો હોઇ તળીયા...

Saturday, November 14, 2009

એયેયેયે બરીક નથીઈઈઇ... (Bicycle without Breaking Gear)

"હેય્ય્ય્ય્ય્ય્ય, ફુર્ર્ર્ર્ર્ર, પોહે, પોહે, હેય્ય્ય્ય્ય્ય, કાનીયા વાઈર એ ચાંદરીને " આ છે અમારા લખમન ભરવાડ ની રાઈડ.

ભરવાડ, રબારી, હિદડા, માલધારી ઈ બધાય નોખા.ભગવાન ક્રુષ્ણ ના આ કેહવાતા વંશજો ની કુલદેવી હિંગળાજ માતા, બહુ માને એમા. ભરવાડ માં ય પાછી બે જાત , નાનાભાઇ ભરવાડ અને મોટાભાઇ ભરવાડ, નાનાભાઈ વાળા ૧૦૦% ચાંદી ના સળિયા ને વાળી ને બનાવેલૂ કડુ એવુ આદમી હાથે પેરે અને બાયુ પેરે પગે. મોટાભાઈ ભરવાડ મા ચાંદીના કડા ના સળિયા મા અંદર સ્ટીલ નો તાર નાખેલો હોઇ અને જેમા એક છેડે ડટ્ટિ જેવુ હોઇ. એટ્લો જ ફરક. ભરવાડ પેલા તો પોતાની અને ગામની ગાયુ જ ચરાવતા. પણ હવે જમાનો બદલાયો છે. ને ભેંશુ રાખી ને ડેરિયુ મા દુધ ભરે (selling milk to Local Dairy) ને કાં તો ઘરે ઘરે દુધ વેંચે,ને એમા ય પૂરુ નો થાઇ તો રેંક્ડા ખેંચી ને મજૂરી કરે, એમાથી ઘર હલાવે. 


મે અગાઉ લઈખુ તુ એમ રાજકોટ ની ચા વખણાય એ આ ભરવાડ ની રેક્ડી ની ચા. દારુ પીધો ઉતરી જાઇ કે અફિણ લગાઇવુ હોઇ તોય ઝોલા આવે પણ અમારા કાના ની રેક્ડી ની કડક મીઠી અડધી પીધા પછી તો સુવાની ગોળિયુ લ્યો તોય નિંદર નો આવે. રાજકોટ મા ચા ની રેક્ડીયુ મા ભરવાડો ની જાને મોનોપોલી થઈ ગઈ છે.

આમતો ભરવાડ એટ્લે સાવ દેસી અબૂધ, કાઠીયાળી, કસાએલા બાવડાવાળી મજબૂત બાંધા ની પ્રમાણિક પ્રજા. હેઠે જાડા સુતરાઊ કાપડ ના ધોતિયા ને ડીલે હોઇ બટન વીનાની બંડી કે ખુલી કસ નુ કડિયુ, બધુય હંસલા જેવુ ધોળુ, ને માથે પેરે ઘાટી લાલ પનીયા ની વાળેલી પાઘડી.કાનમા ઉપર હોઇ નાની પોખાનીયુ ને ગળા મા બે તઈણ કાળી લાલ માળા ને પગમા ૫ કિલો નુ એક થાઇ એવા અણીદાર જોડા કમ મોજડીયુ.બધાય આધેડ ને વેઈત વેઈત મુછ હોઇ. કોટ ની બંડી ને ઉપલે છેડે હોઇ કાન ખોતરિયુ ને એકાદિ સેફટી પિન ને ખીચા મા હોઇ એકાદી તમ્બાકુ પીવાની હોકલી ને રૂમાલ. પછી હાથે બાંધી હોઇ મોટા ડાઈલ વાળિ એચએમટિ (HMT  brand wrist watch). બાયુય પણ એની કાઠાળી , કાળી કામળી માથે ઓઢી હોઇ, લાલ ભરત ભરેલુ કમ્ખુ છાતિયે ને કાળુ જાડુ કાપડુ ઘાઘરા ની જેમ પેરે. કાન મા તો ઉપર થી નીચે પોખાનિયુ ને વેઢલા ને વાળિયુ ને કેટલ્યુ ય હોઇ અને પગે પાછુ ચાંદીનુ કડુ તો ખરુ જ. અધુરામા પૂરુ આખે શરીરે છુંદણા ત્રોફાવેલા હોઇ કીલો ના ભાવે.ખાલી જગા નો મળે.

ભરવાડ ના ખોરાક પણ કેવા બપોરે જાડા ટિપેલા ઘઊ ના તઈણ ચાર રોટલા ને છાસ ને મર્ચુ હોઇ ને સાંજે તો જાર બાજરા ના રોટલા ને દુધ, બસ. શાક્ભાજી કે ફ્રુટ નુ નામ જ નહી. ભરવાડ ને કાળા અક્ષર ભેંસ બરાબર, અમારે ઝવેરભાઇ ને પુછો તો ક્યે " અરેય ભણવાનુ, નિશાળે મુકો તો રખડવા જ ભાગી જાઇ, અમારે ઘોડાના ભણે જ નહિ, બે તઈણ ચોપડી તો બવ થઈ ગ્યુ."

ભલે લંડન ને અમેરિકા મા છોકરિયુ ૧૫ ૧૬ વરસે માબાપ ને પુઈછા વીના લગન કરતી, આય તો કાયદેસર પેટે ચાંદલા થાઇ. પેટે ચાંદલા એટ્લે જનમ્યા પહેલા લગન ગોઠવવા. બે ભરવાડ ભેરુ હોઇ ને બેય ની ઘરવારી ને સાથે સારા દિવસો જાતા હોઇ અને બેય સામે સામા પેટે ચાંદલા કરે તો એમા જો એક ને ન્યા છોકરો ને બીજા ને ત્યા છોકરી આવે તો કાઇ લીધા દીધા વગર નો સંબંધ પાકો. સોળ સત્તર વરસ ની દીકરી થાઇ તેદી લગન લઈ ને આવવાનુ ને દીકરી ને  લઈ જાવાની. તમે પુછ્સો કે આમ કેમ,સાઈનટિસ્ટો ને ચક્કર આવી જાઇ એવી વાત છે પણ આ કોમ મા છોકરા ની લાઇનુ લાગે. છોકરી નો દુકાળ.અમારા ઝવેરભાઇ ને પાંચ દિકરા કાનો, લખમણ, ટિલયો, ચોથો અને પાંચો. એકેય છોડી નહી. આ ઝવેર ની વહુ ૩૦ વરહ પેલા ઉપેર વઈ ગઈ પણ એક્લે હાથે પાંચેય ને મોટા કરી ને કાના ને લખમણ ને તો પઈણાવિ પણ દિધા છે.આ ભરવાડ મા પેલા તો દીકરી વેંચાતી. "જો હિરા ૫૦ તોલા સોનુ ને ૨ કિલો ચાંદી થાઇ તેદી વાત કરવા આવજે, ન્યા સુધી કેતો ય નહી." આવો તો રુઆબ છોકરી નો બાપ કરે. હા ૫૦ તોલા સોનુ ને ૨ કિલો ચાંદી તો દેવી જ પડે તયે છોકરો પઈણવા ભેગો થાઇ. એટ્લે જાજી છોકરી નો બાપ તો ગાડિયુ મા ફરતો હોઇ. મોટે ભાગે તો સામે સામા લગન વધારે થાઇ, સામે સામા એટ્લે, હિરા ની છોકરી લવજી ની ઘરે ને લવજી ની છોકરી હિરા ની ઘરે. ભાઇ બેન ને જ સાળા-વહૂ બનાવે. તમે કહેસો કે આટ્લા રુપિયા ક્યાથી કાઢવા.લ્યો તયે નાત્ય કેનુ નામ? લગન ટાણુ થાઈ ત્યા સુધી દિકરો ને બાપ કાળી મજૂરી કરી કરી ને સોનુ જ લીધે રાખે ને પછી લગન ટાણે છોકરા નો બાપ, ઘટે તો સગા વ્હાલા પાસે થી ઊછીતા લ્યે. લગન મા બધા જમવા આવે એટ્લે હાથઘઈણુ કોક ૧૦૦ રુપિયા કોક ૫૦૦ કોક ૧૦૦૦ રુપિયા એવુ દયે( જેવો વેવાર), આવુ બધુ ભેગુ કરી ને પછી લગન કરે. પાછા જો કોઇક ગઈઢા મરી જાઇ એટ્લે આખી નાઇત ના બધા ઘર ૨ કિલો ખાંડ અને ૧૦૦ રુપિયા લઈ ને ખરખરો કરવા આવે. ડોહા નો દાડો કઈરા પછી પણ ૨ ગુણી ખાંડ ને ૨૦  ,૨૫,૦૦૦ રુપિયા વધે.


અમારે કાના ચા વાળા ના બાપા વેલા ઉપર વઈ ગ્યા છે એટ્લે બિચારો ૨૫ વરહ પોગી ગ્યો છે તોય ઘરવાળી વારો થયો નથ અને સોનુ ભેગુ કરવામા પઈડો છે, તમારે કોઇ ન્યાની ભુરી નુ માંગુ (engagement) નાખવુ હોઇ તો કેજો....

Monday, November 9, 2009

લંકાની લાડી ને ઘોઘા નો વર

કોથમીર કી કલી, રંગ બહાર, રંગ સંગમ, કેસર લાડ્ડૂ, નામ સાંભળીને પડી નો જાતા, આ છે રાજકોટ ના લગન ની મજા. લગન ની સિઝન આવે છે એટ્લે બધા ધંધા વાળા સજાવી ધજાવી ને છાપા મા જાહેરાતુ કરવા મઈંડા છે. હેય તારે ભાત ભાત ના લુગડા વાળા, કેટરર્સ , મંડપ સરવીસ અને પાર્ટી પ્લોટ વાળા બધુ ઠીક્મ ઠાક કરવા મઈંડા છે. સિઝન આવે છે ને ભાઈ .આમતો આ વખતે સારા મુહુરત મા ૧૪ દી જ લગન છે ૧૫ મી ડીસેમ્બર પછી તો કમુર્તા બેહી જાશે, પણ તમારે થેન્ક્સ ગિવિન્ગ્યા અને ક્રિસમસયા વેકેશન વાળા એન આર આઈ ને કમુર્તા ય નથી નડ્તા. પૈણ્વા ચઈડો હોઇ એમ ઉભે ઘોડે આવી ને મુરત જોયા વીના લગન કરી જાઈ પછી બે મહિના મા થાઈ છુટાછેડા ત્યારે માથુ પકડી ને રોવા બેહે. પણ જે હોઇ ઈ આ વખતે છાપુ ક્યે છે ખાલી રાજકોટ જ બે તઈણ કરોડ ખર્ચસે લગન વાહે. પેલા તો ૨૦૦૦- ૫૦૦૦ રુપિયા મા લગન થાતા. હવે ૨૦-૨૫૦૦૦ રુપિયા મા લગન કરવા હોઇ તો શેરી મા માંડ્વા નાખવાના, ને ચમચી વીના ના વાઈટ્કા સાથે સ્ટીલ ની થાળીયુ મા ગાંઠિયા, લાડૂ, બટેટાનુ રસાવાળૂ શાક, સંભારો, દાળ અને ભાત જમાડી દેવાના તો જ પતે.

હા બાકી જો પટેલ્યા યે એકાદ કટ્કુ જમીન/ખેતર વેંચ્યુ હોઇ તો પછી લગન પાર્ટી પ્લોટ મા જ હોઇ. સાંભળી ને બઠા નો વરી જાતા, ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ તો ખાલી પાર્ટી પ્લોટ નુ ભાડુ હોઇ, મંડપ વાળો પાછા ૨૦-૨૫૦૦૦ નુ બિલ કરે. કેટરરિંગ માટે તો જેવી શક્તિ એવી ભક્તિ. રુપિયા ૫૦ થી ૭૦૦ ની ડિશ રાજકોટ મા મળે.૧૦૦ રુપિયા પક્ડો તોય ૩૦૦ માણાહ ના રુપિયા ૩૦,૦૦૦ ખવડાવવાના થયા.

પણ પાર્ટી પ્લોટ ના લગન પણ કેવા? માણાહ આવે એટ્લે સ્વાગત કરવા જજમાન આખુ ઘર લઈને ઉભા હોઇ ને આવો આવો કરે ને પછી અંદર આવવા દે. અને અંદર પ્લોટ મા તો ડેકોરેશન પણ કેવુ, હેય તારે પાચ છ જગ્યાએ નોખા નોખા કાઊન્ટર કઈરા હોઇ, એમા એકાદ ઉપર બે તઈણ જાતના સુપ હોઇ અને હારે પનિર ફ્રાય કે ચાઈનિસ ફ્રાય દેતા હોઇ તો ક્યાક ગરમા ગરમ ભજિયા ને હાંડ્વો ને જલેબી ને સુખડી મલતી હોઇ. એકાદ કાઊન્ટર પર ડાયેટીયા ઓ માટે પાછુ સલાડ ને પાપડ ને અથાના ને રાઈતા જમાવેલા હોઇ. મેઈન કાઊન્ટર ઉપર જાને કે ભઠ્ઠી માથે બેહી ને ખાતા હોઇ એવા ગરમા ગરમ રોટ્લી, નાન, પુરી, બિસ્કુટ પરોઠા ઉતરતા હોઇ સાથે હોઇ બે તૈણ પંજાબી અને દેસી શાક . ને એક બાજુ પાછા ચાઈનિસ ભેળ, નૂડલ અને મન્ચુરિઅનવાલા બકડિયા ખખડાવતા ભડકા કરતા હોઇ. છાસ ને પાણી વાળા ય એક ખાંચા મા ટેબલ નાખીને બેઠા હોઇ. (આ રાજકોટ મેઈડ ફિલટર વોટર ના ભંભા હવે કોમન થઈ ગ્યા છે) જારવી રાખજો હજુ પુરુ નથી થ્યુ, રાજકોટ મા રેવુ ને આઈસ્ક્રિમ નો હોઇ બને નહી, એક કાઊન્ટર ઉપર પાછુ તાજો સિઝનનો સિતાફળ નો આઈસ્ક્રિમ હાલતો હોઇ. અને છેલ્લે ૧૦ ૧૫ જાતના મુખવાસ ના મોટા વાટકા ભરેલુ કાઊન્ટર હોઇ. કેટરર્સ વાલા ય સોફેસ્ટિકેટેડ થઈ ગ્યા છે. ભાડા ના કપડા પેરાવી ને અપટુડેટ કરેલા જુવાનિયા છોકરા છોકરીયુ જાને પ્રિન્સ ચાર્લસ ના લગન મા કેમ આઇવા હોઇ એમ ઉભા રહી સર્વિસ કરતા હોઇ. પફ્ફ પાવડર મારેલી છોકરી આવી ને "સર, ગીવ કેસર લાડૂ?" એમ ક્યે એટ્લે અમારા કાનજી ડોહા બાટ્લીગ્લાસ ના ચસ્મા માથી છોડી ને જોવે, ને છોકરો જે હાથ મા લાડૂ ની થાળી ભરી ને ઉભો હોઇ એને જોઇ ક્યે નાઇખ લે ત્યારે બે તઈન. બોલો આમા પેટ ફાટી જાઈ કે નહિ પણ માનાહ ઉપાડી ઉપાડી ને દાબે.

પેલા જમાના મા લાલ જાજમ ના પટ્ટા પાથરીને પલાઠીભેર બેસતા, ને પિરસણયાઓ તઈણ વાર પિરસવા આવ્તા અને પછી છેલે જજમાન આવતા આગ્રહ કરવા , જેવો મેમાન, એવુ જોર કરીને ખવરાવવાનુ. ખાવા વારા કરતા ખવરાવવા વાળા જોરુકા રાખવા પડ્તા કારણકે જે મેમાન ના મોઢા મા લાડવો મુકો એ મેમાન પણ સામે તમને અડધો લાડુ ખવરાવે, ટુક્ડે ટુક્ડે એકાદ ડોલ લાડુ ખાવા પડે. પણ તેદી માનાહ ખાધે લોઠ્કા હતા. હવે તો થઈ ગ્યા છે બુફે.ઉભા ઉભા ભરડ ભરડ ભઈડે રાખવાનુ. અમારી બા ને આ બુફે વિશે જમવાનુ પુછો તો ક્યે હારુ રખડી રખડી ને વાઘરી ની જેમ ખાવાનુ. શુ ખાવુ ને શુ નહિ. અડ્ધા ભુઇખા રહી આમા તો.


બાકી લગન કેવા થાઈ છે એ પછી ક્યારેક વાત...લ્યો ત્યારે હમણા મગ નો શિરો જાઈપટો છે એ પચાવી લવ . તમ તમારે વાસી પિઝા ને ચલુપા ના ઓડ્કાર ખાધે રાખો..

Monday, November 2, 2009

પુઠઠા થઈ ગ્યા ભાઇ (Stock Market Crashed)......

માણાહ નુ જીવન પેન્સીલ અને રબ્બડ જેવુ છે. પેલા થોડુક ખોટુ કરે અને પછી રબ્બડ ની જેમ થોડુક સાંચુ કરી ને ભુંસી નાખે. પણ અત્યારે માણાહ એટ્લુ ખોટુ કરતો થઈ ગ્યો છે કે સરવાળે મરવા ટાણે રબ્બડ આખે આખુ ઘસી નાઇખુ હોઇ ને આખી ખીતા જેવી પેન્સીલ લઈને ઉભો હોઇ ભગવાન પાહે.

રાજકોટ મા માણાહ એવડા ગરિયા ફેરવતા થઈ ગ્યા છે વાત જાવા દ્યો. બે શેરી આઘો ઉભો હોઇ ને મોબાઈલ મારો તો ક્યે બસ મોરબી થી નીક્ળુ છુ. બોલો આમ જ ઠેકાડે. રાજકોટ વાળા આમતો એક ના તઈણ કરે પન ગામ પુરુ જુગારિયુ . મારા હારા જેટ્લા સાચા ધંધા વાળા રાજકોટ મા છે એથી તો વધારે સટોડિયા હાલી મઈરા છે. પેલા તેલ, કપાસ, મગફળિ મા જ સટ્ટો થાતો. એમાથી લોટરી ઉપર આઇવા. લોટરી એ તો કેટ્લાય ના ઘર ભાંગી નાઈખા, મારો હારો કડિયો ટિફિન લઈને ને ઘરે થી કામે જાવા નિક્ળે, પેલા પોગે જ્યુબિલી લોટરી બઝાર, ૯ વાઈગે બઝાર ખુલે એટ્લે દુડિ તિડિ જે લેવી હોઇ ઇ લ્યે અને પછી કામ ભેગો થાઈ અને સાંજે પાચ વાગે ડ્રો ખુલે ત્યારે લોટરી બઝારે પોગી ગ્યો હોઇ. કેટ્લુ માણાહ ફના ફાતિયા થઈ ગ્યુ. લિટરુ મોઢે દવા પી ને કેટ્લાય મરી ગ્યા. માંડ માંડ લોટરી ગઈ ત્યા શેર બઝાર વાળા આઇવા. લોટરી મા તો મજૂર માણાહ હતા , શેર બઝાર મા તો હારા હારા માસ્તર અને ભણેલા ગણેલા લાગી પઈડા, જટ છાપી લેવાતા બધાય ને, એમાય કેટ્લાય ખાલી થઈ ગ્યા. એ માંડ ઠિક થ્યુ ત્યા હવે ડબ્બા હાઈલા છે. કમોડિટી એક્ષચેંજ MCDX, NCDX. સાચે સાચુ કાઈ લેવાનુ નહિ, સોનુ, ચાંદિ, જસત, તાંબુ એની ઇંટરનેશનલ મારકિટ ના ભાવ પ્રમાણે તમારે ૧૦૦ કિલો, ૫૦૦ કિલો માલ કોમપ્યુટર ઉપર લેવાનો, ખાલી મારજીન મની ભરવાના, ને ૨૫ ૫૦ લાખ ના સૌદા ના ડિફરન્સ ઉપર રમવાનુ. જે દી મારકિટ ૧૦% કરતા વધારે ટુટે એટ્લે એક બે જણ છાપા મા ચમકે છે.

અધુરામા પુરુ ક્રિકેટ ના સટ્ટા તો સદાબહાર ચાલુ જ છે. પોલિસે ય હવે રેડ પાડી પાડી ને એવી થાઈકી છે, નરેન્દ્રભાઇ મોદી હવે કાયદેસર સટ્ટો રમાય એવી વ્યવસ્થા કરવાની વેતરણ મા છે.

બાકી ઘોડી પાસાનો જુગાર ઉપર તો પોલિસ રેડ ય નથી પાડ્તી. હવે તો હાઇપ્રોફાઇલ લોકો ગામ બારે આઘે આઘે હોઇ એવા ફાર્મ હાઉસ ઉપર જુગાર ના અડ્ડા જમાવે છે. કાઇ ચિંતા તો નહી! આમતો જુગાર કડવા પટેલ ની જાગીર કેવાય ( લોહિ મા ભાઇ, પત્તા રમતા નો આવડતુ હોઇ એવો મે એક ભાઈળો નથી) પણ છેલા એક દસકા થી તો બધીય કોમ મા આ લાગી ગ્યુ છે. એમાય ખાસ કરીને લેવા પટેલ મા તો જ્યારથી જમીનુ ના પૈસા આઇવા છે. આડે હાથ વરગી ગ્યા છે જુગાર મા. બાયુય બાકિ નહિ હો.

બીજુ તો આયા ધોની ને યુવરાજ ધોકાવે છે. તમેય ઇનટરનેટ્યા ટીવી ઉપર વરગી જાવ...

Sunday, October 25, 2009

GJ-3CN 3069 Suzuki Access - ૨ પેટ્રોલ ને ૧ કેરોસીન

પછેડી કરતા સોડ વધારે તાણી નાખે પછી શુ થાઈ, અમુક માણાહ તો ભિખુ કાસીરામ થઈ ગ્યા છે. પન તોયે હાઈકે રાખે છે. મારા હારા ગાડીયુ હાથી જેવી મોટી મોટી રાખે પણ પેટ્રોલ ના પૈસા ગામમા ગોતતો ફરે. આપણ ને ક્યે હાલો ધોરાજી બટેટા ખાવા, બે હી જાવ ગાડી મા ને જેવો ગામ બારે ગાડી કાઢે તરત આપણ ને ક્યે લે ત્યારે પાચક લિટર પેટ્રોલ નખાવી દે. બોલો આનુ શુ કરવૂ?

અમારા મગનભાઈ કેતા કે પેલા તો અમે પંખા વીનાની બાપા ની સાઇક્લ ફેરવતા. બાપા બપોરે સુતા હોઇ ત્યારે બે ત્રન ભેરુ ભેગા થય આખે આખી સાઇક્લ ઊપાડી ને આઘી લઈ જાઇ (બાપા ઊઠે ને જોઇ જાઇ તો ઢિંઢા ભાંગી નાખે) પછી બે જન પક્ડે ને એક ઊપર ચડે ને પછે બીજા મારે ધકો, પગ પુગે કે નહિ પણ જાવા દેતા ને બ્રેક મારે એટ્લે પડી જાવાનુ, એમ બધાય એક એક ચક્કર મારી ને પાછી એક્દુમ અવાજ નો થાય એમ પાછા સાઇક્લ જ્યા જેમ હોઇ એમ મુકી આવતા. ઈ મજા હતી તઈણ તઈણ સવારી મા બેહવાની. હવે ના બાપકમાઈ ના બાબુડીયા હોન્ડા ને સુઝુકિ હલાવે જાણે એનો બાપ મરે વાંહે પોલિસ નો પઈડો હોઇ.



રાજકોટ ની પ્રજા વાહન ના નંબર પાછળ ગાંડી છે. RTO (regional Transport Office,  તમારુ DMV) મા નવી સિરિઝ ખુલે કે ભાઈડા નવા સારા નંબર લેવા લાઈન લગાવે. આને ગાંડી પાછીના કેવા કે શુ? જોઇતા નંબર માટે સરકારે કંટાળી ને ટેન્ડર શરુ કરી દીધા છે. તમારે જોતો હોઇ ઈ નંબર મળે, બસ ખનખનીઆ (money) તૈયાર રાખવાના. તમારા નંબર ઊપર તમારી તાકાત પ્રમાણે પૈસા ભરી દેવાના. ત્રણ દિ પછી ટેન્ડર ખુલે ને તમને તોજ નંબર મળે જો તમારી બોલી (bid) ઊંચી હોઇ.


બાકી તો બીજુ શુ કહુ...આ દિવાળિ ઊપર તો અરધુ રાજકોટ ગામ બારે વઈગ્યુ તુ. માણાહ આબુ, કેરાલા ને રાજસ્થાન ભાગી ગ્યા, જેવા મુલચન્દ (money). ક્યે છે આબુ મા તો એટ્લુ માણાહ ટુટી પઈડુ કૈ પોલિસે રાઈતના ૮ પછી તો ઊપર ગાડી જ જવા નોતા દેતા. અને ઊપર એટ્લો ટ્રાફિક કે ગામ મા ક્યાય રેવાની જઈગા નહી. ક્યે છે માણાહ આબુ ના રોડ ઊપર જ રાઈતે સુઇ ગ્યા ને ત્યાના રેવા વાળા મારા ગોતીડા ઘર ની છત પર સુવાના ૧૦૦૦ ૧૦૦૦ લેતા તા.


બોલો તોય રાજકોટ વાલા ઝીંકે રાખે છે... તમે ય ચાલુ રાખો..



હા જાતા પેલા સારા સમાચાર પણ સાંભળો. આજે રાજકોટ મા પુજ્ય સંત શ્રી જલારામ બાપા (અખંડ સદાવ્રત - વિરપુર --ભુખ્યા ને રોટ્લા નો ટુક્ડો તો મળે હરિ ઢુંક્ડો ) ની ૨૧૦ મી જન્મ જયંતી ધૂમ ધડાકા ભેર ઉજવાઇ. આવતીકાલે બપોરે ૧૧:૦૦ વાગે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ રાજકોટ ના આંગણે પધારી રહ્યા છે.

Tuesday, October 20, 2009

સબરસ લઈ લ્યો ભાઇ સબરસ


એ સૌને હેપ્પી દિવાળી ને ઝા ઝા કરીને નવા વરહ ના સાલ મુબારક ને ૨૦૬૬ નુ વરહ સૌને સારુ રયે એવી પરમ ક્રુપાળુ પરમાત્મા ને પ્રાથના.

સબરસ -આમા કેટલાક ને તો ટપા ય નહિ પડે. બેસતા વરહ ને દિ સવાર મા મીઠુ વેંચવા  ગારિયા ઓ નિક્ળે સબરસ લ્યો સબરસ લ્યો .ક્યે છે શુકન નુ મીઠુ લ્યો તો આખુ વરહ શુકન રયે. આવખતે દેવાળી યે તો ભુકા કાઢી નાઇખા. ચાઇનીસ ને શિવાકાસી ના નવા ફેન્સી ફટાકડાઓ તો એટ્લા ફુટ્યા માથે જાણે દેવતા ઓ રંગ બેરંગી ફૂલ નો વરસાવતા હોઇ, એવી ઝાકમઝોળ હતી. એર પોલ્યુશન ને નોઇઝ પોલ્યુશન ની એક બે તઇણ કરી નાખે  ને મેરિકમા બેઠા ડોહા ને સ્થમા ના એટેક લાવી દયે એટ્લો ધુમડો કઇરો.


છાપુ ક્યે છે તઇણ કરોડ ના ટેટા ફોડી નાઇખા. મારા દિકરા ઓ એ રાઇતના ૩ ૩ વાઇગા સુધી ઢિશુમ ઢિશુમ ચાલુ જ રાઇખુ. ને છોડીયુ કે મે કેમ રઇ જાઇ. રંગોળી મા સારી હાથોટી હોઇ એવી દિકરિયુ ના તો બૂકિન્ગ થાતાતા. પેલા તો કાથીની દોરિયુ લાંબી કરી ને ત્રિકોણ ચોરસ જેવી  રંગોળીયુ થાતી એના તો હવે જમાના ગ્યા. હવે તો પોસ્ટર પિક્ચર નો જમાનો છે. ફોટો દયો ને છોડીયુ ચાક થી છાપી મારે ને પછી પેરાવે ફેન્સી કલર ફૂલ ઘરેણા. અરે વાત જ જાવ દયો. આપણા રાજકોટ મા તો એક મુંબાઇ ના બેને વાંદ્રા વર્લી નવો પૂલ બઇનો છે ઈજ બનાવી નાઈખો રંગોલી ના નામે. ભારે અઘરા ઇ બેન તો બાકી.


બાકી તમે ન્યા હાથી સમાય એવા ઘરમા રેતા ભલે હો પન રાજકોટ ના ધન તેરસ ના સમાચાર આપુ તો ગાંડા નો થાઇ જાતા. દિવ્ય ભાસ્કર નુ કાલિચૌદસ ના પેપર નૂ ટાઇટલ હતુ " ધનતેરસ ના શુભ ચોઘડિયે રાજકોટ મા ૩૦ આબજ રૂપિયા (૬૦૦ મિલિઓન ડોલર્સ) ના જમીનો ના સૌદા". જાલી બેહો. બોલો છે તાકાત રાજકોટ ની સામે કોઇની. ને પાછા આટ્લો ધંધો કરે છતા દીવાળી પછી પાંચ દી બધુય બંધ, રિંગણા વઘારવા હોઇ તો આદુ મર્ચાનો મસાલોય નો મળે.છોડા કાઢી નાખે રાજકોટ વાળા...

હેય અમારે ય પાંચ દિ જલસા જ જલસા છે, સ્નેહ મિલન ને મંદિર અન્નકુટ ને સગા વાહલા ની ઘરે બેહવા જાઇ, ચેવડો પેંડા ઝાપટવાના ને, નવા પાણકોરા ના કપડા પેરવાના ને, હરવા ફરવા ના પ્રોગ્રામ બનાવવાના, મોજો મોજો જ છે..


લ્યો ત્યારે હવે નિસાંસા નાઇખા વીના કમાવવા મંડી પડો, ને ઝટ ઝ્ટ રુપિયા ભેગા કરીને દેસ ભેગા થવાના પરયાણ ચાલુ કરી દયો...

Thursday, October 15, 2009

મામા નુ ઘર કેટ્લે દિવા બળે એટ્લે

તમને એમ કે હુ ક્યા ખોવાઇ ગયો!. ભાઇ ક્યાય નથી ગયો. ઘરવારી યે તો ઊપાડો લીધો છે. વાસણ ઊતારો ને ઓલી આભેરાઇ સાફ કરો ને ગામ માથી લઈ આવો ને પેલો કચરો નાખીયા વો. નવરો નથી થાવા દેતી. પણ બાકી દિવાળી દેખાય છે હો કે. માણાહ ગાંડુ થયુ છે. રાઇત આખી ઢિચ્યાવ ઢિશુમ હાઇલે રાખે છે. મારા હારા ટેણિયા પણ રાઇતના બે બે વાઇગા સુધી ખેંચી ને પણ થાક્તા નથી. ઠિચુમ ઠિચુમ કરે રાખે
રાજકોટ વાળા સૂધરી ગયા છે. ઘી ના દિવા ને કોરાને મૂકી ઈલેક્ટ્રિક સિરીઝુ  (lightings) ના રવાડે ચડી ગયા છે. બંગલાઓ ભારે ઠાવકા દેખાય છે. ગામ મા ને રહેણાક વિસ્તારો મા લાલ, પીળી. લીલી, સફેદ લાઈટુ ના એવા ડેકોરેશન કઇરા છે વખતે, લાસ વેગાસ વાળા ને આંટો મારવા આવવુ પડે. ને સોના મા સૂગન્ધ ભળે એમ બીએપીએસ નુ સ્વામિનારાયણ મંદિર નુ ડેકોરેશન. ભુકા કાઢી નાખે. તાજમહાલ જાંખો પડે. કાલાવાડ રોડ પર થી જતા માણાહ ને બે મીનીટ ઊભો રહી જાવુ પડે એવુ સરસ.

બાકી લુગડા, સોની, મોબાઇલ ને ઈલેક્ટ્રિક ઠામણા (Microwave, Washing Machine, TV, Refrigerator ) ની મારકેટ મા તો ઊભા રેવાની જગા નથી. કેમ જાને એનો બાપ મરે કાઇલે માલ પતિ જવાનો હોઇ. છાપા ભરી ભરી ને દિવાળી ની ટ્લી  ઓફરુ આવે છે કે મારા બેટા કિલા મા તો સમાચાર ગોતવા પડે કે ક્યા લઇખા છે.


મેરિકા ની મંદી યે હારા હારા ને ભલે બેવડા વાળી દિધા હોઇ, રાજકોટ મા કાયમી તેજી તેજી છે.

લ્યો ત્યારે કન્દોઇ (sweet shop) ને ન્યાથી મીઠાઈ લઇ ઘર ભેગો થાઉ..


યે સૌને ઝાઝી કરી ને એક્દમ તાજી શુભ દિવાળી ને સૌને નવુ વરહ ફળે ને લીલાલેર રયે એવી ઊપરવાળા ને રજી

Thursday, October 8, 2009

સુગર કોલેસ્ટોરલ ની ઍક બે ને ત્રણ

 અમારે રાજ઼કોટ ના માણસો ને ખાઉધરા નો કેવાય? ઢીંઢા ભાંગી નાખે. શોખીન કેવાય. જો તમને ખાવાની ખબર પડ્તી હોઈ અને ખાતા આવડતુ હોઈ અને ખાઈ શકો ઍવુ પેટ હોય તો મળો અમારા ભટ્ટભાઈ ને. રાજકોટ મા ક્યા કેવુ કેટલુ ક્યારે અને શુ મળે ઈ જાણવુ અને માણવુ હોઈ તો. ખાવાનુ નામ પડે અને ઍને ખબર નો પડે ઍમા માલ નહી. તો હાલો આંટો મરાવૂ. સૌથી પેલા તો સવાર મા શુ ખાવુ છે?  વણેલા ગાંઠિયા . પાપડી સાથે લીલા તળેલા મરચા ને કાચા પોપૈયા ના સંભારા ની ઈચ્છા રાખતા  હો તો  આવી જાવ સરદારનગર મેઇન રોડ પર પટેલ ની દુકાને, ઍના ગાંઠિયા ઍવા દાઢે વરગે કે અમૂક ને તો દાતણ પછી ને પેલા ગાંઠિયા જોય તયે બાથરૂમ આવે. જો તમે હાઇ ફાઇ માણહ હો તો લગાઓ હોટલ ઇંપીરીયલ પૅલેસ નો ઉપમા. લુખે લુખો ૨૫૦ હાઈલો જાઇ. હા તમારે હેલ્થ બેલ્થ ની કાઇ માથાકુટ નો હાય તો રાજકોટ મા સસ્તુ ને સ્વાદિસ્ઠ  ગરમા ગરમ પુરી અને બટેટા નુ શાક  લગભગ બધે મળે. બાકી જો તમને ડૉક્ટર આભડી ગ્યો હોઈ ને સુગર કે કોલેસ્ટોરલ બતાવી દીધુ હોઈ તો વયા જાવ રેસ કોર્સ  ન્યા બધુય હેલ્થી મળે જેમકે, તાજા જ્યુસ, ફણગાવેલા કઠોળ, નિરો,કડવુ કડિયાતુ અન બીજુ બધુય. બાકીઍસ્ટ્રોન સિનેમા સામે ભૂરા ના ગરમા ગરમા થેપલા ને કડક મીઠી ચા ઈ ની વાત  જવા દ્યો. વળી પાછી કઈક ખાટા મીઠા ની ઈચ્છા હોઈ તો યૂનિવર્સિટી રોડ પર આવી જાવ, આયા મળશે ગરમા ગરમ ખાટા ઢોકળા.

ધરાઈ ગ્યા? આતો હજુ થોડુક છે, બાકી માવડી ચોકડી ના પૌવા બટેટા, જાગનાથ જૈન દેરાસર ના ખાખરા, શિયાળા મા હલવાસન, પ્રખ્યાત પોરબંદર ની ખાજલી, ઍટ્સેટરા ઍટ્સેટરા....

બાકી ઘરે તો કા ઘઉ ના મોટા તાજા માખણ નાખેલા રોટલા, કે ભાખરી, તાજુ ઠંડુ દહી, ગોળ, અને હા,ચંદન કટોરી (નાગરો આવુ સરસ નામ સાંજ ની જૂની રોટલી ની સવારે વઘારે ઍને આપે), ને સી. સોમભાઈ ની ૩૪ નંબર ની બનેલી કડક મીઠીચહા.

બોલો કાઇ બાકી રહી ગ્યુ?

આતો થઈ સવાર ની વાત. બપોરે ની વાત હવે ટાઢા પોરે...

Tuesday, October 6, 2009

આ રાજકોટ છે કે ન્યૂયોર્ક નુ મેનહેટન ?

કેટલુ હોઇ પણ ! મારૂ હારુ ભાઇરે મોંઘુ થઈ ગ્યુ છે. ગમે ઈ બાજુ ૧૦ કિલોમીટર હાઈલા જાવ, રાજકોટ મા ૧૦ પેટી (lakh, Rs. 10,00,000, USD $20000) મા ઍક રૂમ રસોડૂ ય નો આવે. ઈ વાત કરુ છુ ૭૦-૮૦ વાર પ્લોટ અને ૧૦૦૦ ફુટ બાંધકામ ની. માણા રેવા ક્યા જાઇ? ક્યેછે સુરત અને ઍન આર આઈ પૈસો છેલ્લી તેજી માબહુ આઇવો ઍમા આ બધુ ફાટી પઈડૂ છે. અમદાવાદ તો ક્યાય સસ્તુ. જમીન ના સટ્ટા કરી કરી ને માલપાણી થયેલા રાજકોટ મા બે નંબરીયા મિલિયોનર કેટલા આંટા મારે ખબર જ નો પડે. દુકાને બેઠો બેઠો ખમણ ના પડિકા વારતો હાય મારો ગોતિડો ૧૫-૨૫ કરોડ નો આસામી હોઈ ઇનકમ ટૅક્સ ના બાપ નેય ખબર નો પડે. સ્કૂટર ઠળઠળયુ રાઇખૂ હોઈ ને કપડા ઍવા પેરે કે જાણે વાણોત્તર નો હોઈ! ઈતો સાંજે નાહી ધોઈ, ઔડી (its Audi car, In Rajkot you can easily spot BMW, Merc, Toyota, Honda) કાઢી ને ઈમ્પીરીઅમ (અમારા જે. લાલ ઉર્ફે જયંતિભાઈ પટેલ, ઇમ્પિરિઅલ પૅલેસ હોટેલ ને ઈ જ નામે બોલાવે) (Its 3 star hotel but has 5 star food quality) મા જમવા આવે તયે ખબર પડે કે કેટલા મુલચંદ(Money) છે આ જણ પાહે.

બાકી હાઈલે રાખે છે તમે ઝીંકે રાખો....

Sunday, October 4, 2009

માયગા મેહ નો વરસે. પણ રાજકોટ ની તો વાત જ જૂદી

હજુ સવારે ભૂકા કાઢી નાખે ઍવી ગરમી હતી ત્યાતો સાંજે હાથીયો (Its nakshatra appears during AAso month,and it has been said, Rain may come spordicaly and can be heavy with lots of wind) ક્યાથી આઇવો, લીલા નાળિયેર ના છોતરા કાઢી નાખે ઍવો વીંટ વંટોળિયો ચાલુ થયો અને પછી થય વાછટૂ ચાલુ ,વાત જ્ જવા દ્યો. થોડી વાર મા તો કેટલાય ના છાપરા ઉડાડી નાઈખા.કેટલાય જાડવા નો સોથ વાળી નાઈખો. છાપુ ૧૧ મારી ગ્યા ઍમ ક્યે છે. પણ ૩૯ ડિગ્રી માથી ૨૭ બે કલાક મા કરી નાઈખી. અમારા ભટ્ટભાઈ ઍક જગ્યા યે લગન મા ગ્યા તા ને જાન પોખણુ હાલતુ તૂ, તે પવને જે કરી છે, વરરાજા નુ મોળયુ ક્યાય નાખી દીધુ. ને પોખવા વારા ઘર મા ગરી ગ્યા. ને જાનૈયા થઈ ગ્યા આઘાપાછા . ઑલો મારો ગોતિડો વરરાજો ઍકલો ઉભો ઉભો પલળે.


બોલો આમા શુ કરવુ? સારુ થયુ આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાબેન સમયસર દિલ્લી ભેગા થઈ ગયા નહીતો ઍમને પણ રાજકોટ નો લાભ મળી જાત. હા ઈ કેતા તો ભૂલી ગ્યો, આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટિલ ત્રણ દી ની સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવેલા, સાસન ગીર મા સિંહ જોયા, સોમનાથ દર્શન કીધા, અને રાજકારણીઓ ઍ બાજરા ના રોટલા, ઓળો ને ઍવા દેસી ભોજનિયા પણ ખવડાઈવા. છાપુ ક્યેછે બાહુ ભાઈવા માડી ને.

બસ હાલે રાખે છે બાકી, પોપટ ભૂઈખોઇ નથી ને તરસ્યો ય નથી..

Saturday, October 3, 2009

There is no Free Lunch. પણ રાજકોટ માટે ખોટુ પડે

આમ તો કાઠીયાવાડ મા બે ચાર કિલોમીટર ગમે તે મારગ હાલો, કા એકાદ બાપુ ની દેરી હોઇ અને કાતો હોઇ નાનુ મોટુ મંદિર, સદાવ્રત નો રોટ્લો અને ઓટ્લો તો મળે જ મળે. અને બાકી કાઇ નો હોઇ તો ગમે એ ખેતર- વાડી મા વયા જાવ, પટેલ ખેડુત તમને હેય તારે ટાઢુ ટાઢુ પાની પાઇસે અને રોટ્લા નુ પણ પુછ્શે. અને જો હા પાડો તો પોતાના ભાતમાંથી રોટ્લા ને છાસ ને જે કાઇ હોઇ એ તમને આપતા વિચારશે નહિ. આવી છે આપણી ભોમકા.

અને આવી પ્રથા રાજકોટ મા પણ જોવા મળે. રાજકોટ મા દાનવીરો ચલાવે છે, હરતુ ફરતુ અન્નક્ષેત્ર, બોલબાલા ટ્રસ્ટ. મારા વાલીડા માણસો ને ગોતવા નીકળે, કે ભાઇ કોઇ ભુયખૂ નથી ને, ગોતી ગોતી ને જમાડે. આખા રાજકોટ મા એ ની રિક્ષાઓ સવાર સાંજ હાલતી જ હોઇ. છેને બાકી ભાયડા? સાંભાળ્યુ છે ક્યાઇ?

આવુજ કાઇક ઈસ્કોન વાલા ચલાવે છે. હાલો બપોરે અને સાંજે તો કોઇક તમારો હાથ ઝાલે, પણ સવાર નુ શું?, તો આવી જાવ વેલી સવારે કિસાનપરા ચોક મા, ઈસ્કોન વાલા તમને ગરમાગરમ પુરી અને શાક ખવરાવે. બિલકુલ મફત. કેવુ છે કાઇ?

બાકી જો તમે Health Consious હો ને સવારે Race course દોડવા આવવુ હોઇ, તો વ્હેલિ સવાર મા આયા આયુર્વેદિક ઓસડિયા થી ભરપુર કડ્વા કડિયાતા ના Stall વાળા મફત પ્યાલો પાવા ઉભા જ હોઇ. અને સાથે સાથે આપે એક સદવિચાર નિ કાપલી.

બોલો બીજે કયાય મળે આવુ? આના માટે તો રાજકોટ જ આવુ પડે.તો કરો કંકુ ના અને કઢાવો ટિકસુ રાજકોટ ની...

Friday, October 2, 2009

ડિસા મા બટેટા બફાઇ ગ્યા

શુ વાત કરવી. આતો આસો મહિનો છે કે ચૈત્ર- વૈષાખ. છેલા બે દિ મા તો ગાભા કાઢી નાઇખા. વગર ચુલે ચોખા ચડી જાય. ડિસા મહેસણા મા તો ૪૪ ડિગ્રિ (Disa is famous for is Potato Production). અને રાજકોટ મા ૩૯. કેટલી વાર નાવુ? પરસેવે રેબઝેબ ભાઇ. દર વરસે ભડલી નો વરતારો (its traditional folkfore knowledge to see how weather would be in few weeks during this days)જોવા વારા આ વખતે ગોઇતા મલતા નથી. બાકી કાલે તો વિજળિ ના કડાકા ભડાકા અમરેલી બાજુ થાતા હતા.

એમાય પાછુ હજુ Swine Flu મા એકાદ બે ઉકલી ગયા છે. ત્યા તો અધૂરામા પૂરુ ડેન્ગ્યુ (Dengu is kind of Fever, can kill the patient) યે પાછો ઉપાડો લીધો છે અમારા મિત્ર ડો. હાપલિયા ની લેબ મા એક દિ મા ૮ કેસ Positive આઇવા. બોલો આનુ કેમ કરવુ,?

પણ છતા હાઇલે રાખે છે. તમે પણ ઝીંકે રાખો

Monday, September 28, 2009

આયવા માના નોરતા

તમારે કેમ છે. બાકી રાજકોટ તો જલસા જ કરે છે. આ નવરાત્રિ યે તો ભાઇ ભાઇ રંગ રાખી દીધો. કીરન પટેલ ની ગેલેક્ષી ગરબી મંડલ તો ભાઇ જબરૂ હો કે. એક જ સ્ટેજ પર ચાર ચાર ચકરડા મા નાની નાની દીકરીયુ કાઇ રાસ લ્યે? કેવુ પડે. ડ્રેસ નુ colour combination ની તો વાત જવા દયો. એવા અદભુત.અને એક એક Steps અને Body Movement જાને મા જગદંબા ખુદ આવી ને રમતી હોઇ. એમાય પછા ગ્રૂપ ના નામ પણ કેવા? રાધે, કિશ્ના, ગુરૂ, માહી. અને છોકરા ઓ નુ કેતુ ગ્રૂપ જ્યારે શીવાજી નૂ હાલરડુ રજૂ કરે , વાત જ જાવા દયો. કડિયુ ચોરણી ને કેડે બાંધેલ લાલ ફાટ નો રૂમાલ. માથે લાલ રૂમાલ નો કટકો. એક હાથ મા શમશેર ભવાની તલવાર ને બીજા હાથ મા કાળી ઢાલ. અને રાસ ચાલુ થાઇ, પેલા તો ધીમે ધીમે હાલતા અને તલવારૂ ને ઢાલ ખખડાવતા ચાલુ કરે ને બીજી કડી ગવાય ત્યા તો હવામા ત્રણ ત્રણ ફૂટ ઉડે. અને પછી ધીંગાનૂ જામે. ટેંટા જેવો હોઇ એવો માણસ પણ ખુરસી મા સડાક થૈઇ હાકલા પડ્કારા કરવા માંડે. પાકિસ્તાન હારે લડવા જાવૂ હોઇ તો વાંધો નો આવે. અને છેલ્લે થાઇ તલવાર બાજી, છોકરા ઓ શુ તલવાર ફેરવે?, જો કોઇ એના ફેર મા આવે તો એક ઘા ને ત્રૈણ કટકા થઈ જાઇ એમા બે મત નહી. મારા વાલીડા બે બે ફૂટિયા છોકરા પન ઉડી ઉડી ને તલવાર ના ઘા કરે. આ તો લખાય એવુ નથી , હાજરા હજૂર જોવુ પડે. આવતા વરહ નો પ્રોગ્રામ બનાવી જ નાખો.Extra મા તો લોહી પીણા ઘોંઘાટિયા ડિસ્કો ડાંડયા વાળા તો ખરા જ. બાકી તો તમે અકિલા વાંચતા જ હશો.

તયે હાલો ત્યારે

Tuesday, September 15, 2009

જયાં દી મા ૪ વાર ખવાય, ૩ વાર નહાવાય, ૨ વાર સુવાય એને મારૂ રાજકોટ કહેવાય

If you are not from Rajkot you will wonder what the hell above post title talking about
let me elaborate ...

૪ વાર ખવાય
  • હેય તારે વહેલી સવારમા રાજકોટ ના આખા મરી નાખેલ ગરમા ગરમ વણેલા ગાઠિયા સાથે કાચા પોપૈયા નો સમ્ભારો હોઇ ને હેય તારે લીલા મજાના તિખા તિખા મર્ચા હોઇ ,
  • અને બપોરે ગરમા ગરમ ઘઊના (wheat) ના મોટા મોટા રોટલા હોઇ ને હારે હોઇ રીંગણા બટાટા નુ ભરેલુ શાક, ને કોબીચ નો સંભારો, ને તાજે તાજા મુળા, કાકડી (cucumber), અને તાજુ બનાવેલુ ગોંડલ ના ઘોલર મરચાનૂ અથાણુ, અને છેલે મઘમઘતા સોડમદાર બાસમતિ ભાત (Ride) ને સાથે હોઇ જબરદસ્ત કોકમ ને લીંબુ નાખી ને વઘારેલી તુવેલ ની દાલ હોઇ ને એની માથે કાઠિયાવાડી બરફ જેવી ઠંડી છાસ હોઇ ( ભાઇ ભાઇ ભુકા બોલાવી દય્યે હો કે))
  • અને ચાર વાગે પાછા હેય તારે ફનગાવેલા (sprouted) મઠ (Kind if Lentil) ને લીલા મરચા ને થોડુક લિમ્બુ નાખીને બનવેલા હોઇ , સાથે હોઇ ગરમા ગરમ રાજકોટ ની કડક મીઠી ચા (tea)
  • ને પાછુ સાંજે હેય તારે ઘી હાલતુ થાય એવી ગરમા ગરમ કાઠીયાવાડી ખીચડી ને જાર કે બાજરના જાડા જાડા લુખા ખવાઇ જાઇ એવા ચુલે ચડેલ રોટલા હોઇ, ને રાજકોટ ઇસ્પેશીશ્યલ તાજે તાજી પાડેલ સેવ સાથે ટમેટા નુ શાક હોઇ, ને ભઠ્ઠે સેકેલ મીઠા મીઠા કૂના કૂના રીંગણા અને જાજુ આદુ ને મરચા નાખીને ને વઘારેલ રીંગણાનો (EggPlant) ઓળો હોઇ અને સાથે ટાઢી ટાઢી છાસ (butter milk)
    આમતો રાજકોટ વાલા પાંચ વાર જમે પણ , રાત્રે દસ વાગે Racecource Ringroad પર જાઇને પટેલ નો ૨૫૦ ગ્રામ ફ્રેશ સીજનલ સિતાફલ નો Ice Cream ખાઇ જાઇ એને ભોજન ગણાવુ તો તો રાજકોટ મા મને ધીબી નાખે, મોટા.
૩ વાર નહાય
  • એલા પન ત્રન વાર કેમ?
    એમા મોટા એવુ છે ને કે સવારે Racecourse રખડવા જાઇ , ન્યા થોડાક ખેલ કરે, માનસ થાકી જાઇ કે નહી. નાવુ તો પડે ને એટલે ઇ સવાર મા એક્વાર થયુ. પાછુ બપોરે દુકાન ધંધા બંધ કરીને ઘરે આવે, એટલે રાજકોટ ની ૪૦ દેગ્રી મા જણ પરસેવે રેબઝેબ થઈ ગયો હોઇ નાવુ પડે ને પાછુ, તો જ બપોરે સરખી બે ત્રણ કલાક ખેંચી (afternoon nap) શકાય ને. ઇ બીજીવાર થયુ. અને મોડી સાંજે પાછા Racecourse ઉપર સીન સપાટા કરવા હોઇ તો Fresh થાવુ પડે ને એટલે નાવુ પડે ત્રીજી વાર. કેમ બરોબર ને?
  • આખા રાજકોટ ના માણાહ ને એક સાથે જોવા હોઇ તો તમારે Morning ૪ (A.M) વાગે ઉઠવુ પડે. રાજકોટ મા જાણે તાજો (Fresh) Oxygen ખાલી Ring Road પર કેમ મલતો હોઇ એમ માણાહ ટુટી પડે. કીડી (Ant) ને traffic સિગ્નલ પર ઉભુ રેવુ પડે એટલો Traffic હોઇ, છેલ્લા કેટલા વરસો થી તો સવારે પોલિસ ને અંદર નો Two Lane Road Public Walking માટે બંધ કરવો પડે છે. દાંત કાઢવાવાલા (Laughing Club) , ફેફ્સા ફાડવાવાલા (Baba Ramdev), સીન સપાટાવાલા (ગામમા કહેવા થાય એટલે) , મફત કડવા કડિયાતા ના સ્ટોલવાલા, તાજા ફણગાવેલ કઠોળ (Lentils) વેંચવાવાલા, તાજા મોસંબી (Orange), સફરજન (Apple), અનાનસ (Pineple) નો જ્યુસ વેંચવાવાલા નો તો ટુટો નહિ. હા નિરો (Its kind of fresh coconut juice) નુ કેન્દ્ર તો ખરુજ. અને સાથે ભજિયા ગાંઠિયા, બિજા નાસ્તા વાલા તો હોઇ જ. ૧૫ થી ૮૫ સૂધીના બધાય હેય તમારે Racecourse ની ફરતીકોર હડિયું કાઢતા હોઇ,સવાર મા ઇ જોવાનો મજોજ જુદો છે. શેર લોહી ચઢી જાઇ ,ભાઇ ,ભાઇ.
૨ વાર સૂવાય
  • કેટલાક ને આંચકો આવે તો ભલે આવે પણ રાજકોટ મા માણાહ બપોરે હેય તારે બપોરા (લુન્ચ) કરી ને જ્યા મલે ન્યા સોડ તાની જાય. સુઇ જાય. તડકા બહુ પડે ને ભાઇ સૂ કરે. કોક નૂ લોહી પી ને ખુંવાર મરવા કરતા શાન્તિથી સુઇ નો જાઇ. પટેલ ના ભાભા લીલો લિમડો ગોતીને નીચે હેય તારે જુના વાન ન ખાટલા મા લાંબા થાય ને બે ત્રન કલાક ખેંચી લ્યે તો મજૂર માણાહ હોઇ એ રેક્ડા નીચે લંબાવી દયે, ને શેઠિયા માણાહ AC ચાલુ કરીને ઘોલકીયા કરિ જાઇ ભાઇ. જો ભુલે ચુકે બહારગામનો માણાહ બપોરે રાજકોટ પહોંચે તો એને કોઇ નો સાચવે, એ તો સન્ધુય બંધ ભાળે. રાજકોટ બપોરે ૧ થી ૪ તો સૂઇ જાઇ જાને ભેંકાર રાત નો પડી હોઇ. કાગડો કે ચક્લુય નો ફરકે
  • અને રાત્રે પટેલ નો ૨૫૦ ગ્રામ Ice Cream નાખીને મોડે મોડે ૧૨ કે ૧ વગે સૂવા જાઇ. જુવાનીયા તો મારા બેટા ૨ , ૩ વાયગા સુધિ Race Course road પર ટળવળતા હોઇ ને પોલિસ કાઢે તયે ઘર ભેગા થાઇ. આવુ છે ભાઇ
બાકી તો બીજુ શુ કેવુ, રાજકોટ ની કડક મીઠી ચા (tea) તો તમારે આખો દી હાઇલે રાખે

બોલો કેવુ છે કાઇ રાજકોટ માટે? મારો comment...