Showing posts with label Culture. Show all posts
Showing posts with label Culture. Show all posts

Thursday, April 20, 2023

તરંગી રાજા


બહાર પડ્યું છે ફરમાન જગંલમા 

હવે કોયલને ટહુક્વાનો દેવો પડશે ટેક્ષ

પરમીટ લઇને જ મોર ગહેકશે તો 

કબૂતરોના ઘુઘુ પર પોલીસ કરશે કેસ 

ચકલી કાબરના બચ્ચાને કેવાનું કે કરે બંધ હવે કાવકારી  

નવા રાજમા ફક્ત મંજુર છે કાગડાની કાગારોળ ને  ટેસ 



તિખારો : આવે વારો બધાય નો, કોક નો વહેલો ને કોક નો મોડો 
બાંધી મુઠ્ઠી ખુલે એ પેલા,  સાચા સારા મનખા માટે દોડો   

ભીખાભગત ની પીડા

 

 

ગોકીરો બહુ થયો. ગામના પ્રતિષ્ઠિત અને દાનેશ્રી શેઠ વખતચંદના જયેશને પોલીસ ઉપાડી ગઈ. ગામ ચોરે કીડીયારું ઉભરાય એટલું માણા ભેગું થઇ ગયું. પછે તો મોઢા એટલી વાતું. ગામમા કેટલા વરહ પછી પોલીસ આવી અને એ પણ અધરાતે. ગામ નાનું એટલે ખોટકા પણ ઓછા. અને આ બે શેરીના અભેપરની જે મિલકત ગણો ઈ, ગામના રામજીમંદિરનો ચોરો, ને ચોરાની બિલકુલ સામે પેઢી દર પેઢીથી હાલતી વખતચંદ શેઠની કરીયાણાની દુકાન ને એની વાહે ચાર ખોરડાનું એનું ગોદામ. ગામની જે મિલકત ગણો એમા શેઠ પછી બીજા આવે ભીખા ભગત.ગામ આખાની આબરૂ ગણો એટલે ભીખા ભગત. ૫૦ વીઘાની પાણી વારી ખેતી ને ત્રણ છોકરાનો વસ્તાર સંભાળે એટલે આધેડ ભીખા ભગત નવરા ચોરે બેઠા બેઠા ગામને ટેકા કરે. કોઈ ને કાઈ પણ કામ હોય સરકારી કે વહેવારુ, દીકરા દીકરીના જોણ કે છુટા કરવાનું , ભાયું કે ભાગ્યાઓની માથાકૂટ,  ભગત બેઠા હોય રસ્તો કાઢવા ને આખું ગામ પણ ભીખા ભગતનો બોલ ઝીલે. બપોર ને વાળું ટાણા સિવાય ભીખા ભગતની બેઠક જ ચોરો. બે પાંચ ને લઇ ને બેઠા જ હોય.

આ ભીખા ભગત આ ઘટનાના સાક્ષી, વાત એમ બની હતી કે રત્યા વાઘરીની મોટી છોડી પભલી મોડી સાંજે દુકાન બંધ થવા ટાણે કઈક કરિયાણું-ગન્જીયાણું લેવા આવી હતી.  વખતચંદનો જયેશ દુકાન વધાવતો અડધું બારણું બંધ કરીને ઉભો હતો. અડધું બારણું ખુલ્લું હતું. દુકાનનો કાયમી માણા ઉકો મજુર પણ નીકળી ગયો હતો. પભલીએ કઈક કહ્યું અને જયલોને  પભલી અંદર ગયા, જાતા જાતા જયલાએ  અડધું બારણું બંધ કરતો ગયો.  પછે અંદર શું થયું ખબર નહિ પણ પંદરેક મિનીટ પછે ધડામ કરતુ બારણું ખોલી પભલી ઉપર ની ચુંદડી સરખી કરતી ભાગી નીકળી. અને થોડીવાર મા તો આખો વાઘરીવાસ બાયું
, ભાયું ને છોકરા સહીત હાથમાં તવીથા, વેલણ , છરી, ધારિયા લઇ ને દેકારા પડકારા કરતા, મા બેનની ગાળ્યું દેતા, આવી પુગ્યાને મંડ્યા વખતચંદની દુકાન તોડવા. હોહો દેકારા હજુ ચાલુ છે ત્યાં તો પોલીસ આવી, ટોળાને શાંત કરી, દુકાનનું બારણું ખોલાવ્યું પોલીસ અંદર ગઈ થોડીવાર લાગી ને જયારે બહાર આવી ત્યારે જયલાને દોરડે બાંધી પોલીસ વેનમા બેસાડી લઇ ગઈ.  ચોરે ઉભા ટોળા માંથી કોઈએ પૂછ્યું “ ભગત આ શું?”  અને ભગત બોલ્યા  “વડ એવા ટેટા.”

અને ગામ મા હાહાકાર થઇ ગયો કે વખતચંદ પણ શું આવા હતા?

બસ પછી તો શું વાત ને વા ઉપડ્યો. દીકરાને પોલીસ લઇ ગઈ એનું ધડ માથું નોતું મળતું ત્યાં તો ભગત પોતાના વિષે આવું બોલ્યા એ વાત વખતચંદને કાને પોચી અને હૃદય માંથી સોંસરવી નીકળી ગઈ. વખતચંદ દેવ થઇ ગયા.

 ______*____________*____________*____________*____________*____________*______


“લ્યો ભગત પડખું ફેરવો. બહુ દી થયા કાઈક તો બોલો?” સરપંચે કહ્યું. છેલ્લા ત્રણ ત્રણ વરસથી ખાટલે માંદગીમા પડેલા ભીખાભગતને વાહામા ધારા પડ્યા છે જીવડા થયા છે. છોકરાને ઘરના માણસોય સેવા કરી કરીને હવે થાકવા માંડ્યા છે. ભગત ખટલામા પડ્યા પડ્યા ઉપરવાળા પાહે મોત માંગે છે.અને રોયે રાખે છે. પણ માંગ્યા  મોત ક્યાંથી મળે. જે કોઈ પણ ખબર કાઢવા આવે એટલે હાથ જોડે ને બસ રોવા મંડે. બધાને દયા આવે કે આ ભગત કોઈ દી કોઈને વઢયાય નહિ હોય, કેટલા ઘર ઉજાળ્યા છે આખી જીદગી ગામ માટે ખર્ચી નાખી  એને આવું ભોગવવાનું? કી ગમે ઈ પૂછે પણ ભગત કાઈ બોલે નહિ

પણ આજ નો દી જુદો હશે, નવજુવાન સરપંચ કનુભાઈ તો આજે મન બાંધીને આવ્યા કે આજે તો જાણવું છે કે ભગત રોવે છે શું કામ
? સરપંચે પૂછ્યું “ ભગત રોવાનું મુકો, હવે જાવા ટાણે મમત મેલો ને મન મા હોઈ ઈ કહી દયો નહિ તો જીવ અવગતે જાહે.” અને કુદરત નું કરવું આજે ભગત થી નો રેવાણું. ત્રણ ત્રણ વારસ થી પેટમા ધરબાયેલી વેદના કહી દીધી “ વખતચંદ નો જીવ લીધો છે મેં. એની માથે આળ મેલ્યું તું એનું ભોગવું છું “.

સરપંચ :“આળ કેવું આળ?”
ભગત : ત્રીસ વરસ મોર, મારે મોસમ નો હોય ત્યારે વાડીયે થી વેલો આવી
હું ને હરસું વાણંદ ચોરે બેહતા.એવી વખતે મારે વાળું કરવા નીકળવાનું થાય ને વખતચંદ ને પેઢી વધાવવાનું ટાણું, આ ટાણે અઠવાડિયે એકાદ બે વાર  એક બાઈ અંદર જાય, વખતચંદ તરત અંદરથી બારણું બંધ કરે ને થોડી વાર થાય એટલે થોડુક બારણું ખુલે, ઓલી બાઈ સાડીના બાંધેલ ખોળા મા કઈક ભરીને ઉતાવળા પગે નીકળી જાય વાહે  વખતચંદ અંદરથી તાળું મારી ગોદમના પાછલા રસ્તે ઘરે વયા જાય. મને ને હરસુંને કાયમી થતુંકે આ વખતચંદ, આવો દાનેશ્રી માણસ આને આવી તે કમત શું સુજતી હશે? પણ આપણે શું એમ કરી મેલતા પણ મનમા  વખતચંદ માટે મેલ થઇ ગયો. ઈ વાત ને વરસો વયા ગયા શેઠ નિવૃત થયા જયેશે દુકાન સંભાળી પણ તઈન વરહ પેલા જયલાને ઓલી પભલીની છેડતીના કેસમા પોલીસ લઇ ગઈ ત્યારે મારાથી કેવાય ગયું કે વડ એવા ટેટા. ને મેં આવું કીધું ઈ વખતચંદને ખબર પડતા આઘાત મા ને આઘાત મા દેવ થઇ ગયા. હું તેદી ઘણો મુંજાણો. થોડાક દી પછી શેઠની સાદડીમા ગયોતો  ત્યાં શેઠના ઘરનાઓ ની બાજુમા ઓલી શેઠની દુકાને સાંજે આવતી બાઈને મો વાળતા જોઈ એટલે મેં મારી બાજુમા બેઠેલા વખતચંદ શેઠના વેવાઈ ને પૂછ્યું કે આ કોણ છે ને આટલી કેમ આટલી રોવે છે? એટલે એને મને કીધું કે તમે તીલોતમાં ને નથી ઓળખતા?આ સૌથી નાની બહેન?  અને આ સાંભળી ને હું તો ગમ ખાઈ ગયો. મારા થી રેવાણું નહિ, હું ઉભો થઇને શેરીમાં વેવાઈ બહાર નીકળે એની રાહ જોતા ઉભો રહ્યો. જેવા શેઠ ના વેવાઈ બહાર નીકળ્યા તરત તીલોતામાં વિષે પુચ્છા  કરી તો બીજી ખબર પડી. આખા ગામ ને આમતો ખબર કે તીલોતમાં ને બહુ નાનેથી લંડન ભણવા મુકેલી, નયા કોક બીજી નાયતના હારે  લગન કરી લીધેલા એટલે શેઠના વણિક સમાજે એને નાયત બહાર કરેલી એટલી તો મનેય ખબર. પણ વેવાઈ થી ખબર પડી કે તીલોતમાં ભરજુવાનીમા બચારી દુખાણી તી, વર મરી ગયો, એટલે લંડન થી પાછી આવી પણ ઘરે રાખવી કેમ?. ગમે એમ હોય ભાઈ થોડી રાખડી ભૂલે, એટલે એને બાજુના ગામમા રાખેલી અને એની બધી મદદ શેઠ કોઈને ખબર નો પડે એમ કરતા અને ક્યારેક જરૂર પડે તો દુકાન બંધ થાવા ટાણે એ ગામમાં મો વારી ને દુકાને આવતી. મારી બહુ મોટી ભૂલ થઇ ગઈ. આવા ભલા માણસ ને માટે નો કેવાનું મેં કીધું.

આટલું કેતા કેતા તો ભગત હિબકે ચડ્યા. શરીરની બધી પીડા ભૂલી  હ્રિદયમા સંઘરેલી વાત સરપંચને કહી  પ્રાયશ્ચિત કરતા હોય હાથ જોડીને એમ રોવા માંડ્યા. સરપંચ કહે હવે એ વાત વહી ગઈ ભગત રોવોમાં લ્યો થોડુક પાણી લ્યો કહી નીચે વળી ખાટલા નીચે પડેલ માટલામાંથી કળશ્યો ભરીને ઉભા થઈને ભગત સામું જોવે ત્યાતો ભગતનું રોવું બંધ ને આંખો ખુલ્લી.

ભગત ઉપડી ગયા અને સરપંચને પણ થયું ઉપર બેઠા વખતચંદે માફી આપી દીધી આજે.  

તિખારો: આંખ્યુંનું જોયું ને કાનનું સાંભળ્યું બધું સાચું હોત તો મહાભારત નો થાત.

Friday, July 23, 2010

ગઈઢી ઘોડી ને લાલ લગામ.

 રાજા રણમલ ની કેવી ભાયબંધી હશે ઓલા રાજુ સંધી હાઈરે, ગામ નું નામ જ આખું આપી દીધું રાજકોટ અને એય પાછી રાજધાની નું નામ.  આમતો અત્યારે પટેલ, લોહાણા, વાણીયા, ભૂદેવ, ભરવાડ, વાઘરી ની વસ્તી મા સંધી ગોતવા જાવા પડે એટલા રઈ ગયા હશે પણ ૪૦૦ વરસેય રાજકોટ રાજુ સંધી નું જ કેવાય. બોલો આટલા બધા વરસ થઇ ગયા. પણ માણસો ય ગાંડા થયા છે, ૪૦૦ વરહ ની ઉજવણી મા. બાપ મરે એની વાહે દડો કરવાના તૂટતા હોઈ એવા મ્યુનીસીપાલીટી વાળા તો પાછા એમાં કેવા ઘાંઘા થયા છે, જે બાર મહિને એકવાર ધોવાતી નથી એવી બધી સરકારી બિલ્ડીંગુ ને લીલી પીળી લાઈટુ થી ભરી મુઈકી. સરઘસ કાઈઢા. કૈક નવા વાના કઈરા.  ખેડું ના પૈસે તાગડ ધિન્ના કરતા માર્કેટીંગ યાર્ડ વાળા એ તો પાછી ૪૦૧ કિલો ની કેક હોતે ય કાપી નાઈખી, કોના બાપ ની દિવાળી. એક છટકેલે તો ટકા મા વાળ ની ભાત પાડી ને ૪૦૦ લખાઈવુ.

તમને થાહે કે આ શું વરગીગયો છે. બધા ને આડે હાથે લ્યે છે. એ કેવું પડે એમ છે. રાજકોટ ને જાણે વેંચવા મૂકી દીધું હોઈ એમ  કેમ છે વાડી બોલો ને દલા તરવાડી ની જેમ મન ફાવે એમ માણસો ની કાળી મજૂરી થી કામેલા ટેક્ષ્ ના પૈસા આ ભાજપી કોર્પોરેટરો બગાડે છે એ જોઈ ને થાઈ છે મુશરફ ખોટો નથી. સ્કાયવોક ના નામે પૈસા ની ભંભલી ભરવા ગયા પણ સારું કઈરું જનતા એ જ ફોડી નાઈખી. આવું તો કેટલુંય ચવાઈ જાતું હઈશે. આની મોર ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ની કરોડો ની સરકારી જમીન મા વાંહે  એક સડેલી મ્યુંનીસીપાલીટી ઓફીસ બંધાવી, આગળ ની કરોડો ની કીમતી જમીન  મફત રાજકોટ ના જાણીતા બિલ્ડર ને દઇ કુંડલી મા ગોળ ભાંગી લીધોતો જ્યાં આજે બીગ બઝાર ઉભું છે.


એટલે સાવ એવું ય નથી કે રાજકોટ મા બધા કાગડા જ છે. છે ને અમારે વિક્રમભાઈ પંડ્યા, મોર જેવા, એને એવો હરખ ચઈડો કે ઉભે પગે વેબસાઈટ બનાવી ને www.rajkot400years.org  ભૂકા કાઢી નાઈખા. કોણ કેદી કેમ આ ૪૦૦  વરહ ના ગઈઢા ગામ ના જનમદિન મા જોડાશે એની બધી માહિતી ઘરે ઘરે પૂછી પૂછી ને ભેગી કરી સાઈટ ઉપર મૂકી દીધી. દેસ પરદેસ થી સાડા તઈનસો માણાસો ના તો અભિનંદન આઇવા. આ સિવાય મેડીકલ કેમ્પ, રક્તદાન શીબીર,નાના ટાબરિયા રમે એવા મેળા, વોકાથોન, નિબંધ સ્પર્ધા, રાજકોટ ને ઓળખો સ્પર્ધા,  અને એવું તો કેટલુંયે થયું. રાબેતા મુજબ સરકારી ખર્ચે રેસકોર્સ મા ફટાકડા ફૂઈટા (એમાં કોઈને ક્યાં કઈ કેવું પડે એમ છે). એટલે અમારે રાજકોટ વાળા વાત ને મુકે નહી. જે હાથ મા લ્યે એની ગઈંધ કાઢી નાખે.

હમણા હમણા તો જેને આવે તેને મેથીપાક બહુ ખવરાવે છે. કોક કૈક ખોટું કરતો પકડાઈ જાઈ, જેમકે ખોટો પત્રકાર બની ને રોફ મારતો હોઈ, કોક છોકરી ની છેડતી કરતો હોઈ, પોલીસ ની રાહ જોવામાં હવે રાજકોટ વાળા બહુ માનતા જ નથી. એવો ધીબેડે એવો ધીબેડે બિચારા ને  ધોળે દિવસે તારા દેખાડે. બેક દી પેલા એકાદ મંદિર ના ભુવા ને હડફેટે લઇ લીધો.

આજકાલ આ જમીનું ની તેજી મા કેટલાય  જે ફાટેલ ખિસ્સે રખડતાતા એને હાથ મા માલ આવતા બિચારાઓ ક્યાંક મન મોળું કરી ને બેઠા હોઈ એવા કેટલાય ધોકે ધોકે ધીબાઈ ગયા. જુનું ક્યાંક મન મળેલું હોઈ પણ તેદી ફક્કડ ગિરધારી હોઈ, અને અત્યારે માલ હાથ મા માંડ આઈવો હોઈ ત્યારે ઓલી પાછી બીજે ક્યાંક ઠેબા ખાતી હોઈ તો જરાક મન મોકલું કરવા આવા બિચારા એના કોક દોસ્તાર ના ખાલી ફ્લેટ મા ઘરે તો પડોસી ની ટી.વી. ની સીરીઅલું થી કંટાળેલી બાયું બહારથી ફ્લેટ ના આંગળીયા બંધ કરી ગામ આખા ને ભેગું કરી પછી છોકરી અને છોકરા બેય ને ધોકાવે.  પોતાના ઘરવાળા હારે સેટિંગ બગડી ગયું હોઈ એનો ખાર બીજા ઉપર થોડો કઢાય છે. પણ આ તો રાજકોટ છે. આયા ગમે ઈ થાઈ.

બાકી અત્યારે તો વરસાદ ની હેલ પડે છે. લાગે છે ૩ ૪ ઈંચ તો બેક કલાક મા નાખી દેશે.
આઈવ મારા વાલા આઇવ..


તિખારો : મોત ને બાઝો તો તાવ આવે.  નો ખબર પડે તો પૂછજો. 

Friday, January 15, 2010

કાઈઈઈઇપોઓઓઓ છેએએએએએ....

રાઇડુ પાડી પાડી ને ગળા બેહી ગયા રૂપિયા ૬૦ ના કિલા ના ભાવ ની મણ શેરડી  ખાઈ ગયા, ચાર , પાંચ કિલો ક જેટલી તો દાળિયા, સીંગ, સફેદ ને કાળા તલ ને કોપરા ની ચીકી ખાઈ ગયા, એક કાપી ત્યાં બીજી બે તઈણ આવે એવો જામેલો હતો.

ખીયર એટલે ખીયર. જમાનો બદલી ગયો છે. અમે નાના હતા ત્યારે તો સવાર ના પાંચ વાઈગા માં મેડીએ ચડી જતા. આજે તો સાવ બદલાઈ ગયું છે. વેલા વેલા ઉઠી ને આવી કડકડતી ટાઈઢ માં શું કાઢી લેવા નું?  હેય તારે નવેક વાઈગે તો કૈક ટવરક્  ટવરક્ ચાલુ થયું. કયે છે છેલા બે તઈણ વરહ ને રાહે આ વખતે પવન બહુ સારો હતો સવારથી જ. બારેક વાઈગા ત્યારે કૈક બરોબર જાઈમું,  સાંજ સુધી મા તો આંગળિયું માં ચેકા પાડી નાઈખા. મારી છોડીયું એ તો આટલી પતંગુ એની જીન્દગી માં પેલી વાર જોઈ . સવાર ની નવ વાઈગા ની મેડીએ ગઈ ઈ ગઈ. સાંજે સાડા પાંચે અંધારૂ થયું ત્યારે નીચે ઉતરયુ. એને તો જામો પડી ગયો. ને એમાં ય જયારે નવી પતંગ કપાઈ ને મેડી પર ડોકાય એટલે ઠેકડા ઠેકડી, ચીસાચીસી  અને બઘડાટી. ગમે એ હોઈ આ વખતે વાઘરી ના છોકરા ય ઓછા જોવા મઈલા ઝાખરા ના ઝંડા લઈને. શેરીયુ માં પતંગુ કપાઈ ને એમ ને એમ પડી રયે કોઈ લેવા વારુ નો હોઈ. અમારા જમાના માં તો હાથો હાથ આવી જાતા એક પતંગ લૂટવા હાટુ.  છેલે તો પતંગ ને બુસ્કોટ બેય ફાટી જાઈ પણ બીજો આપણી શેરી માંથી પતંગ લઇ ને જાવો નો જોઈ.

ગમે ઈ હોઈ, પણ મારું હારું એક વાત નો સમજાણી, અમે નાના હતા તેદી આઠ આના ની એક પતંગ મળતી. ૫ રૂપિયા ની વાર જમીન કોય સુંઘતું ય નહી એના ૫૦૦૦ થઇ ગયા પણ  છતાય પતંગ નો બાંધો (૫)  આજેય ફક્ત ૧૫ રૂપિયા માં. ભારે સસ્તું. ફીરકી થોડીક મોંઘી થઇ છે હવે ૧૦૦ થી ૫૦૦ રૂપિયા સુધી આવે છે. એ તો આવખતે ખબર પડી સસ્તો ને જાજો માલ લેવો હોઈ તો ખીયર ને દિ વેલી સવાર મા સદર બજાર માં પોચી જાવ તો મફત ના ભાવે બધું મળે ૨૦ ની ફીરકી ને રૂપિયા ૫ નો બાંધો. બોલો આટલું સસ્તું.  હા તમારો ટાઈમ બગડે કાના બાંધવામા પણ એક ના તઈણ નો કરે ઈ રાજકોટ વાળા નહી.  આ વખતે મોદી સરકાર ને પણ ડહાપણ સુઈજુ કે શું,  ચાઈનીઝ દોરી ગેરકાયદેસર જાહેર કરી દીધી. કયે છે દોરી એવી કડક આવે કે ઉડતા નાના મોટા પંખી તો શું, તમારૂ ય  ડોકું વધેરાઈ જાઈ જો ઘા માં આવી જાવ તો. છતાં પણ દેસી ૩ દોરા, ૬ દોરા, ૯ દોરા અને ૧૨ દોરા બરોબર પાયેલ હોઈ તો ખેંચી કે ઢીલ દઈને ય કાપવાની ભારે મજા પડે. પેલા તો કોક ની કાપો એટલે માણસો થારી વાટકા ને ઢોલ વગાડતા હવે થોડોક ફેરફાર થયો છે, ટેપુ ને  એમ્પ્લીફાયર ઘરી ગયા છે. એના મરી ગયેલા બાપ ને સ્વર્ગ માં ય સંભળાય એટલા તો પાછા જોર જોરથી વગાડે. કોઈનું કાને પઈડુ સાંભરવા નો દ્યે.  તોય જુના જાણકારો નું એવું કેવું છે કે આ વરસે બહુ ઓછા માણાહ મેડીએ ચઈડા. ગામ બહાર ફાર્મ હાઉસ ઉપર માણાહ બહુ વયું ગયું.  આમેય રાજકોટ ની આવી મોઘવારી માં લીધેલ ૬૦ ૭૦ વાર ના મકાન ની મેડી એ કેવડી હોઈ?. અને માથે ચડે તોય એમાં સમાય  કેટલા? અટલે કદાચ ઓછા દેખાતા હશે.

પણ જે હોઈ એ રાજકોટ નો એકેય ચોક એવો નહિ હોઈ જ્યાં ગોશાળા વાળા ફાળા ઉઘરાવવા નહિ બેઠા હોઈ. અમારા કોટેચા ચોક માં તો ૨૫ ૩૦ જેટલા ગોશાળા વારા ઓએ તો બે માણાહ બેહી શકે એવા મંડપ નાખી દીધા હતા આગલા દિ થી જ. મકર સંક્રાંતિ એટલે દાન પૂન નો દિ એટલે ગો શાળા વાળા તો હોય જ ને. ભક્તિ નગર માં એક લાખાભાઈ પટેલ છે એતો દર વરસે આ દિ માટે ટેક લ્યે , સવાર થી બેહી જાઈ ઘર ની બારે ગોશાળા માટે ફાળો ઉઘરાવવા,  આ વરસે ટેક લીધેલી કે જ્યાં સુધી ૩ લાખ રૂપિયાં રાજકોટ ગોશાળા માટે ભેગા નો થઇ ત્યાં સુધી ઉપવાસ ને પાણી નું ટીપુંય મોઢા માં નહી મુકે. આટલા વરસ થયા પણ રાજકોટ ની માણસાઈ કેવી, સાંજે એને ઘરે જમવા ભેગા કરીજ દ્યે, જેટલા ની ટેક લ્યે એટલા રૂપિયા ભેગા થઇ જ જાઈ.માણાહ ક્યાય ક્યાય્ય થી દેવા આવે.

તિખારો : ખીચડો એટલે ખીચડી નો મોટો ભાઈ. બધાય ધાન (ઘઉં, બાજરો, જાર, ચોખા,...) ભેગા કરી ને બા એ ઘરે ખાંડેલો , એને બાફી ને તેલ ની સાથે  ખીયર ની સાજે બધા સાથે બેસી ને ખવાય અને જે તમારે ન્યા અમેરિકન્યા ટીન પેકિંગ મા ય નો મળે ઈ.

Friday, January 1, 2010

કંકુ, દુધી અને પભલીની 31st december

તમારે નયા અમેરિકા માં ભલે મંદી ના મોજા હિલોળા લેતા હોય આયા અમારે રાજકોટ માં 31 મી ડીસેમ્બરે ૪૦ ની કમર પર ટૂંકું સ્કર્ટ ને માથે કટ બાય નો બુસકોટ પેરી ને ભલે ને તઈણ તઈણ છોકરા ની માં હોઈ પણ શું  બાયું નાંઈચી છે? સવાર ના છાપા માં ફોટો જોઈ ગરમા ગરમ ચા એ ય ટાઢી પડી ગઈ. છાપા ક્યે છે છેલ્લા દસકા માં રાજકોટે બહુ પ્રગતિ કઈરી છે. 1999 માં રાજકોટ માં ૪૦૦૦ મોબાઈલ ને ૨૦૦ internet ના connection હતા એ હવે 4.75 લાખ મોબાઇલ ને 17000 internet connection સુધી પોગી ગયા છે. છોકરાઓ એ ભણે ય ભારે કાઠું કાઈઢું છે, જીલ્લા ની 127 કોલેજું માં થી 329 થઇ ગઈ. પેલાતો ખાવા પીવા હતી બે કોલેજું , PDM(માલવિયા સેઠ ની ) ને DH(દિગ્વિજયસિંહજી ) કોલેજ જે માં આર્ટસ ને કોમર્સ ભણાવે, બહુ થઇ ગયું અને હવે તો નવું ભણતરેય પાછું  કેવું આઈવું છે એન્જીનીઅરીંગ, મેડીકલ, એરોનોટીક્સ, હોટેલ મેનેજમેન્ટ અને ફીજીઓથેરાપી. પાછું ચા કરતા કીટલી ગરમ, કોલેજ વધી તો વધી પણ હોસ્ટેલુંય તો શેરીએ ને ગલીએ થઇ ગઈ છે. ૧૮ હતી 1999 માં અને હવે ૪૯૦ થઇ ગઈ છે ,કાલાવડ રોંડ પેર રેતા હોય એને તો એવું લાગે કે જાણે એય  હોસ્ટેલ માં રયે છે એટલી હોસ્ટેલું.

નવીન તો એ છે કે પેલા બાયું સાતમ આઠમ નો મેલો ભરાય ત્યારે લખમણ ,કાનો ને જે શી કિશન ને જઈ ખોડીઆર એવા ત્રાજવા તોફાવતી ઈ આખી જિંદગી રેતા ,અત્યારે તો રાજકોટ માં બ્યુટી પાર્લર નો રાફડો ફાઈટો છે ૩૦૦ તો કાયદેસર corporation ના ચોપડે છે .બાકીના કેટલા ઈ એતો હાલીયો ભાઈ જાણે .રાજકોટ માં ઘણા જુના માલપાની માંણાહ રયે અને એની પાહે ૩લાખ સુધી ની ગાડી ફેરવતા અત્યારે બાપ કમાઈ ના બાબુડિયા એવા હાલી મઈરા છે કે ૮૦ લાખ સુધીની ગાડી યુ રાજકોટ મા એ ફરે છે .બાકી તો બીજું શું કવ રાજકોટ માં પેલા એક સારી હોટલ નોતી ,ગામમાં બસ સ્ટેશન પાસે લોજુ માં માણસો પૈડા રેતા ,પણ છેલ્લા દસકા માં જે હોટલું થઇ છે રાજકોટમાં Imperial palace, seasons-grand bhagavati(TGB), grand regency, pradhyuman lords, એકાદો દી રહી તો જોવો તો ખબર પડે , અમેરિકાની hiltonu ને holiday innu ફીફા ખાંડે એની પાસે .કોક રાજકોટ ની આવી હોટેલ માં રહી  ગયો હોઈ એને પુછજો .ક્યે છે કે રાજકોટમાં ૧૨ cinema બંધ થયા ને ૪ multiplex નવા આઇવા ને 5 -5 FM રેડીઓ  ચેનલ ચાલુ  થઈ સે ,ખબર નહિ આકાશવાણી ને કોઈ સાંભળતુય હોઈ હવે .પાછું એમાં ઠાલે ઠાલું એવુંય નથી ,રાજકોટની કોર્પોરેશને  સારા એવા worldbank ના  ઉછીતા પાછીતા કરીને પણ પોતાના બધાય બિલ્ડીંગ જેવા કે બધાય ward મા નવી ઓફીસ, કોર્ટ  બિલ્ડીંગ ,કમિશ્નર કચેરી ,રાજકોટ જંકસન, PGVCL ઓફીસ, ભક્તિનગર રેલવે  જંકસન, ને કલેકટર  કચેરી કુવારી છોકરી ના ગાલ જેવા નવા નાકોર કરી નાઈખા છે .

અધુરામાંપુરા સારા માનો માલ ખાઈ ખાઈને ખુટીયા થયેલા કોર્પોરટેરો એ ચર્બી ઉતારવા ,ઇનડોર સ્ટેડીઅમ  ,જીમ્નેસીયમ ,તઈણ  સ્વીમ્મીંગ પૂલ ,સાત નવા ટેનીસ કોર્ટ ,છ બેડમીનટન કોર્ટ અને કેટલીયુંય સ્કેટીંગ ની રીન્ગું કરી નાઈખા છે .આ ઉપરાંત તાજી હવા ખાવા ઈશ્વર્યા પાર્ક ને પ્રદ્યુમન પાર્ક ને બહુ બધા બગીચા ઓ પણ બહુ સરસ બનાઈવા છે .બાકી તો બીજું શું કેવું રાજકોટ ના ગમે એને પૂછો બધાય એકાદો વાર તો mercedes માં બેઠોજ હોઈ ,ટાઢા પોર ની નથી હલાવતો ,આખા ઇન્ડિયા માં ક્યાય હોય એવા સગડ નથી પણ રાજકોટ માં ટ્રાવેલ વાળા રાજકોટ અમદાવાદ વચ્ચે જે બસ ચલાવે ઈ  છે mercedes અને વોલ્વો કંપની ની .બોલો છે તમારે ત્યાં ? બાકી રાજકોટ ઉપર આવી ગયું છે ને?

અને છેલ્લે નો પાર્કિંગ માં જ વાહન પાર્ક કરવાની ,કે લેફ્ટ માંથી જ બીજા ના વાહન ને ઓવરટેઈક  કરવાની, કે બપોરે ખાઈ ને સુઈ જવાની  કે રાઈતે  મોડે સુધી રેસકોર્સ  બેહી ગપાટા ઝીંકવાની ,કે  આઈસક્રીમ ખાવાની , કે સવારમાં ગરમા ગરમ ચા સાથે વણેલા ગાંઠિયા, લાલ મરચા ને કાચા પોપૈયાનો સંભારો પેટ માં પધરાવવાની , કે પછી જેને માટે સુપ્રિમ કોરાટેય કાઈ ઉખાડી સઈકી નથી એવી બાપીકા rights ધરાવતી પાન ની પિચકારી જાય ત્યાં મારવાની આદતો હજુ ય અકબધ છે જે રાજકોટ ની ખરી ઓળખાણ  છે.

બાકી આયા નવા વરહ મા બધા ટેસડા કરે છે  બધા ને જાજા કરી ને બે નમ્બર્યા happy new year (એક નમ્બર દિવાળીએ કઇરાતા ઈ) અને  તમેય ઊંધું ઘાલી ને વરગી જાવ  તો ઓબામાં ને white house મા સારી ઊંઘ આવે...

Thursday, December 17, 2009

ક્રિકેટીયો વા અને હરખપદુડા ની જાન

કોક નો ધણી મરે ને હૂ રાંડી રાંડ થાવ એવુ રાજકોટ નુ વાતાવરણ હતુ છેલ્લા બે દી થ્યા. જેનુ પૈણવા ટાણે ઘોડૂ હાલ્તુ ય નથી એવી ઇન્ડિયા ની ટીમ ના ગઈઢાઓ (આ છોકરાઓ ની મોઇ ડાડીંયા જેવી રમત કેવાય) રાજકોટ ના ક્રિકેટ ગ્રાઉન્ડ મા ૧૨-૧૨ વરહ ના ટેણિયા જ્યા છક્કા ઉપર છક્કા મારે એવા ટિચુકડા ગ્રાઉન્ડ પર ૪૧૮ રન મારી દીધા તો ઠેઠ અમેરિકા બેઠેલા કેટ્લાય હરખપદુડા ખાટ્લા માથી હેઠા પડી ગ્યા હશે. કેવુ પડે ભાઇ શૂ સેહવાગ રઈમો? તેન્ડુલકર એટ્લે તેન્ડુલકર! તંબુરો તારી માસી નો! રઈમો તો સાન્ગાકારા ૪૩ બોલ મા ૯૦ ઠોકી દીધા.બચારા તારન્ગા ને રાજકોટ નો આઈસ ક્રીમ ખવરાવી કઢી જેવા શેડા કાઢતો કરી દીધો અને તોય ભાઇડા ની વિકેટ પાડવા મા આપના ગઈઢાઓ ને ફીણ આવી ગ્યા.આતો બિચારા શ્રીલંકા વાળા ના નસીબ મા પાંદડુ એટ્લે તેન્ડુલકર થી ઓલા નવાણિયા મેથ્યુઝ નો કેચ થઈ ગ્યો બાકી બહુ આઘુ હતુ જ નહી ને જો એકાદો ફટ્કો લાગી ગ્યો હોત તો જોયા જેવી હોત બધાય ની. આજ રાજકોટ વાળા રાતી લાલ જેવી કરી દેત.


આતો દોઢ અબજ ની વસ્તી માથી જ કમાવાનુ છે એ બીસીસીઆઈ અને આઈસીસી ને ખબર છે એટ્લે જ્યારે વાર તહેવારે એકાદો ૫૦ ૧૦૦ રુન મારે એટ્લે આ ૨૦ ૨૦ વરહ જુના ગઈઢા ઓ નુ વાહ વાહ કરવા માંડે અને એમા પાછા એની જાતને જોડા મારુ એવા પત્રકારો ય વરગી પડે.

અમારુ કાઠયાવાડ તો ખાનદાનો ની ભુમી છે, જોગીદાસ ખુમાન ની ભુમી છે જે દુશ્મન નાય ઓવારણા લ્યે અને બીજા હારુ ખપી જાઇ પછી ભલે ને રમત નુ મેદાન હોઇ કે રન મેદાન.આમેય આપણી ટીમ બીજે દેશ રમવા જાઇ ત્યારે હારે જ છે, એકાદો વધુ, અમારી રાજકોટ ની આબરુ તો રહી જાત. હવે જે થયુ એ નવી ઘોડી નવો દા. આ ગઈઢાઓ સમજે તો હારુ.


બાકી તો આય રાજકોટ મા હવે આધેડ અને બૂઢિયાઓ જ રઈ ગ્યા છે. જુવાનીયા તાજે તાજા પૈણી ને હનીમૂન મા ભાગી ગ્યા છે. એટ્લે આ લગનગાળો પુરો થતાજ શાક્ભાજી સાવ મફત ના ભાવે મળવા માઇંડુ છે. કુદરત નુ શુ કેવુ, ઓલો અલ ગોર રાઇડુ પાડી પાડી ને હાહ ધમન થઈ ગ્યો પણ કોઇ એનુ માનતુ નથી પણ હજુ પુરો શિયાળો બેઠો નથી ત્યા આયા ગીર મા એક્દમ પીળી હળદર જેવી કેસર કેરી પાકી ગઈ છે ને માર્કેટ મા પણ વેંચાવા આવી ગઈ છે. ૩૦૦ ની કિલો છે. પાંચ છોકરા ની મા ભાગી ને બીજા લગન કરે એ કાઈક હવે સમજાય પણ આ વગર ઉનાળે ને ભર શિયાળે પાકી કેરી? કળયુગ બરોબર બેઠો છે હવે...

હવે જે હોઇ ઈ અમે તો ગરમા ગરમ મફલર ને વાંદરા ટોપિયુ પેરી ને રાઇતે તાપણે બેહવા માઈંડા છિયે.. તમ તમારે ય બે બે ગોદડા ની સોઇડ કરીને ઘોટાઇ જાવ.

Tuesday, December 8, 2009

દયા પ્રભુ ની ધરમ ની જય...

સૌરાષ્ટ્ર ની ભુમિ સંત સુરા અને બહારવટિયા ની કેવાણી છે. એટ્લે જ આયા કેવાણુ છે કે .

જનની જણ તો જણજે કા દાતા કા સૂર,
નહિતો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર .

અને આજેય પણ કાઠિયાવાડ ના કોઇપણ ગામે જાવ તો ગામ ની બહાર પાળિયા હોઇ. ગામમા કોઇક શુરવીર થઈ ગ્યા ની ઈ ઓળખાણ હતી. આ શુરા એટ્લે ઘરવારી યે બટેટા કાપવા બેહાઈડા હોઇ ને આંગળી કપાઇ જાઇ ને દેવ થઈ ગ્યા હોઇ ઈ નહિ, આતો ગામ ની ગાયુ વાળવા કે ગામ ભાંગવા લૂટારા આઇવા હોઇ એની હારે લડતા લડતા ખપી ગ્યા હોઇ એની વાત છે.એના પાળિયાઓ ને સિન્દૂર ને ધુપેલિયા થાઇ.

મારે વાત કરવી હતી સંતો ની. કાઠિયાવાડ એ સંતો ની ભુમિ. આજે પણ ગામે ગામ કોઇ ને કોઇ સાધુ સંતો ના વિસામા હોઇ જ. સત્તાધાર આપા ગીગા ની જઈગા, વિરપુર જલારામબાપા ની જઈગા, પરબ વાવડી સંત દેવિદાસ અમર મા નુ તોરણીયા ધામ, પાળિયાદ બાપુ ની જઈગા, બગદાણા બજરંગદાસ બાપા, સ્વામિનારાયણ નુ ગઢડા, સારંગપુર, ભારતી આશ્રમ જુનાગઢ, કેટ કેટ્લી જઈગા. બધેય ઓટલો મળે અને ચોવિસ કલાક અન્નષેત્ર ચાલુ.

વાત મૂળ છે રાજકોટ ના ભક્તો ની, એના ભક્તિ ભાવ ની. ભારે શ્રધ્ધાળુ બાકી, કોઇનોય આભળછેટ નહિ.એવુ કેવાય કે બાવા બઈના હે તો રાજકોટ આવવા પડે.. બસો પાંચસો માથા મળી જ જાય. આ ગામ મા બધી જાત નો ફાલ મળે. સ્વાધ્યાય કે સ્વામિનારાયણ, કે,આર્ટ ઓફ લિવીંગ કે બ્રહમાકુમારી કે હરિ ઓમ તત્સત કે, પ્રણામિ, કે હવેલી વાળા વૈષ્નવ કે પછી ભલે ને મોરારી બાપુ ને રામદેવજી મહારાજ હોઇ રાજકોટ મા સંધાય ના શીષ્યો મળે. (unity in diversity) યુનીટી ઇન ડાઈવર્સીટી મા માનવા વાળા પાછા બધા એક શેરી મા રેતા હોઇ ને કોઇ ના પણ ગુરુ ગામમા આવે ત્યારે નોતરૂ હોઇ કે નો હોઇ ગુંદી ગાંઠિયા ખાવા ને બાપુ, બાપા કે સંત ના દર્શન ને આશિર્વચન સાંભળવા પોગી જ જાઇ. મારી કુળદેવી ખોડિયાર હોઇ કે તારી હોઇ આશાપુરા , ઉંઝા મા ઉમિયા મહોત્સવ હોઇ એટ્લે બધાય પાણકોરા ના બે જોડી કપડા લઈ થેલીયુ ભરી ને બસુ મા બેહી જાવાના. ગમે એટ્લા મેદાનો હોઇ એ ટુંકા પાડી દયે એટ્લુ માનાહ ભેગુ થાઈ. પાછુ એવુ નથી કે ધરમ કરમ ના કામે જ લોકો ભેગા થાઈ, સ્વામી સચ્ચિદાનંદ, કે સ્વામી ધર્મબન્ધુ કે ગુણવન્ત શાહ કે સારા પ્રવચનકાર ને ન્યાય તડાકો પડે. અને છેલ્લે ભીખુદાનભાઇ ગઢવી કે હેમન્ત ચોહાણ કે દિવાળીબેન ભીલ કે, કોઇપન ગઢવી નો લોક ડાયરો ગમે ન્યા હોઇ, કલાકાર ગમે ઇ હોઇ, બસ જાવુ એટ્લે જાવુ જ. હમજાય કે નહી રાજકોટ મા રેવુ હોઇ તો જાવુ તો પડે જ.વેવાર મા રેવુ હોઇ તો જાવુ પડે જ.



બાકી શિયાળો હવે માંડ બેહુ બેહુ થઈ રયો છે ત્યારે તાજે તાજા લીલા મજાના શાક ભાજી ને ફ્રુટ ની રેકડીયુ હડિયુ કાઢે છે. અને આ લગન ની સીઝન ની તો શુ વાત કરુ, આ ૨૦૧૨ ફિલમ આવી છે ત્યારથી બધાય કુંવારા ને હવે પૈણવા ચઈડો છે, ગમે એવી દેખાતી હોઇ છોડી, બસ બધાય ને માંડવે બેહી જ જાવુ છે, ક્યાક રહી નો જવાય ની બીકે.

તયે હાલો હવે આ ટાઈઢુ મા જિંઝરા ને શેઈડી ને અડદિયા ને તલ સાંકળી ને ચીક્કી ની મોજુ લૂટ્વા આવી જાવ રાજકોટ...

Saturday, November 14, 2009

એયેયેયે બરીક નથીઈઈઇ... (Bicycle without Breaking Gear)

"હેય્ય્ય્ય્ય્ય્ય, ફુર્ર્ર્ર્ર્ર, પોહે, પોહે, હેય્ય્ય્ય્ય્ય, કાનીયા વાઈર એ ચાંદરીને " આ છે અમારા લખમન ભરવાડ ની રાઈડ.

ભરવાડ, રબારી, હિદડા, માલધારી ઈ બધાય નોખા.ભગવાન ક્રુષ્ણ ના આ કેહવાતા વંશજો ની કુલદેવી હિંગળાજ માતા, બહુ માને એમા. ભરવાડ માં ય પાછી બે જાત , નાનાભાઇ ભરવાડ અને મોટાભાઇ ભરવાડ, નાનાભાઈ વાળા ૧૦૦% ચાંદી ના સળિયા ને વાળી ને બનાવેલૂ કડુ એવુ આદમી હાથે પેરે અને બાયુ પેરે પગે. મોટાભાઈ ભરવાડ મા ચાંદીના કડા ના સળિયા મા અંદર સ્ટીલ નો તાર નાખેલો હોઇ અને જેમા એક છેડે ડટ્ટિ જેવુ હોઇ. એટ્લો જ ફરક. ભરવાડ પેલા તો પોતાની અને ગામની ગાયુ જ ચરાવતા. પણ હવે જમાનો બદલાયો છે. ને ભેંશુ રાખી ને ડેરિયુ મા દુધ ભરે (selling milk to Local Dairy) ને કાં તો ઘરે ઘરે દુધ વેંચે,ને એમા ય પૂરુ નો થાઇ તો રેંક્ડા ખેંચી ને મજૂરી કરે, એમાથી ઘર હલાવે. 


મે અગાઉ લઈખુ તુ એમ રાજકોટ ની ચા વખણાય એ આ ભરવાડ ની રેક્ડી ની ચા. દારુ પીધો ઉતરી જાઇ કે અફિણ લગાઇવુ હોઇ તોય ઝોલા આવે પણ અમારા કાના ની રેક્ડી ની કડક મીઠી અડધી પીધા પછી તો સુવાની ગોળિયુ લ્યો તોય નિંદર નો આવે. રાજકોટ મા ચા ની રેક્ડીયુ મા ભરવાડો ની જાને મોનોપોલી થઈ ગઈ છે.

આમતો ભરવાડ એટ્લે સાવ દેસી અબૂધ, કાઠીયાળી, કસાએલા બાવડાવાળી મજબૂત બાંધા ની પ્રમાણિક પ્રજા. હેઠે જાડા સુતરાઊ કાપડ ના ધોતિયા ને ડીલે હોઇ બટન વીનાની બંડી કે ખુલી કસ નુ કડિયુ, બધુય હંસલા જેવુ ધોળુ, ને માથે પેરે ઘાટી લાલ પનીયા ની વાળેલી પાઘડી.કાનમા ઉપર હોઇ નાની પોખાનીયુ ને ગળા મા બે તઈણ કાળી લાલ માળા ને પગમા ૫ કિલો નુ એક થાઇ એવા અણીદાર જોડા કમ મોજડીયુ.બધાય આધેડ ને વેઈત વેઈત મુછ હોઇ. કોટ ની બંડી ને ઉપલે છેડે હોઇ કાન ખોતરિયુ ને એકાદિ સેફટી પિન ને ખીચા મા હોઇ એકાદી તમ્બાકુ પીવાની હોકલી ને રૂમાલ. પછી હાથે બાંધી હોઇ મોટા ડાઈલ વાળિ એચએમટિ (HMT  brand wrist watch). બાયુય પણ એની કાઠાળી , કાળી કામળી માથે ઓઢી હોઇ, લાલ ભરત ભરેલુ કમ્ખુ છાતિયે ને કાળુ જાડુ કાપડુ ઘાઘરા ની જેમ પેરે. કાન મા તો ઉપર થી નીચે પોખાનિયુ ને વેઢલા ને વાળિયુ ને કેટલ્યુ ય હોઇ અને પગે પાછુ ચાંદીનુ કડુ તો ખરુ જ. અધુરામા પૂરુ આખે શરીરે છુંદણા ત્રોફાવેલા હોઇ કીલો ના ભાવે.ખાલી જગા નો મળે.

ભરવાડ ના ખોરાક પણ કેવા બપોરે જાડા ટિપેલા ઘઊ ના તઈણ ચાર રોટલા ને છાસ ને મર્ચુ હોઇ ને સાંજે તો જાર બાજરા ના રોટલા ને દુધ, બસ. શાક્ભાજી કે ફ્રુટ નુ નામ જ નહી. ભરવાડ ને કાળા અક્ષર ભેંસ બરાબર, અમારે ઝવેરભાઇ ને પુછો તો ક્યે " અરેય ભણવાનુ, નિશાળે મુકો તો રખડવા જ ભાગી જાઇ, અમારે ઘોડાના ભણે જ નહિ, બે તઈણ ચોપડી તો બવ થઈ ગ્યુ."

ભલે લંડન ને અમેરિકા મા છોકરિયુ ૧૫ ૧૬ વરસે માબાપ ને પુઈછા વીના લગન કરતી, આય તો કાયદેસર પેટે ચાંદલા થાઇ. પેટે ચાંદલા એટ્લે જનમ્યા પહેલા લગન ગોઠવવા. બે ભરવાડ ભેરુ હોઇ ને બેય ની ઘરવારી ને સાથે સારા દિવસો જાતા હોઇ અને બેય સામે સામા પેટે ચાંદલા કરે તો એમા જો એક ને ન્યા છોકરો ને બીજા ને ત્યા છોકરી આવે તો કાઇ લીધા દીધા વગર નો સંબંધ પાકો. સોળ સત્તર વરસ ની દીકરી થાઇ તેદી લગન લઈ ને આવવાનુ ને દીકરી ને  લઈ જાવાની. તમે પુછ્સો કે આમ કેમ,સાઈનટિસ્ટો ને ચક્કર આવી જાઇ એવી વાત છે પણ આ કોમ મા છોકરા ની લાઇનુ લાગે. છોકરી નો દુકાળ.અમારા ઝવેરભાઇ ને પાંચ દિકરા કાનો, લખમણ, ટિલયો, ચોથો અને પાંચો. એકેય છોડી નહી. આ ઝવેર ની વહુ ૩૦ વરહ પેલા ઉપેર વઈ ગઈ પણ એક્લે હાથે પાંચેય ને મોટા કરી ને કાના ને લખમણ ને તો પઈણાવિ પણ દિધા છે.આ ભરવાડ મા પેલા તો દીકરી વેંચાતી. "જો હિરા ૫૦ તોલા સોનુ ને ૨ કિલો ચાંદી થાઇ તેદી વાત કરવા આવજે, ન્યા સુધી કેતો ય નહી." આવો તો રુઆબ છોકરી નો બાપ કરે. હા ૫૦ તોલા સોનુ ને ૨ કિલો ચાંદી તો દેવી જ પડે તયે છોકરો પઈણવા ભેગો થાઇ. એટ્લે જાજી છોકરી નો બાપ તો ગાડિયુ મા ફરતો હોઇ. મોટે ભાગે તો સામે સામા લગન વધારે થાઇ, સામે સામા એટ્લે, હિરા ની છોકરી લવજી ની ઘરે ને લવજી ની છોકરી હિરા ની ઘરે. ભાઇ બેન ને જ સાળા-વહૂ બનાવે. તમે કહેસો કે આટ્લા રુપિયા ક્યાથી કાઢવા.લ્યો તયે નાત્ય કેનુ નામ? લગન ટાણુ થાઈ ત્યા સુધી દિકરો ને બાપ કાળી મજૂરી કરી કરી ને સોનુ જ લીધે રાખે ને પછી લગન ટાણે છોકરા નો બાપ, ઘટે તો સગા વ્હાલા પાસે થી ઊછીતા લ્યે. લગન મા બધા જમવા આવે એટ્લે હાથઘઈણુ કોક ૧૦૦ રુપિયા કોક ૫૦૦ કોક ૧૦૦૦ રુપિયા એવુ દયે( જેવો વેવાર), આવુ બધુ ભેગુ કરી ને પછી લગન કરે. પાછા જો કોઇક ગઈઢા મરી જાઇ એટ્લે આખી નાઇત ના બધા ઘર ૨ કિલો ખાંડ અને ૧૦૦ રુપિયા લઈ ને ખરખરો કરવા આવે. ડોહા નો દાડો કઈરા પછી પણ ૨ ગુણી ખાંડ ને ૨૦  ,૨૫,૦૦૦ રુપિયા વધે.


અમારે કાના ચા વાળા ના બાપા વેલા ઉપર વઈ ગ્યા છે એટ્લે બિચારો ૨૫ વરહ પોગી ગ્યો છે તોય ઘરવાળી વારો થયો નથ અને સોનુ ભેગુ કરવામા પઈડો છે, તમારે કોઇ ન્યાની ભુરી નુ માંગુ (engagement) નાખવુ હોઇ તો કેજો....

Monday, November 9, 2009

લંકાની લાડી ને ઘોઘા નો વર

કોથમીર કી કલી, રંગ બહાર, રંગ સંગમ, કેસર લાડ્ડૂ, નામ સાંભળીને પડી નો જાતા, આ છે રાજકોટ ના લગન ની મજા. લગન ની સિઝન આવે છે એટ્લે બધા ધંધા વાળા સજાવી ધજાવી ને છાપા મા જાહેરાતુ કરવા મઈંડા છે. હેય તારે ભાત ભાત ના લુગડા વાળા, કેટરર્સ , મંડપ સરવીસ અને પાર્ટી પ્લોટ વાળા બધુ ઠીક્મ ઠાક કરવા મઈંડા છે. સિઝન આવે છે ને ભાઈ .આમતો આ વખતે સારા મુહુરત મા ૧૪ દી જ લગન છે ૧૫ મી ડીસેમ્બર પછી તો કમુર્તા બેહી જાશે, પણ તમારે થેન્ક્સ ગિવિન્ગ્યા અને ક્રિસમસયા વેકેશન વાળા એન આર આઈ ને કમુર્તા ય નથી નડ્તા. પૈણ્વા ચઈડો હોઇ એમ ઉભે ઘોડે આવી ને મુરત જોયા વીના લગન કરી જાઈ પછી બે મહિના મા થાઈ છુટાછેડા ત્યારે માથુ પકડી ને રોવા બેહે. પણ જે હોઇ ઈ આ વખતે છાપુ ક્યે છે ખાલી રાજકોટ જ બે તઈણ કરોડ ખર્ચસે લગન વાહે. પેલા તો ૨૦૦૦- ૫૦૦૦ રુપિયા મા લગન થાતા. હવે ૨૦-૨૫૦૦૦ રુપિયા મા લગન કરવા હોઇ તો શેરી મા માંડ્વા નાખવાના, ને ચમચી વીના ના વાઈટ્કા સાથે સ્ટીલ ની થાળીયુ મા ગાંઠિયા, લાડૂ, બટેટાનુ રસાવાળૂ શાક, સંભારો, દાળ અને ભાત જમાડી દેવાના તો જ પતે.

હા બાકી જો પટેલ્યા યે એકાદ કટ્કુ જમીન/ખેતર વેંચ્યુ હોઇ તો પછી લગન પાર્ટી પ્લોટ મા જ હોઇ. સાંભળી ને બઠા નો વરી જાતા, ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ તો ખાલી પાર્ટી પ્લોટ નુ ભાડુ હોઇ, મંડપ વાળો પાછા ૨૦-૨૫૦૦૦ નુ બિલ કરે. કેટરરિંગ માટે તો જેવી શક્તિ એવી ભક્તિ. રુપિયા ૫૦ થી ૭૦૦ ની ડિશ રાજકોટ મા મળે.૧૦૦ રુપિયા પક્ડો તોય ૩૦૦ માણાહ ના રુપિયા ૩૦,૦૦૦ ખવડાવવાના થયા.

પણ પાર્ટી પ્લોટ ના લગન પણ કેવા? માણાહ આવે એટ્લે સ્વાગત કરવા જજમાન આખુ ઘર લઈને ઉભા હોઇ ને આવો આવો કરે ને પછી અંદર આવવા દે. અને અંદર પ્લોટ મા તો ડેકોરેશન પણ કેવુ, હેય તારે પાચ છ જગ્યાએ નોખા નોખા કાઊન્ટર કઈરા હોઇ, એમા એકાદ ઉપર બે તઈણ જાતના સુપ હોઇ અને હારે પનિર ફ્રાય કે ચાઈનિસ ફ્રાય દેતા હોઇ તો ક્યાક ગરમા ગરમ ભજિયા ને હાંડ્વો ને જલેબી ને સુખડી મલતી હોઇ. એકાદ કાઊન્ટર પર ડાયેટીયા ઓ માટે પાછુ સલાડ ને પાપડ ને અથાના ને રાઈતા જમાવેલા હોઇ. મેઈન કાઊન્ટર ઉપર જાને કે ભઠ્ઠી માથે બેહી ને ખાતા હોઇ એવા ગરમા ગરમ રોટ્લી, નાન, પુરી, બિસ્કુટ પરોઠા ઉતરતા હોઇ સાથે હોઇ બે તૈણ પંજાબી અને દેસી શાક . ને એક બાજુ પાછા ચાઈનિસ ભેળ, નૂડલ અને મન્ચુરિઅનવાલા બકડિયા ખખડાવતા ભડકા કરતા હોઇ. છાસ ને પાણી વાળા ય એક ખાંચા મા ટેબલ નાખીને બેઠા હોઇ. (આ રાજકોટ મેઈડ ફિલટર વોટર ના ભંભા હવે કોમન થઈ ગ્યા છે) જારવી રાખજો હજુ પુરુ નથી થ્યુ, રાજકોટ મા રેવુ ને આઈસ્ક્રિમ નો હોઇ બને નહી, એક કાઊન્ટર ઉપર પાછુ તાજો સિઝનનો સિતાફળ નો આઈસ્ક્રિમ હાલતો હોઇ. અને છેલ્લે ૧૦ ૧૫ જાતના મુખવાસ ના મોટા વાટકા ભરેલુ કાઊન્ટર હોઇ. કેટરર્સ વાલા ય સોફેસ્ટિકેટેડ થઈ ગ્યા છે. ભાડા ના કપડા પેરાવી ને અપટુડેટ કરેલા જુવાનિયા છોકરા છોકરીયુ જાને પ્રિન્સ ચાર્લસ ના લગન મા કેમ આઇવા હોઇ એમ ઉભા રહી સર્વિસ કરતા હોઇ. પફ્ફ પાવડર મારેલી છોકરી આવી ને "સર, ગીવ કેસર લાડૂ?" એમ ક્યે એટ્લે અમારા કાનજી ડોહા બાટ્લીગ્લાસ ના ચસ્મા માથી છોડી ને જોવે, ને છોકરો જે હાથ મા લાડૂ ની થાળી ભરી ને ઉભો હોઇ એને જોઇ ક્યે નાઇખ લે ત્યારે બે તઈન. બોલો આમા પેટ ફાટી જાઈ કે નહિ પણ માનાહ ઉપાડી ઉપાડી ને દાબે.

પેલા જમાના મા લાલ જાજમ ના પટ્ટા પાથરીને પલાઠીભેર બેસતા, ને પિરસણયાઓ તઈણ વાર પિરસવા આવ્તા અને પછી છેલે જજમાન આવતા આગ્રહ કરવા , જેવો મેમાન, એવુ જોર કરીને ખવરાવવાનુ. ખાવા વારા કરતા ખવરાવવા વાળા જોરુકા રાખવા પડ્તા કારણકે જે મેમાન ના મોઢા મા લાડવો મુકો એ મેમાન પણ સામે તમને અડધો લાડુ ખવરાવે, ટુક્ડે ટુક્ડે એકાદ ડોલ લાડુ ખાવા પડે. પણ તેદી માનાહ ખાધે લોઠ્કા હતા. હવે તો થઈ ગ્યા છે બુફે.ઉભા ઉભા ભરડ ભરડ ભઈડે રાખવાનુ. અમારી બા ને આ બુફે વિશે જમવાનુ પુછો તો ક્યે હારુ રખડી રખડી ને વાઘરી ની જેમ ખાવાનુ. શુ ખાવુ ને શુ નહિ. અડ્ધા ભુઇખા રહી આમા તો.


બાકી લગન કેવા થાઈ છે એ પછી ક્યારેક વાત...લ્યો ત્યારે હમણા મગ નો શિરો જાઈપટો છે એ પચાવી લવ . તમ તમારે વાસી પિઝા ને ચલુપા ના ઓડ્કાર ખાધે રાખો..

Sunday, October 25, 2009

GJ-3CN 3069 Suzuki Access - ૨ પેટ્રોલ ને ૧ કેરોસીન

પછેડી કરતા સોડ વધારે તાણી નાખે પછી શુ થાઈ, અમુક માણાહ તો ભિખુ કાસીરામ થઈ ગ્યા છે. પન તોયે હાઈકે રાખે છે. મારા હારા ગાડીયુ હાથી જેવી મોટી મોટી રાખે પણ પેટ્રોલ ના પૈસા ગામમા ગોતતો ફરે. આપણ ને ક્યે હાલો ધોરાજી બટેટા ખાવા, બે હી જાવ ગાડી મા ને જેવો ગામ બારે ગાડી કાઢે તરત આપણ ને ક્યે લે ત્યારે પાચક લિટર પેટ્રોલ નખાવી દે. બોલો આનુ શુ કરવૂ?

અમારા મગનભાઈ કેતા કે પેલા તો અમે પંખા વીનાની બાપા ની સાઇક્લ ફેરવતા. બાપા બપોરે સુતા હોઇ ત્યારે બે ત્રન ભેરુ ભેગા થય આખે આખી સાઇક્લ ઊપાડી ને આઘી લઈ જાઇ (બાપા ઊઠે ને જોઇ જાઇ તો ઢિંઢા ભાંગી નાખે) પછી બે જન પક્ડે ને એક ઊપર ચડે ને પછે બીજા મારે ધકો, પગ પુગે કે નહિ પણ જાવા દેતા ને બ્રેક મારે એટ્લે પડી જાવાનુ, એમ બધાય એક એક ચક્કર મારી ને પાછી એક્દુમ અવાજ નો થાય એમ પાછા સાઇક્લ જ્યા જેમ હોઇ એમ મુકી આવતા. ઈ મજા હતી તઈણ તઈણ સવારી મા બેહવાની. હવે ના બાપકમાઈ ના બાબુડીયા હોન્ડા ને સુઝુકિ હલાવે જાણે એનો બાપ મરે વાંહે પોલિસ નો પઈડો હોઇ.



રાજકોટ ની પ્રજા વાહન ના નંબર પાછળ ગાંડી છે. RTO (regional Transport Office,  તમારુ DMV) મા નવી સિરિઝ ખુલે કે ભાઈડા નવા સારા નંબર લેવા લાઈન લગાવે. આને ગાંડી પાછીના કેવા કે શુ? જોઇતા નંબર માટે સરકારે કંટાળી ને ટેન્ડર શરુ કરી દીધા છે. તમારે જોતો હોઇ ઈ નંબર મળે, બસ ખનખનીઆ (money) તૈયાર રાખવાના. તમારા નંબર ઊપર તમારી તાકાત પ્રમાણે પૈસા ભરી દેવાના. ત્રણ દિ પછી ટેન્ડર ખુલે ને તમને તોજ નંબર મળે જો તમારી બોલી (bid) ઊંચી હોઇ.


બાકી તો બીજુ શુ કહુ...આ દિવાળિ ઊપર તો અરધુ રાજકોટ ગામ બારે વઈગ્યુ તુ. માણાહ આબુ, કેરાલા ને રાજસ્થાન ભાગી ગ્યા, જેવા મુલચન્દ (money). ક્યે છે આબુ મા તો એટ્લુ માણાહ ટુટી પઈડુ કૈ પોલિસે રાઈતના ૮ પછી તો ઊપર ગાડી જ જવા નોતા દેતા. અને ઊપર એટ્લો ટ્રાફિક કે ગામ મા ક્યાય રેવાની જઈગા નહી. ક્યે છે માણાહ આબુ ના રોડ ઊપર જ રાઈતે સુઇ ગ્યા ને ત્યાના રેવા વાળા મારા ગોતીડા ઘર ની છત પર સુવાના ૧૦૦૦ ૧૦૦૦ લેતા તા.


બોલો તોય રાજકોટ વાલા ઝીંકે રાખે છે... તમે ય ચાલુ રાખો..



હા જાતા પેલા સારા સમાચાર પણ સાંભળો. આજે રાજકોટ મા પુજ્ય સંત શ્રી જલારામ બાપા (અખંડ સદાવ્રત - વિરપુર --ભુખ્યા ને રોટ્લા નો ટુક્ડો તો મળે હરિ ઢુંક્ડો ) ની ૨૧૦ મી જન્મ જયંતી ધૂમ ધડાકા ભેર ઉજવાઇ. આવતીકાલે બપોરે ૧૧:૦૦ વાગે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ રાજકોટ ના આંગણે પધારી રહ્યા છે.

Thursday, October 15, 2009

મામા નુ ઘર કેટ્લે દિવા બળે એટ્લે

તમને એમ કે હુ ક્યા ખોવાઇ ગયો!. ભાઇ ક્યાય નથી ગયો. ઘરવારી યે તો ઊપાડો લીધો છે. વાસણ ઊતારો ને ઓલી આભેરાઇ સાફ કરો ને ગામ માથી લઈ આવો ને પેલો કચરો નાખીયા વો. નવરો નથી થાવા દેતી. પણ બાકી દિવાળી દેખાય છે હો કે. માણાહ ગાંડુ થયુ છે. રાઇત આખી ઢિચ્યાવ ઢિશુમ હાઇલે રાખે છે. મારા હારા ટેણિયા પણ રાઇતના બે બે વાઇગા સુધી ખેંચી ને પણ થાક્તા નથી. ઠિચુમ ઠિચુમ કરે રાખે
રાજકોટ વાળા સૂધરી ગયા છે. ઘી ના દિવા ને કોરાને મૂકી ઈલેક્ટ્રિક સિરીઝુ  (lightings) ના રવાડે ચડી ગયા છે. બંગલાઓ ભારે ઠાવકા દેખાય છે. ગામ મા ને રહેણાક વિસ્તારો મા લાલ, પીળી. લીલી, સફેદ લાઈટુ ના એવા ડેકોરેશન કઇરા છે વખતે, લાસ વેગાસ વાળા ને આંટો મારવા આવવુ પડે. ને સોના મા સૂગન્ધ ભળે એમ બીએપીએસ નુ સ્વામિનારાયણ મંદિર નુ ડેકોરેશન. ભુકા કાઢી નાખે. તાજમહાલ જાંખો પડે. કાલાવાડ રોડ પર થી જતા માણાહ ને બે મીનીટ ઊભો રહી જાવુ પડે એવુ સરસ.

બાકી લુગડા, સોની, મોબાઇલ ને ઈલેક્ટ્રિક ઠામણા (Microwave, Washing Machine, TV, Refrigerator ) ની મારકેટ મા તો ઊભા રેવાની જગા નથી. કેમ જાને એનો બાપ મરે કાઇલે માલ પતિ જવાનો હોઇ. છાપા ભરી ભરી ને દિવાળી ની ટ્લી  ઓફરુ આવે છે કે મારા બેટા કિલા મા તો સમાચાર ગોતવા પડે કે ક્યા લઇખા છે.


મેરિકા ની મંદી યે હારા હારા ને ભલે બેવડા વાળી દિધા હોઇ, રાજકોટ મા કાયમી તેજી તેજી છે.

લ્યો ત્યારે કન્દોઇ (sweet shop) ને ન્યાથી મીઠાઈ લઇ ઘર ભેગો થાઉ..


યે સૌને ઝાઝી કરી ને એક્દમ તાજી શુભ દિવાળી ને સૌને નવુ વરહ ફળે ને લીલાલેર રયે એવી ઊપરવાળા ને રજી