Tuesday, December 8, 2009

દયા પ્રભુ ની ધરમ ની જય...

સૌરાષ્ટ્ર ની ભુમિ સંત સુરા અને બહારવટિયા ની કેવાણી છે. એટ્લે જ આયા કેવાણુ છે કે .

જનની જણ તો જણજે કા દાતા કા સૂર,
નહિતો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર .

અને આજેય પણ કાઠિયાવાડ ના કોઇપણ ગામે જાવ તો ગામ ની બહાર પાળિયા હોઇ. ગામમા કોઇક શુરવીર થઈ ગ્યા ની ઈ ઓળખાણ હતી. આ શુરા એટ્લે ઘરવારી યે બટેટા કાપવા બેહાઈડા હોઇ ને આંગળી કપાઇ જાઇ ને દેવ થઈ ગ્યા હોઇ ઈ નહિ, આતો ગામ ની ગાયુ વાળવા કે ગામ ભાંગવા લૂટારા આઇવા હોઇ એની હારે લડતા લડતા ખપી ગ્યા હોઇ એની વાત છે.એના પાળિયાઓ ને સિન્દૂર ને ધુપેલિયા થાઇ.

મારે વાત કરવી હતી સંતો ની. કાઠિયાવાડ એ સંતો ની ભુમિ. આજે પણ ગામે ગામ કોઇ ને કોઇ સાધુ સંતો ના વિસામા હોઇ જ. સત્તાધાર આપા ગીગા ની જઈગા, વિરપુર જલારામબાપા ની જઈગા, પરબ વાવડી સંત દેવિદાસ અમર મા નુ તોરણીયા ધામ, પાળિયાદ બાપુ ની જઈગા, બગદાણા બજરંગદાસ બાપા, સ્વામિનારાયણ નુ ગઢડા, સારંગપુર, ભારતી આશ્રમ જુનાગઢ, કેટ કેટ્લી જઈગા. બધેય ઓટલો મળે અને ચોવિસ કલાક અન્નષેત્ર ચાલુ.

વાત મૂળ છે રાજકોટ ના ભક્તો ની, એના ભક્તિ ભાવ ની. ભારે શ્રધ્ધાળુ બાકી, કોઇનોય આભળછેટ નહિ.એવુ કેવાય કે બાવા બઈના હે તો રાજકોટ આવવા પડે.. બસો પાંચસો માથા મળી જ જાય. આ ગામ મા બધી જાત નો ફાલ મળે. સ્વાધ્યાય કે સ્વામિનારાયણ, કે,આર્ટ ઓફ લિવીંગ કે બ્રહમાકુમારી કે હરિ ઓમ તત્સત કે, પ્રણામિ, કે હવેલી વાળા વૈષ્નવ કે પછી ભલે ને મોરારી બાપુ ને રામદેવજી મહારાજ હોઇ રાજકોટ મા સંધાય ના શીષ્યો મળે. (unity in diversity) યુનીટી ઇન ડાઈવર્સીટી મા માનવા વાળા પાછા બધા એક શેરી મા રેતા હોઇ ને કોઇ ના પણ ગુરુ ગામમા આવે ત્યારે નોતરૂ હોઇ કે નો હોઇ ગુંદી ગાંઠિયા ખાવા ને બાપુ, બાપા કે સંત ના દર્શન ને આશિર્વચન સાંભળવા પોગી જ જાઇ. મારી કુળદેવી ખોડિયાર હોઇ કે તારી હોઇ આશાપુરા , ઉંઝા મા ઉમિયા મહોત્સવ હોઇ એટ્લે બધાય પાણકોરા ના બે જોડી કપડા લઈ થેલીયુ ભરી ને બસુ મા બેહી જાવાના. ગમે એટ્લા મેદાનો હોઇ એ ટુંકા પાડી દયે એટ્લુ માનાહ ભેગુ થાઈ. પાછુ એવુ નથી કે ધરમ કરમ ના કામે જ લોકો ભેગા થાઈ, સ્વામી સચ્ચિદાનંદ, કે સ્વામી ધર્મબન્ધુ કે ગુણવન્ત શાહ કે સારા પ્રવચનકાર ને ન્યાય તડાકો પડે. અને છેલ્લે ભીખુદાનભાઇ ગઢવી કે હેમન્ત ચોહાણ કે દિવાળીબેન ભીલ કે, કોઇપન ગઢવી નો લોક ડાયરો ગમે ન્યા હોઇ, કલાકાર ગમે ઇ હોઇ, બસ જાવુ એટ્લે જાવુ જ. હમજાય કે નહી રાજકોટ મા રેવુ હોઇ તો જાવુ તો પડે જ.વેવાર મા રેવુ હોઇ તો જાવુ પડે જ.



બાકી શિયાળો હવે માંડ બેહુ બેહુ થઈ રયો છે ત્યારે તાજે તાજા લીલા મજાના શાક ભાજી ને ફ્રુટ ની રેકડીયુ હડિયુ કાઢે છે. અને આ લગન ની સીઝન ની તો શુ વાત કરુ, આ ૨૦૧૨ ફિલમ આવી છે ત્યારથી બધાય કુંવારા ને હવે પૈણવા ચઈડો છે, ગમે એવી દેખાતી હોઇ છોડી, બસ બધાય ને માંડવે બેહી જ જાવુ છે, ક્યાક રહી નો જવાય ની બીકે.

તયે હાલો હવે આ ટાઈઢુ મા જિંઝરા ને શેઈડી ને અડદિયા ને તલ સાંકળી ને ચીક્કી ની મોજુ લૂટ્વા આવી જાવ રાજકોટ...

Saturday, November 21, 2009

હેઅએ..આઇવા તાજા ટમેટા રિંગણા ભિંડા તુવેર ઘીસોડા લઈ લ્યો.....

શિયાળા ની શરૂઆત : રાજકોટ ની શાક મારકેટ નુ આજ નુ ભાવ પત્રક.

જોઇ જોઇ ને જીવ બાળતા નહી મારા વ્હાલા..


.

આવી જાવ આ થેન્કસગીવીંગ્યા લોંગ વીકએન્ડ માં રાજકોટ , આયા છે મોજે દરિયા, નસીબ ના બળીયા, ભલે પછી બૂટ ને નો હોઇ તળીયા...

Saturday, November 14, 2009

એયેયેયે બરીક નથીઈઈઇ... (Bicycle without Breaking Gear)

"હેય્ય્ય્ય્ય્ય્ય, ફુર્ર્ર્ર્ર્ર, પોહે, પોહે, હેય્ય્ય્ય્ય્ય, કાનીયા વાઈર એ ચાંદરીને " આ છે અમારા લખમન ભરવાડ ની રાઈડ.

ભરવાડ, રબારી, હિદડા, માલધારી ઈ બધાય નોખા.ભગવાન ક્રુષ્ણ ના આ કેહવાતા વંશજો ની કુલદેવી હિંગળાજ માતા, બહુ માને એમા. ભરવાડ માં ય પાછી બે જાત , નાનાભાઇ ભરવાડ અને મોટાભાઇ ભરવાડ, નાનાભાઈ વાળા ૧૦૦% ચાંદી ના સળિયા ને વાળી ને બનાવેલૂ કડુ એવુ આદમી હાથે પેરે અને બાયુ પેરે પગે. મોટાભાઈ ભરવાડ મા ચાંદીના કડા ના સળિયા મા અંદર સ્ટીલ નો તાર નાખેલો હોઇ અને જેમા એક છેડે ડટ્ટિ જેવુ હોઇ. એટ્લો જ ફરક. ભરવાડ પેલા તો પોતાની અને ગામની ગાયુ જ ચરાવતા. પણ હવે જમાનો બદલાયો છે. ને ભેંશુ રાખી ને ડેરિયુ મા દુધ ભરે (selling milk to Local Dairy) ને કાં તો ઘરે ઘરે દુધ વેંચે,ને એમા ય પૂરુ નો થાઇ તો રેંક્ડા ખેંચી ને મજૂરી કરે, એમાથી ઘર હલાવે. 


મે અગાઉ લઈખુ તુ એમ રાજકોટ ની ચા વખણાય એ આ ભરવાડ ની રેક્ડી ની ચા. દારુ પીધો ઉતરી જાઇ કે અફિણ લગાઇવુ હોઇ તોય ઝોલા આવે પણ અમારા કાના ની રેક્ડી ની કડક મીઠી અડધી પીધા પછી તો સુવાની ગોળિયુ લ્યો તોય નિંદર નો આવે. રાજકોટ મા ચા ની રેક્ડીયુ મા ભરવાડો ની જાને મોનોપોલી થઈ ગઈ છે.

આમતો ભરવાડ એટ્લે સાવ દેસી અબૂધ, કાઠીયાળી, કસાએલા બાવડાવાળી મજબૂત બાંધા ની પ્રમાણિક પ્રજા. હેઠે જાડા સુતરાઊ કાપડ ના ધોતિયા ને ડીલે હોઇ બટન વીનાની બંડી કે ખુલી કસ નુ કડિયુ, બધુય હંસલા જેવુ ધોળુ, ને માથે પેરે ઘાટી લાલ પનીયા ની વાળેલી પાઘડી.કાનમા ઉપર હોઇ નાની પોખાનીયુ ને ગળા મા બે તઈણ કાળી લાલ માળા ને પગમા ૫ કિલો નુ એક થાઇ એવા અણીદાર જોડા કમ મોજડીયુ.બધાય આધેડ ને વેઈત વેઈત મુછ હોઇ. કોટ ની બંડી ને ઉપલે છેડે હોઇ કાન ખોતરિયુ ને એકાદિ સેફટી પિન ને ખીચા મા હોઇ એકાદી તમ્બાકુ પીવાની હોકલી ને રૂમાલ. પછી હાથે બાંધી હોઇ મોટા ડાઈલ વાળિ એચએમટિ (HMT  brand wrist watch). બાયુય પણ એની કાઠાળી , કાળી કામળી માથે ઓઢી હોઇ, લાલ ભરત ભરેલુ કમ્ખુ છાતિયે ને કાળુ જાડુ કાપડુ ઘાઘરા ની જેમ પેરે. કાન મા તો ઉપર થી નીચે પોખાનિયુ ને વેઢલા ને વાળિયુ ને કેટલ્યુ ય હોઇ અને પગે પાછુ ચાંદીનુ કડુ તો ખરુ જ. અધુરામા પૂરુ આખે શરીરે છુંદણા ત્રોફાવેલા હોઇ કીલો ના ભાવે.ખાલી જગા નો મળે.

ભરવાડ ના ખોરાક પણ કેવા બપોરે જાડા ટિપેલા ઘઊ ના તઈણ ચાર રોટલા ને છાસ ને મર્ચુ હોઇ ને સાંજે તો જાર બાજરા ના રોટલા ને દુધ, બસ. શાક્ભાજી કે ફ્રુટ નુ નામ જ નહી. ભરવાડ ને કાળા અક્ષર ભેંસ બરાબર, અમારે ઝવેરભાઇ ને પુછો તો ક્યે " અરેય ભણવાનુ, નિશાળે મુકો તો રખડવા જ ભાગી જાઇ, અમારે ઘોડાના ભણે જ નહિ, બે તઈણ ચોપડી તો બવ થઈ ગ્યુ."

ભલે લંડન ને અમેરિકા મા છોકરિયુ ૧૫ ૧૬ વરસે માબાપ ને પુઈછા વીના લગન કરતી, આય તો કાયદેસર પેટે ચાંદલા થાઇ. પેટે ચાંદલા એટ્લે જનમ્યા પહેલા લગન ગોઠવવા. બે ભરવાડ ભેરુ હોઇ ને બેય ની ઘરવારી ને સાથે સારા દિવસો જાતા હોઇ અને બેય સામે સામા પેટે ચાંદલા કરે તો એમા જો એક ને ન્યા છોકરો ને બીજા ને ત્યા છોકરી આવે તો કાઇ લીધા દીધા વગર નો સંબંધ પાકો. સોળ સત્તર વરસ ની દીકરી થાઇ તેદી લગન લઈ ને આવવાનુ ને દીકરી ને  લઈ જાવાની. તમે પુછ્સો કે આમ કેમ,સાઈનટિસ્ટો ને ચક્કર આવી જાઇ એવી વાત છે પણ આ કોમ મા છોકરા ની લાઇનુ લાગે. છોકરી નો દુકાળ.અમારા ઝવેરભાઇ ને પાંચ દિકરા કાનો, લખમણ, ટિલયો, ચોથો અને પાંચો. એકેય છોડી નહી. આ ઝવેર ની વહુ ૩૦ વરહ પેલા ઉપેર વઈ ગઈ પણ એક્લે હાથે પાંચેય ને મોટા કરી ને કાના ને લખમણ ને તો પઈણાવિ પણ દિધા છે.આ ભરવાડ મા પેલા તો દીકરી વેંચાતી. "જો હિરા ૫૦ તોલા સોનુ ને ૨ કિલો ચાંદી થાઇ તેદી વાત કરવા આવજે, ન્યા સુધી કેતો ય નહી." આવો તો રુઆબ છોકરી નો બાપ કરે. હા ૫૦ તોલા સોનુ ને ૨ કિલો ચાંદી તો દેવી જ પડે તયે છોકરો પઈણવા ભેગો થાઇ. એટ્લે જાજી છોકરી નો બાપ તો ગાડિયુ મા ફરતો હોઇ. મોટે ભાગે તો સામે સામા લગન વધારે થાઇ, સામે સામા એટ્લે, હિરા ની છોકરી લવજી ની ઘરે ને લવજી ની છોકરી હિરા ની ઘરે. ભાઇ બેન ને જ સાળા-વહૂ બનાવે. તમે કહેસો કે આટ્લા રુપિયા ક્યાથી કાઢવા.લ્યો તયે નાત્ય કેનુ નામ? લગન ટાણુ થાઈ ત્યા સુધી દિકરો ને બાપ કાળી મજૂરી કરી કરી ને સોનુ જ લીધે રાખે ને પછી લગન ટાણે છોકરા નો બાપ, ઘટે તો સગા વ્હાલા પાસે થી ઊછીતા લ્યે. લગન મા બધા જમવા આવે એટ્લે હાથઘઈણુ કોક ૧૦૦ રુપિયા કોક ૫૦૦ કોક ૧૦૦૦ રુપિયા એવુ દયે( જેવો વેવાર), આવુ બધુ ભેગુ કરી ને પછી લગન કરે. પાછા જો કોઇક ગઈઢા મરી જાઇ એટ્લે આખી નાઇત ના બધા ઘર ૨ કિલો ખાંડ અને ૧૦૦ રુપિયા લઈ ને ખરખરો કરવા આવે. ડોહા નો દાડો કઈરા પછી પણ ૨ ગુણી ખાંડ ને ૨૦  ,૨૫,૦૦૦ રુપિયા વધે.


અમારે કાના ચા વાળા ના બાપા વેલા ઉપર વઈ ગ્યા છે એટ્લે બિચારો ૨૫ વરહ પોગી ગ્યો છે તોય ઘરવાળી વારો થયો નથ અને સોનુ ભેગુ કરવામા પઈડો છે, તમારે કોઇ ન્યાની ભુરી નુ માંગુ (engagement) નાખવુ હોઇ તો કેજો....

Monday, November 9, 2009

લંકાની લાડી ને ઘોઘા નો વર

કોથમીર કી કલી, રંગ બહાર, રંગ સંગમ, કેસર લાડ્ડૂ, નામ સાંભળીને પડી નો જાતા, આ છે રાજકોટ ના લગન ની મજા. લગન ની સિઝન આવે છે એટ્લે બધા ધંધા વાળા સજાવી ધજાવી ને છાપા મા જાહેરાતુ કરવા મઈંડા છે. હેય તારે ભાત ભાત ના લુગડા વાળા, કેટરર્સ , મંડપ સરવીસ અને પાર્ટી પ્લોટ વાળા બધુ ઠીક્મ ઠાક કરવા મઈંડા છે. સિઝન આવે છે ને ભાઈ .આમતો આ વખતે સારા મુહુરત મા ૧૪ દી જ લગન છે ૧૫ મી ડીસેમ્બર પછી તો કમુર્તા બેહી જાશે, પણ તમારે થેન્ક્સ ગિવિન્ગ્યા અને ક્રિસમસયા વેકેશન વાળા એન આર આઈ ને કમુર્તા ય નથી નડ્તા. પૈણ્વા ચઈડો હોઇ એમ ઉભે ઘોડે આવી ને મુરત જોયા વીના લગન કરી જાઈ પછી બે મહિના મા થાઈ છુટાછેડા ત્યારે માથુ પકડી ને રોવા બેહે. પણ જે હોઇ ઈ આ વખતે છાપુ ક્યે છે ખાલી રાજકોટ જ બે તઈણ કરોડ ખર્ચસે લગન વાહે. પેલા તો ૨૦૦૦- ૫૦૦૦ રુપિયા મા લગન થાતા. હવે ૨૦-૨૫૦૦૦ રુપિયા મા લગન કરવા હોઇ તો શેરી મા માંડ્વા નાખવાના, ને ચમચી વીના ના વાઈટ્કા સાથે સ્ટીલ ની થાળીયુ મા ગાંઠિયા, લાડૂ, બટેટાનુ રસાવાળૂ શાક, સંભારો, દાળ અને ભાત જમાડી દેવાના તો જ પતે.

હા બાકી જો પટેલ્યા યે એકાદ કટ્કુ જમીન/ખેતર વેંચ્યુ હોઇ તો પછી લગન પાર્ટી પ્લોટ મા જ હોઇ. સાંભળી ને બઠા નો વરી જાતા, ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ તો ખાલી પાર્ટી પ્લોટ નુ ભાડુ હોઇ, મંડપ વાળો પાછા ૨૦-૨૫૦૦૦ નુ બિલ કરે. કેટરરિંગ માટે તો જેવી શક્તિ એવી ભક્તિ. રુપિયા ૫૦ થી ૭૦૦ ની ડિશ રાજકોટ મા મળે.૧૦૦ રુપિયા પક્ડો તોય ૩૦૦ માણાહ ના રુપિયા ૩૦,૦૦૦ ખવડાવવાના થયા.

પણ પાર્ટી પ્લોટ ના લગન પણ કેવા? માણાહ આવે એટ્લે સ્વાગત કરવા જજમાન આખુ ઘર લઈને ઉભા હોઇ ને આવો આવો કરે ને પછી અંદર આવવા દે. અને અંદર પ્લોટ મા તો ડેકોરેશન પણ કેવુ, હેય તારે પાચ છ જગ્યાએ નોખા નોખા કાઊન્ટર કઈરા હોઇ, એમા એકાદ ઉપર બે તઈણ જાતના સુપ હોઇ અને હારે પનિર ફ્રાય કે ચાઈનિસ ફ્રાય દેતા હોઇ તો ક્યાક ગરમા ગરમ ભજિયા ને હાંડ્વો ને જલેબી ને સુખડી મલતી હોઇ. એકાદ કાઊન્ટર પર ડાયેટીયા ઓ માટે પાછુ સલાડ ને પાપડ ને અથાના ને રાઈતા જમાવેલા હોઇ. મેઈન કાઊન્ટર ઉપર જાને કે ભઠ્ઠી માથે બેહી ને ખાતા હોઇ એવા ગરમા ગરમ રોટ્લી, નાન, પુરી, બિસ્કુટ પરોઠા ઉતરતા હોઇ સાથે હોઇ બે તૈણ પંજાબી અને દેસી શાક . ને એક બાજુ પાછા ચાઈનિસ ભેળ, નૂડલ અને મન્ચુરિઅનવાલા બકડિયા ખખડાવતા ભડકા કરતા હોઇ. છાસ ને પાણી વાળા ય એક ખાંચા મા ટેબલ નાખીને બેઠા હોઇ. (આ રાજકોટ મેઈડ ફિલટર વોટર ના ભંભા હવે કોમન થઈ ગ્યા છે) જારવી રાખજો હજુ પુરુ નથી થ્યુ, રાજકોટ મા રેવુ ને આઈસ્ક્રિમ નો હોઇ બને નહી, એક કાઊન્ટર ઉપર પાછુ તાજો સિઝનનો સિતાફળ નો આઈસ્ક્રિમ હાલતો હોઇ. અને છેલ્લે ૧૦ ૧૫ જાતના મુખવાસ ના મોટા વાટકા ભરેલુ કાઊન્ટર હોઇ. કેટરર્સ વાલા ય સોફેસ્ટિકેટેડ થઈ ગ્યા છે. ભાડા ના કપડા પેરાવી ને અપટુડેટ કરેલા જુવાનિયા છોકરા છોકરીયુ જાને પ્રિન્સ ચાર્લસ ના લગન મા કેમ આઇવા હોઇ એમ ઉભા રહી સર્વિસ કરતા હોઇ. પફ્ફ પાવડર મારેલી છોકરી આવી ને "સર, ગીવ કેસર લાડૂ?" એમ ક્યે એટ્લે અમારા કાનજી ડોહા બાટ્લીગ્લાસ ના ચસ્મા માથી છોડી ને જોવે, ને છોકરો જે હાથ મા લાડૂ ની થાળી ભરી ને ઉભો હોઇ એને જોઇ ક્યે નાઇખ લે ત્યારે બે તઈન. બોલો આમા પેટ ફાટી જાઈ કે નહિ પણ માનાહ ઉપાડી ઉપાડી ને દાબે.

પેલા જમાના મા લાલ જાજમ ના પટ્ટા પાથરીને પલાઠીભેર બેસતા, ને પિરસણયાઓ તઈણ વાર પિરસવા આવ્તા અને પછી છેલે જજમાન આવતા આગ્રહ કરવા , જેવો મેમાન, એવુ જોર કરીને ખવરાવવાનુ. ખાવા વારા કરતા ખવરાવવા વાળા જોરુકા રાખવા પડ્તા કારણકે જે મેમાન ના મોઢા મા લાડવો મુકો એ મેમાન પણ સામે તમને અડધો લાડુ ખવરાવે, ટુક્ડે ટુક્ડે એકાદ ડોલ લાડુ ખાવા પડે. પણ તેદી માનાહ ખાધે લોઠ્કા હતા. હવે તો થઈ ગ્યા છે બુફે.ઉભા ઉભા ભરડ ભરડ ભઈડે રાખવાનુ. અમારી બા ને આ બુફે વિશે જમવાનુ પુછો તો ક્યે હારુ રખડી રખડી ને વાઘરી ની જેમ ખાવાનુ. શુ ખાવુ ને શુ નહિ. અડ્ધા ભુઇખા રહી આમા તો.


બાકી લગન કેવા થાઈ છે એ પછી ક્યારેક વાત...લ્યો ત્યારે હમણા મગ નો શિરો જાઈપટો છે એ પચાવી લવ . તમ તમારે વાસી પિઝા ને ચલુપા ના ઓડ્કાર ખાધે રાખો..

Monday, November 2, 2009

પુઠઠા થઈ ગ્યા ભાઇ (Stock Market Crashed)......

માણાહ નુ જીવન પેન્સીલ અને રબ્બડ જેવુ છે. પેલા થોડુક ખોટુ કરે અને પછી રબ્બડ ની જેમ થોડુક સાંચુ કરી ને ભુંસી નાખે. પણ અત્યારે માણાહ એટ્લુ ખોટુ કરતો થઈ ગ્યો છે કે સરવાળે મરવા ટાણે રબ્બડ આખે આખુ ઘસી નાઇખુ હોઇ ને આખી ખીતા જેવી પેન્સીલ લઈને ઉભો હોઇ ભગવાન પાહે.

રાજકોટ મા માણાહ એવડા ગરિયા ફેરવતા થઈ ગ્યા છે વાત જાવા દ્યો. બે શેરી આઘો ઉભો હોઇ ને મોબાઈલ મારો તો ક્યે બસ મોરબી થી નીક્ળુ છુ. બોલો આમ જ ઠેકાડે. રાજકોટ વાળા આમતો એક ના તઈણ કરે પન ગામ પુરુ જુગારિયુ . મારા હારા જેટ્લા સાચા ધંધા વાળા રાજકોટ મા છે એથી તો વધારે સટોડિયા હાલી મઈરા છે. પેલા તેલ, કપાસ, મગફળિ મા જ સટ્ટો થાતો. એમાથી લોટરી ઉપર આઇવા. લોટરી એ તો કેટ્લાય ના ઘર ભાંગી નાઈખા, મારો હારો કડિયો ટિફિન લઈને ને ઘરે થી કામે જાવા નિક્ળે, પેલા પોગે જ્યુબિલી લોટરી બઝાર, ૯ વાઈગે બઝાર ખુલે એટ્લે દુડિ તિડિ જે લેવી હોઇ ઇ લ્યે અને પછી કામ ભેગો થાઈ અને સાંજે પાચ વાગે ડ્રો ખુલે ત્યારે લોટરી બઝારે પોગી ગ્યો હોઇ. કેટ્લુ માણાહ ફના ફાતિયા થઈ ગ્યુ. લિટરુ મોઢે દવા પી ને કેટ્લાય મરી ગ્યા. માંડ માંડ લોટરી ગઈ ત્યા શેર બઝાર વાળા આઇવા. લોટરી મા તો મજૂર માણાહ હતા , શેર બઝાર મા તો હારા હારા માસ્તર અને ભણેલા ગણેલા લાગી પઈડા, જટ છાપી લેવાતા બધાય ને, એમાય કેટ્લાય ખાલી થઈ ગ્યા. એ માંડ ઠિક થ્યુ ત્યા હવે ડબ્બા હાઈલા છે. કમોડિટી એક્ષચેંજ MCDX, NCDX. સાચે સાચુ કાઈ લેવાનુ નહિ, સોનુ, ચાંદિ, જસત, તાંબુ એની ઇંટરનેશનલ મારકિટ ના ભાવ પ્રમાણે તમારે ૧૦૦ કિલો, ૫૦૦ કિલો માલ કોમપ્યુટર ઉપર લેવાનો, ખાલી મારજીન મની ભરવાના, ને ૨૫ ૫૦ લાખ ના સૌદા ના ડિફરન્સ ઉપર રમવાનુ. જે દી મારકિટ ૧૦% કરતા વધારે ટુટે એટ્લે એક બે જણ છાપા મા ચમકે છે.

અધુરામા પુરુ ક્રિકેટ ના સટ્ટા તો સદાબહાર ચાલુ જ છે. પોલિસે ય હવે રેડ પાડી પાડી ને એવી થાઈકી છે, નરેન્દ્રભાઇ મોદી હવે કાયદેસર સટ્ટો રમાય એવી વ્યવસ્થા કરવાની વેતરણ મા છે.

બાકી ઘોડી પાસાનો જુગાર ઉપર તો પોલિસ રેડ ય નથી પાડ્તી. હવે તો હાઇપ્રોફાઇલ લોકો ગામ બારે આઘે આઘે હોઇ એવા ફાર્મ હાઉસ ઉપર જુગાર ના અડ્ડા જમાવે છે. કાઇ ચિંતા તો નહી! આમતો જુગાર કડવા પટેલ ની જાગીર કેવાય ( લોહિ મા ભાઇ, પત્તા રમતા નો આવડતુ હોઇ એવો મે એક ભાઈળો નથી) પણ છેલા એક દસકા થી તો બધીય કોમ મા આ લાગી ગ્યુ છે. એમાય ખાસ કરીને લેવા પટેલ મા તો જ્યારથી જમીનુ ના પૈસા આઇવા છે. આડે હાથ વરગી ગ્યા છે જુગાર મા. બાયુય બાકિ નહિ હો.

બીજુ તો આયા ધોની ને યુવરાજ ધોકાવે છે. તમેય ઇનટરનેટ્યા ટીવી ઉપર વરગી જાવ...