Thursday, April 20, 2023

ભીખાભગત ની પીડા

 

 

ગોકીરો બહુ થયો. ગામના પ્રતિષ્ઠિત અને દાનેશ્રી શેઠ વખતચંદના જયેશને પોલીસ ઉપાડી ગઈ. ગામ ચોરે કીડીયારું ઉભરાય એટલું માણા ભેગું થઇ ગયું. પછે તો મોઢા એટલી વાતું. ગામમા કેટલા વરહ પછી પોલીસ આવી અને એ પણ અધરાતે. ગામ નાનું એટલે ખોટકા પણ ઓછા. અને આ બે શેરીના અભેપરની જે મિલકત ગણો ઈ, ગામના રામજીમંદિરનો ચોરો, ને ચોરાની બિલકુલ સામે પેઢી દર પેઢીથી હાલતી વખતચંદ શેઠની કરીયાણાની દુકાન ને એની વાહે ચાર ખોરડાનું એનું ગોદામ. ગામની જે મિલકત ગણો એમા શેઠ પછી બીજા આવે ભીખા ભગત.ગામ આખાની આબરૂ ગણો એટલે ભીખા ભગત. ૫૦ વીઘાની પાણી વારી ખેતી ને ત્રણ છોકરાનો વસ્તાર સંભાળે એટલે આધેડ ભીખા ભગત નવરા ચોરે બેઠા બેઠા ગામને ટેકા કરે. કોઈ ને કાઈ પણ કામ હોય સરકારી કે વહેવારુ, દીકરા દીકરીના જોણ કે છુટા કરવાનું , ભાયું કે ભાગ્યાઓની માથાકૂટ,  ભગત બેઠા હોય રસ્તો કાઢવા ને આખું ગામ પણ ભીખા ભગતનો બોલ ઝીલે. બપોર ને વાળું ટાણા સિવાય ભીખા ભગતની બેઠક જ ચોરો. બે પાંચ ને લઇ ને બેઠા જ હોય.

આ ભીખા ભગત આ ઘટનાના સાક્ષી, વાત એમ બની હતી કે રત્યા વાઘરીની મોટી છોડી પભલી મોડી સાંજે દુકાન બંધ થવા ટાણે કઈક કરિયાણું-ગન્જીયાણું લેવા આવી હતી.  વખતચંદનો જયેશ દુકાન વધાવતો અડધું બારણું બંધ કરીને ઉભો હતો. અડધું બારણું ખુલ્લું હતું. દુકાનનો કાયમી માણા ઉકો મજુર પણ નીકળી ગયો હતો. પભલીએ કઈક કહ્યું અને જયલોને  પભલી અંદર ગયા, જાતા જાતા જયલાએ  અડધું બારણું બંધ કરતો ગયો.  પછે અંદર શું થયું ખબર નહિ પણ પંદરેક મિનીટ પછે ધડામ કરતુ બારણું ખોલી પભલી ઉપર ની ચુંદડી સરખી કરતી ભાગી નીકળી. અને થોડીવાર મા તો આખો વાઘરીવાસ બાયું
, ભાયું ને છોકરા સહીત હાથમાં તવીથા, વેલણ , છરી, ધારિયા લઇ ને દેકારા પડકારા કરતા, મા બેનની ગાળ્યું દેતા, આવી પુગ્યાને મંડ્યા વખતચંદની દુકાન તોડવા. હોહો દેકારા હજુ ચાલુ છે ત્યાં તો પોલીસ આવી, ટોળાને શાંત કરી, દુકાનનું બારણું ખોલાવ્યું પોલીસ અંદર ગઈ થોડીવાર લાગી ને જયારે બહાર આવી ત્યારે જયલાને દોરડે બાંધી પોલીસ વેનમા બેસાડી લઇ ગઈ.  ચોરે ઉભા ટોળા માંથી કોઈએ પૂછ્યું “ ભગત આ શું?”  અને ભગત બોલ્યા  “વડ એવા ટેટા.”

અને ગામ મા હાહાકાર થઇ ગયો કે વખતચંદ પણ શું આવા હતા?

બસ પછી તો શું વાત ને વા ઉપડ્યો. દીકરાને પોલીસ લઇ ગઈ એનું ધડ માથું નોતું મળતું ત્યાં તો ભગત પોતાના વિષે આવું બોલ્યા એ વાત વખતચંદને કાને પોચી અને હૃદય માંથી સોંસરવી નીકળી ગઈ. વખતચંદ દેવ થઇ ગયા.

 ______*____________*____________*____________*____________*____________*______


“લ્યો ભગત પડખું ફેરવો. બહુ દી થયા કાઈક તો બોલો?” સરપંચે કહ્યું. છેલ્લા ત્રણ ત્રણ વરસથી ખાટલે માંદગીમા પડેલા ભીખાભગતને વાહામા ધારા પડ્યા છે જીવડા થયા છે. છોકરાને ઘરના માણસોય સેવા કરી કરીને હવે થાકવા માંડ્યા છે. ભગત ખટલામા પડ્યા પડ્યા ઉપરવાળા પાહે મોત માંગે છે.અને રોયે રાખે છે. પણ માંગ્યા  મોત ક્યાંથી મળે. જે કોઈ પણ ખબર કાઢવા આવે એટલે હાથ જોડે ને બસ રોવા મંડે. બધાને દયા આવે કે આ ભગત કોઈ દી કોઈને વઢયાય નહિ હોય, કેટલા ઘર ઉજાળ્યા છે આખી જીદગી ગામ માટે ખર્ચી નાખી  એને આવું ભોગવવાનું? કી ગમે ઈ પૂછે પણ ભગત કાઈ બોલે નહિ

પણ આજ નો દી જુદો હશે, નવજુવાન સરપંચ કનુભાઈ તો આજે મન બાંધીને આવ્યા કે આજે તો જાણવું છે કે ભગત રોવે છે શું કામ
? સરપંચે પૂછ્યું “ ભગત રોવાનું મુકો, હવે જાવા ટાણે મમત મેલો ને મન મા હોઈ ઈ કહી દયો નહિ તો જીવ અવગતે જાહે.” અને કુદરત નું કરવું આજે ભગત થી નો રેવાણું. ત્રણ ત્રણ વારસ થી પેટમા ધરબાયેલી વેદના કહી દીધી “ વખતચંદ નો જીવ લીધો છે મેં. એની માથે આળ મેલ્યું તું એનું ભોગવું છું “.

સરપંચ :“આળ કેવું આળ?”
ભગત : ત્રીસ વરસ મોર, મારે મોસમ નો હોય ત્યારે વાડીયે થી વેલો આવી
હું ને હરસું વાણંદ ચોરે બેહતા.એવી વખતે મારે વાળું કરવા નીકળવાનું થાય ને વખતચંદ ને પેઢી વધાવવાનું ટાણું, આ ટાણે અઠવાડિયે એકાદ બે વાર  એક બાઈ અંદર જાય, વખતચંદ તરત અંદરથી બારણું બંધ કરે ને થોડી વાર થાય એટલે થોડુક બારણું ખુલે, ઓલી બાઈ સાડીના બાંધેલ ખોળા મા કઈક ભરીને ઉતાવળા પગે નીકળી જાય વાહે  વખતચંદ અંદરથી તાળું મારી ગોદમના પાછલા રસ્તે ઘરે વયા જાય. મને ને હરસુંને કાયમી થતુંકે આ વખતચંદ, આવો દાનેશ્રી માણસ આને આવી તે કમત શું સુજતી હશે? પણ આપણે શું એમ કરી મેલતા પણ મનમા  વખતચંદ માટે મેલ થઇ ગયો. ઈ વાત ને વરસો વયા ગયા શેઠ નિવૃત થયા જયેશે દુકાન સંભાળી પણ તઈન વરહ પેલા જયલાને ઓલી પભલીની છેડતીના કેસમા પોલીસ લઇ ગઈ ત્યારે મારાથી કેવાય ગયું કે વડ એવા ટેટા. ને મેં આવું કીધું ઈ વખતચંદને ખબર પડતા આઘાત મા ને આઘાત મા દેવ થઇ ગયા. હું તેદી ઘણો મુંજાણો. થોડાક દી પછી શેઠની સાદડીમા ગયોતો  ત્યાં શેઠના ઘરનાઓ ની બાજુમા ઓલી શેઠની દુકાને સાંજે આવતી બાઈને મો વાળતા જોઈ એટલે મેં મારી બાજુમા બેઠેલા વખતચંદ શેઠના વેવાઈ ને પૂછ્યું કે આ કોણ છે ને આટલી કેમ આટલી રોવે છે? એટલે એને મને કીધું કે તમે તીલોતમાં ને નથી ઓળખતા?આ સૌથી નાની બહેન?  અને આ સાંભળી ને હું તો ગમ ખાઈ ગયો. મારા થી રેવાણું નહિ, હું ઉભો થઇને શેરીમાં વેવાઈ બહાર નીકળે એની રાહ જોતા ઉભો રહ્યો. જેવા શેઠ ના વેવાઈ બહાર નીકળ્યા તરત તીલોતામાં વિષે પુચ્છા  કરી તો બીજી ખબર પડી. આખા ગામ ને આમતો ખબર કે તીલોતમાં ને બહુ નાનેથી લંડન ભણવા મુકેલી, નયા કોક બીજી નાયતના હારે  લગન કરી લીધેલા એટલે શેઠના વણિક સમાજે એને નાયત બહાર કરેલી એટલી તો મનેય ખબર. પણ વેવાઈ થી ખબર પડી કે તીલોતમાં ભરજુવાનીમા બચારી દુખાણી તી, વર મરી ગયો, એટલે લંડન થી પાછી આવી પણ ઘરે રાખવી કેમ?. ગમે એમ હોય ભાઈ થોડી રાખડી ભૂલે, એટલે એને બાજુના ગામમા રાખેલી અને એની બધી મદદ શેઠ કોઈને ખબર નો પડે એમ કરતા અને ક્યારેક જરૂર પડે તો દુકાન બંધ થાવા ટાણે એ ગામમાં મો વારી ને દુકાને આવતી. મારી બહુ મોટી ભૂલ થઇ ગઈ. આવા ભલા માણસ ને માટે નો કેવાનું મેં કીધું.

આટલું કેતા કેતા તો ભગત હિબકે ચડ્યા. શરીરની બધી પીડા ભૂલી  હ્રિદયમા સંઘરેલી વાત સરપંચને કહી  પ્રાયશ્ચિત કરતા હોય હાથ જોડીને એમ રોવા માંડ્યા. સરપંચ કહે હવે એ વાત વહી ગઈ ભગત રોવોમાં લ્યો થોડુક પાણી લ્યો કહી નીચે વળી ખાટલા નીચે પડેલ માટલામાંથી કળશ્યો ભરીને ઉભા થઈને ભગત સામું જોવે ત્યાતો ભગતનું રોવું બંધ ને આંખો ખુલ્લી.

ભગત ઉપડી ગયા અને સરપંચને પણ થયું ઉપર બેઠા વખતચંદે માફી આપી દીધી આજે.  

તિખારો: આંખ્યુંનું જોયું ને કાનનું સાંભળ્યું બધું સાચું હોત તો મહાભારત નો થાત.

No comments:

Post a Comment

Kem laigu tamne...