Friday, January 15, 2010

કાઈઈઈઇપોઓઓઓ છેએએએએએ....

રાઇડુ પાડી પાડી ને ગળા બેહી ગયા રૂપિયા ૬૦ ના કિલા ના ભાવ ની મણ શેરડી  ખાઈ ગયા, ચાર , પાંચ કિલો ક જેટલી તો દાળિયા, સીંગ, સફેદ ને કાળા તલ ને કોપરા ની ચીકી ખાઈ ગયા, એક કાપી ત્યાં બીજી બે તઈણ આવે એવો જામેલો હતો.

ખીયર એટલે ખીયર. જમાનો બદલી ગયો છે. અમે નાના હતા ત્યારે તો સવાર ના પાંચ વાઈગા માં મેડીએ ચડી જતા. આજે તો સાવ બદલાઈ ગયું છે. વેલા વેલા ઉઠી ને આવી કડકડતી ટાઈઢ માં શું કાઢી લેવા નું?  હેય તારે નવેક વાઈગે તો કૈક ટવરક્  ટવરક્ ચાલુ થયું. કયે છે છેલા બે તઈણ વરહ ને રાહે આ વખતે પવન બહુ સારો હતો સવારથી જ. બારેક વાઈગા ત્યારે કૈક બરોબર જાઈમું,  સાંજ સુધી મા તો આંગળિયું માં ચેકા પાડી નાઈખા. મારી છોડીયું એ તો આટલી પતંગુ એની જીન્દગી માં પેલી વાર જોઈ . સવાર ની નવ વાઈગા ની મેડીએ ગઈ ઈ ગઈ. સાંજે સાડા પાંચે અંધારૂ થયું ત્યારે નીચે ઉતરયુ. એને તો જામો પડી ગયો. ને એમાં ય જયારે નવી પતંગ કપાઈ ને મેડી પર ડોકાય એટલે ઠેકડા ઠેકડી, ચીસાચીસી  અને બઘડાટી. ગમે એ હોઈ આ વખતે વાઘરી ના છોકરા ય ઓછા જોવા મઈલા ઝાખરા ના ઝંડા લઈને. શેરીયુ માં પતંગુ કપાઈ ને એમ ને એમ પડી રયે કોઈ લેવા વારુ નો હોઈ. અમારા જમાના માં તો હાથો હાથ આવી જાતા એક પતંગ લૂટવા હાટુ.  છેલે તો પતંગ ને બુસ્કોટ બેય ફાટી જાઈ પણ બીજો આપણી શેરી માંથી પતંગ લઇ ને જાવો નો જોઈ.

ગમે ઈ હોઈ, પણ મારું હારું એક વાત નો સમજાણી, અમે નાના હતા તેદી આઠ આના ની એક પતંગ મળતી. ૫ રૂપિયા ની વાર જમીન કોય સુંઘતું ય નહી એના ૫૦૦૦ થઇ ગયા પણ  છતાય પતંગ નો બાંધો (૫)  આજેય ફક્ત ૧૫ રૂપિયા માં. ભારે સસ્તું. ફીરકી થોડીક મોંઘી થઇ છે હવે ૧૦૦ થી ૫૦૦ રૂપિયા સુધી આવે છે. એ તો આવખતે ખબર પડી સસ્તો ને જાજો માલ લેવો હોઈ તો ખીયર ને દિ વેલી સવાર મા સદર બજાર માં પોચી જાવ તો મફત ના ભાવે બધું મળે ૨૦ ની ફીરકી ને રૂપિયા ૫ નો બાંધો. બોલો આટલું સસ્તું.  હા તમારો ટાઈમ બગડે કાના બાંધવામા પણ એક ના તઈણ નો કરે ઈ રાજકોટ વાળા નહી.  આ વખતે મોદી સરકાર ને પણ ડહાપણ સુઈજુ કે શું,  ચાઈનીઝ દોરી ગેરકાયદેસર જાહેર કરી દીધી. કયે છે દોરી એવી કડક આવે કે ઉડતા નાના મોટા પંખી તો શું, તમારૂ ય  ડોકું વધેરાઈ જાઈ જો ઘા માં આવી જાવ તો. છતાં પણ દેસી ૩ દોરા, ૬ દોરા, ૯ દોરા અને ૧૨ દોરા બરોબર પાયેલ હોઈ તો ખેંચી કે ઢીલ દઈને ય કાપવાની ભારે મજા પડે. પેલા તો કોક ની કાપો એટલે માણસો થારી વાટકા ને ઢોલ વગાડતા હવે થોડોક ફેરફાર થયો છે, ટેપુ ને  એમ્પ્લીફાયર ઘરી ગયા છે. એના મરી ગયેલા બાપ ને સ્વર્ગ માં ય સંભળાય એટલા તો પાછા જોર જોરથી વગાડે. કોઈનું કાને પઈડુ સાંભરવા નો દ્યે.  તોય જુના જાણકારો નું એવું કેવું છે કે આ વરસે બહુ ઓછા માણાહ મેડીએ ચઈડા. ગામ બહાર ફાર્મ હાઉસ ઉપર માણાહ બહુ વયું ગયું.  આમેય રાજકોટ ની આવી મોઘવારી માં લીધેલ ૬૦ ૭૦ વાર ના મકાન ની મેડી એ કેવડી હોઈ?. અને માથે ચડે તોય એમાં સમાય  કેટલા? અટલે કદાચ ઓછા દેખાતા હશે.

પણ જે હોઈ એ રાજકોટ નો એકેય ચોક એવો નહિ હોઈ જ્યાં ગોશાળા વાળા ફાળા ઉઘરાવવા નહિ બેઠા હોઈ. અમારા કોટેચા ચોક માં તો ૨૫ ૩૦ જેટલા ગોશાળા વારા ઓએ તો બે માણાહ બેહી શકે એવા મંડપ નાખી દીધા હતા આગલા દિ થી જ. મકર સંક્રાંતિ એટલે દાન પૂન નો દિ એટલે ગો શાળા વાળા તો હોય જ ને. ભક્તિ નગર માં એક લાખાભાઈ પટેલ છે એતો દર વરસે આ દિ માટે ટેક લ્યે , સવાર થી બેહી જાઈ ઘર ની બારે ગોશાળા માટે ફાળો ઉઘરાવવા,  આ વરસે ટેક લીધેલી કે જ્યાં સુધી ૩ લાખ રૂપિયાં રાજકોટ ગોશાળા માટે ભેગા નો થઇ ત્યાં સુધી ઉપવાસ ને પાણી નું ટીપુંય મોઢા માં નહી મુકે. આટલા વરસ થયા પણ રાજકોટ ની માણસાઈ કેવી, સાંજે એને ઘરે જમવા ભેગા કરીજ દ્યે, જેટલા ની ટેક લ્યે એટલા રૂપિયા ભેગા થઇ જ જાઈ.માણાહ ક્યાય ક્યાય્ય થી દેવા આવે.

તિખારો : ખીચડો એટલે ખીચડી નો મોટો ભાઈ. બધાય ધાન (ઘઉં, બાજરો, જાર, ચોખા,...) ભેગા કરી ને બા એ ઘરે ખાંડેલો , એને બાફી ને તેલ ની સાથે  ખીયર ની સાજે બધા સાથે બેસી ને ખવાય અને જે તમારે ન્યા અમેરિકન્યા ટીન પેકિંગ મા ય નો મળે ઈ.

2 comments:

 1. Lage raho khoontbhai.
  Kharekhar vanchavani bahu maja ave chhe.
  ame ghar na badha sathe vanchie chhie.
  Thanks for writing the blog.

  Bhavin.

  ReplyDelete
 2. ખુંટભાઈ, શું કીયે રાજકોટની બજારૂ ? કાંઈ નવાજુની સંભરાવો !
  વેકેશનમાં ગીયા છો ? તંઈણ મઈના થઈ ગીયા, હવે તો કાંઈક ઠપકારો !

  ReplyDelete

Kem laigu tamne...