Friday, June 25, 2010

આવરે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક

કાચી કેરી માની ગોટલીયું બફાઈ જાઈ એવી ગરમી ગયા પછી પેલી ધાર ના આ ભીના ભીના છાટણા થી આવતી આ ભીનીભીની ધરતી ની સોડમ સુંઘ્યા પછી તો તમારા Estee Lauder ના પરફ્યુમ પણ ગંધાતા હોઈ એવું લાગે.  પણ આ વખતે તો એટલી કેરી ખાધી કે ખાઈ ખાઈ ને પેટ દોણા જેવા કરી દીધા. કેરી પણ એમ આવી આ વખતે. અને મીઠી પણ એવી! અડધી કેરી ખાધે ડાયાબીટીસ ૨૦૦ વધી જાઈ એવી ગળી. તોય ગમે ઈમ હોઈ આ વખતે કેરી આઈવી એટલી ને માણસો એ ખાધી એ એટલી, તોય પેલા વરસાદે કેરી જે પાંચ સાત રુપયે કિલો મળવા માંડે ઈ હજુ પાંચસો રુપયે વીસ કિલો આવે છે. ઈ કચ્છની પાછલા વેતરની સૌથી મીઠી અને ખરેખર અંદરથી ઘાટા કેસરી કલર ની મળે ઈ.
આવી કેરીયું ખાઈ ખાઈ ને  ગરમી એ બહુ નીકળી તી, એટલે આ પેલવેતરો વરસાદ મજો મજો પડાવી ગયો.  ગઈકાલે શેરી મા ઝીણાઝીણા ટેણીયાઓ ને જોઈ નાનપણ યાદ આવી ગયું. તૂટેલી ડોલ નો સળિયા ને પાણી નો બોર કરતા નીકળેલ નળાકાર પથ્થર ની બેય બાજુ ભરાવી રોલર રોલર રમતા. અને વરસાદ પડે એટલે જામોકામી થઇ જાઈ. નાનો લોખંડ નો સળીયો લઇ ને ખુચામણી દાવ રમતા રમતા એક બે નહી પાંચ પંદર શેરી યું કે ખેતર બે ખેતર વયા જાઈ તો ય ખબર નો પડે. અને જેની માથે દાવ આવે એની તો આવી જ બને. બિચારો લંગડી ભરી ભરી ને લાંબો થઇ જાઈ. મફત ની રમતો ની ઈ તો મજા હતી. આવી મજા તો ફૂટ બે ફૂટ ઘરી જાઈ એવા સોફા મા બેઠા બેઠા બસો તઈણસો ડોલર નું Wii રમતા રમતા ય નો આવે.

વરસાદ આવે એટલે જાણે હોથલ પદમણી ફિલમ આવી હોઈ એમ આખું ગામ જોવા ઉભું રહી જાઈ. આવ મારો વાલો આવ એમ એકવાર તો ગઈઢયા ના મોઢામાંથી નીકળી જ જાઈ.અને એ માય વરસતા વરસાદ મા નાવા ની મજા તો વાત જવા દ્યો. રાજકોટ મા તો જાણે હવે ફેશન નીકળી છે. જુવાન છોકરા છોકરી ટુંકી ટુંકી ચડિયું પેરીને નીકળી પડે. પાછા એક બે નહી. પાંચ પંદર આવા બાપ કમાઈ ના બાબુડિયા સ્કૂટર લઇ ને હો હા દેકારા કરતા હાલી મરે. એક બાજુ પાણી ની નદીયું રોડ પર હાઈલી જાતી હોઈ, અને બીજી બાજુ આ નવરી બજાર હોન્ડા કે સ્કુટી ઉપર પોપો પીપી કરતા, રસ્તાની કોરે, દુકાનુંના ઓટે વરસાદ ને પોરો ખાવાની રાહ જોતા ઉભેલા ને  પલાળતા જાઈ. મારા હારા નાના ટેણીયા શેરીયું મા છ્બછ્બયા કરતા હોઈ એનેય ઠેબે ચડાવતા જાઈ.

પણ જે હોઈ ઈ વરસાદ આવે એટલે અમારે ગોરધન ની ચકલી ફૂલેકે ચડે. ગોરધન ઈ અમારે કૈલાશ ફરસાણ ને ભજિયા ની દુકાન વાળો. ગમે એવી ઓળખાણ આપો તો ય સાંભરે જ નઈ. એવો બીઝી થઇ જાઈ. પણ જાણે કેમ બાપ મારી ગયો હોઈ ને વરસાદ પછી કોઈ દીઆવવાનો નો હોઈ, એમાં માણાહ પણ એની દુકાને બટાઝટી બોલાવે. ઉભા ઉભા મેથીના, મરચાના, લસણીયા, પતરી , અડધા કાચા પાકા ફળફળતા ગરમા ગરમ ગોટા ભજીયા ઉલારતા જાઈ ને મોઢા માંથી સીસકારા બોલાવતા જાઈ. વરસાદ બે મીનીટ ખમેંયા કરે ત્યાં તો લાવ લાવ નીકરી પડે. જેનો દુકાને વારો નો આવે ઈ ઘરે જઈને વેન કરે એટલે ઘરવારી બિચારી તરત તાવડો મૂકી, ભાજી કાપી નાખે તોય ઉટીયે બેઠો છાના વીણતો નો હોઈ એમ લાંબો થઇ થઇ ને રસોડા મા ડોકિયા કઈરે રાખે. પણ વારો આવી જાઈ.


હારો વરસાદ આવતા પેલા ની  જે ગરમી નીકળી છે આ વખતે જાણે મુંબઈ મા નો રેતા હોઈ, નાહી ને બારા નીકળી કે પરસેવે રેબઝેબ. પાછી ડોલ ભરવી પડે.  એ.સી. કે કુલર નો હોઈ ઈતો સિંદુરિયા ની ખાણ મા સીધો ધુમ્કો મારવા ભાગે એવો ઉકળાટ, સખ નો પડે ક્યાય. પણ બિલ્લુ કલર ના ખટુમરા રાવણા જાંબુ ને પીળી પીળી ઝીણીઝીણી ગળ્યા સાકાર ના કટકા જેવી રાયણું ખાવાની ભારે મજા પડી ગઈ. હા પાછો કહી દવ, અઢીસો રાવણા જાંબુ તો ગમે એ ખાઈ જાઈ, એમાં માલ થોડો ને ઠળીયો મોટો, પણ અઢીસો રાયણું ખાઈ જાવ તો ભાયડા કેવા. ભેસું ની જેમ બેક કલાક ઓગાળી શકે એવા જડબા જોઈ. અને એમાંય પાછું ખાધા પછી હોઠે જે રાયણ નો ગુંદર ચોટે, કેમેય કરીને ઉખડે નહી. ઝાઝા પાણીયે ધોયે આરો આવે.

હમણા તો રાજકોટીયાવ ની વાહે ઈનકમ ટેક્ષ્ વાળા શું પાડી ગયા છે. સુતા માણાહ ને સઈખે સુવાણ દેતા નથી. ગમે ન્યા બેલ દબાવીને રેડ પાડવા ઉભા રઈ જાઈ દરવાજે. પોચું ભાળી ગયા છે, બીહાર મા રેડ પાડવા જતા હોઈ તો. તઈણ ગયા હોઈ તો છ થઈને પાછા આવે. આતો આપણી પરજા ડાહી એટલે પરસાદ ધરાવી દ્યે એમકે એનેય બાલ બચ્ચા હોઈ ને. પણ આતો જમ ઘર ભાળી ગયા છે. જો રાજકોટ વાળા જાત ઉપર આવી ગયા ને તો તઈણ ના તેર કરીને આજી ડેમ મા પધરાવી દઈશે. હમણા બેક દી પેલા એક બાપુ ને ન્યા રેડ પાડવા ગયા તો બાપુ એ પોચી પોચી બેક મૂકી ય દીધી. ખોટી જગ્યાએ બારણા ખખડાવે તો ખાવીયે પડે.

અટલે એવું હાઈલે રાખે છે, હાલો ત્યારે અમે ઉભા ગળે વરસાદ ની રાહ જોઈ ને બેઠા બેઠા પાછળ વેતરી  કચ્છ ની મીઠી કેરીયું , ગરમા ગરમ બે પાવરા ઘી નાખીને કુચો વાળેલા પીઝા જેવા ઘવ ના રોટલા સાથે ઉલાળીયે છીએ ત્યારે તમ તમારે સમરીયા વેકેશન મા પંખી જનાવર વીનાના જંગલૂ મા કેમ્પીંગ, બાયું અડધી ઉઘાડી સુતીયું હોઈ એવા દરિયા કિનારે બીચ બાથિંગ કઈરે રાખો,

તિખારો : કહેવત: ખાધા ભેગી ચીકણી થવી...




2 comments:

  1. *ઘે*બરિયો પરસાદ!
    ચોમાસાનાં પરબમાં કુલેર અને ઘેબરના પરસાદ ચડે ને? એટલે!

    ReplyDelete
  2. આલે લે માળું આતો મનેય ખબર નહી... કુલેર હાટુ તો અમારા તનેય ભાંડરડા મા બટાઝટી બોલી જાતી, હોઈ કઈ નહી,કાચો લોટ ઘી ને ગોળ અને પાછી ખાતાં ખાતાં તાળવે ને પેઢે ચોટતી જાઈ પણ એવો જલસો પડે કે mongenis કેક વાળા ને એના માસી યાદ આવી જાઈ...

    ReplyDelete

Kem laigu tamne...